એકસ્ટ્રા અફેરઃ કફ સિરપ કાંડ, ત્રણ વર્ષમાં કશું બદલાયું નહીં | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કફ સિરપ કાંડ, ત્રણ વર્ષમાં કશું બદલાયું નહીં

ભરત ભારદ્વાજ

ભારતમાં માણસના જીવની કોઈ કિંમત નથી અને પૈસાને ખાતર આ દેશમાં લોકોના જીવ સાથે રમત કરતાં પણ ખચકાટ ના થાય એવી માનસિકતા વધી રહી હોવાનું કફ સિરપ કાંડે સાબિત કર્યું છે. કોલ્ડ્રિફ નામનું કફ સિરપ પીવાથી મધ્ય પ્રદેશમાં 27 દિવસમાં 11 બાળકોના મોત થયા છે. મોતને ભેટેલાં બધાં બાળકો એકથી પાંચ વર્ષની ઉંમરનાં હતાં.

કફ સિરપ પીવાથી રાજસ્થાનમાં પણ 3 બાળકોનાં મોત થયાં છે. આ બાળકોએ ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ કફ સિરપ પીધુ હતું. આ ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ કફ સિરપ કેસોન્સ ફાર્મા કંપની બનાવે છે અને તેનો પ્લાન્ટ જયપુરમાં છે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યોમાં સરકારી યોજના હેઠળ મફતમાં કફ સિરપ અપાય છે. બાળકોમાં ખાંસી, ઉધરસ વગેરે સામાન્ય છે તેથી બાળકો મોટા પ્રમાણમાં મફતમાં મળતા સરકારી કફ સિરપ પીવે છે. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેથી તેમને ઝડપથી અસર થઈ પણ મોટી ઉંમરનાં કો પણ કફ સિરપનો ભોગ તો નથી.

આ કફ સિરપ કાંડે દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે આઘાતજનક વાત એ છે કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરકારો કફ સિરપના કારણે બાળકો મોતને ભેટ્યાં હોવાનું સ્વીકારવા તૈયાર નથી. એક સાથે 13 બાળકો ગુજરી ગયાં તેથી મધ્ય પ્રદેશ સરકારે કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો પણ કંપની સામે કોઈ પગલાં નથી લીધાં. સ્થાનિક સ્તરે અધિકારીઓને દંડીને બલિના બકરા બનાવી દેવાયા છે.

મધ્ય પ્રદેશના છિંદવાડામાં કફ સિરપ પીવાથી કુલ નવ બાળકોનાં મોત થયાં અને તેમાં પહેલું મૃત્યુ 7 સપ્ટેમ્બરે થયેલું પણ પહેલો શંકાસ્પદ કેસ તેના પખવાડિયા પહેલાં 24 ઑગસ્ટે નોંધાયો હતો. 7 સપ્ટેમ્બરે પહેલા મોત પછી 15 દિવસમાં કિડની નિષ્ફળ જવાથી એક પછી એક છ બાળકોનાં મોત થતાં તેમના કિડનીના નમૂના લેવામાં આવ્યા હતા તેમાં ડાયથિલિન ગ્લાયકોલ હોવાનું બહાર આવ્યું.

આ પણ વાંચો…મહારાષ્ટ્ર સરકારે કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો, આદેશ જારી

આઘાતની વાત પાછી એ છે કે, મૃતકોની કિડની કામ કરતી બંધ થઈ તેના માટે ડીઈજીને કારણભૂત ગણાવાયું છે પણ મધ્ય પ્રદેશમાં કફ સિરપના નમૂના લેવાયા તેમાં પણ કોઈ ગરબડ નહીં હોવાનો સરકારી રિપોર્ટ બહાર પાડી દેવાયો છે. આઘાતની વાત પાછી એ પણ છે કે, આ કફ સિરપના તમિલલનાડુમાં લેવાયેલા નમૂનામાં સિરપમાં લગભગ 48.6 ટકા જેટલો ડાયથિલિન ગ્લાયકોલ (ડીઇજી) હોવાનું લેબોરેટરીનો રીપોર્ટ કહે છે પણ મધ્ય પ્રદેશની સરકારી લેબોરેટરી આ વાતનો ઈન્કાર કરે છે.

તમિલનાડુના કાંચીપુરમમાં પ્લાન્ટ ધરાવતી શ્રેસન ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની કોલ્ડ્રીફ કફ સિરપ બનાવે છે. મધ્ય પ્રદેશમાં બાળકોનાં મોતના પગલે તમિલનાડુ સરકારને સિરપના નમૂના લઈને લેબ ટેસ્ટ કરવા કહેવાયું હતું. તેમાં ડાયથિલિન ગ્લાયકોલ (ડીઇજી)નો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. રાજસ્થાનમાં કંપનીનો પ્લાન્ટ જયપુરમાં જ છે તેથી રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખિમસરે પોતે જ કફ સિરપમાં કોઈ ગરબડ નહીં હોવાનું જાહેર કરી દીધું છે.

બે રાજ્યોની લેબોરેટરીના અલગ અલગ રિપોર્ટ આવે અને એક રાજ્યના આરોગ્ય મંત્રી ખાનગી કંપનીનો બચાવ કરવા મેદાનમાં કૂદી પડે તેનો અર્થ શો એ કહેવાની જરૂર નથી. સરકાર દ્વારા મફતમાં અપાતા કફ સિરપના સપ્લાયમાં ભ્રષ્ટાચાર થયો છે તેથી સરકાર કંપનીઓને છાવરી રહી છે. આ ભ્રષ્ટાચાર કોણે કર્યો તેની તપાસ કરવાના બદલે મંત્રી પોતે બચાવ કરે તેનો અર્થ એ થયો કે, મંત્રી કે તેમના મળતિયાઓએ મલાઈ ખાધી હોઈ શકે છે. પહેલાં નહીં ખાધી હોય તો કાંડ થયો પછી ખાધી હશે. એ સિવાય બચાવ શું કરવા કરવો પડે ?

તમિલનાડુના લેબોરેટરી રિપોર્ટમાં કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ (ડીઇજી) હોવાનું બહાર આવ્યું છે. ડાયથિલિન ગ્લાયકોલ (ડીઇજી) ઝેરી પદાર્થ મનાય છે અને કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ (DEG) નાંખી જ ના શકાય. ડાયથિલિન ગ્લાયકોલ (ડીઇજી) અને ડાયથિલિન ગ્લાયકોલ (ઇજી) ઉદ્યોગોમાં વપરાય છે. તેનો ઉપયોગ એન્ટિફ્રીઝ, પેઇન્ટ, બ્રેક ફ્લુઇડ્સ અને પ્લાસ્ટિક બનાવવામાં થાય છે.

આ બંને કાર્બન ઘટકો છે. સુગંધ અને રંગ વિનાના બંને ઘટકોનો સ્વાદ મીઠો હોય છે. બાળકોના સિરપમાં એટલા માટે ઉમેરવામાં આવે છે કે મીઠાશના કારણે બાળકો સરળતાથી પી જાય છે. આ બંને પદાર્થો સસ્તા પણ છે તેથી તેનો ઉપયોગ કરીને કફ સિરપ બનાવી દેવાયા તેમાં નિર્દોષ બાળકોનો ભોગ લેવાઈ ગયો.

આ પણ વાંચો…કફ સિરપનો મુદ્દો એટલો ગંભીર બન્યો કે કેન્દ્ર સરકારે રવિવારે બોલાવી ઈમરજન્સી મિટિંગ

કફ સિરપ કાંડ પછી કેન્દ્ર સરકાર પણ સફાળી જાગી છે અને ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવા હેલ્થ એડવાઇઝરી બહાર પાડી છે. આ હેલ્થ એડવાઈઝરીમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક વિભાગની એડવાઈઝરીમાં કહેવાયું છે કે ,સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવી જોઈએ અને પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકોને આપવામાં આવે તો તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.

આ સલાહનો અત્યારે કોઈ મતલબ નથી. બાળકોનાં મોત માટે કેન્દ્ર સરકારના કોઈ વિભાગ તરફ આંગળી ચીંધી શકાય તેમ નથી કેમ કે આ રાજ્યોનો વિષય છે પણ આવા ગંભીર કાંડ વિશે આરોગ્ય મંત્રાલય તપાસ કરાવે એવી અપેક્ષા હોય જ. તેના બદલે આરોગ્ય મંત્રાલય સલાહો આપીને સંતોષ માની રહ્યું છે.

કફ સિરપ કાંડે ફરી એક વાર ભારતીય ફાર્મા કંપનીઓની નૈતિકતા સામે સવાલ ખડો કરી દીધો છે. ત્રણ વર્ષ પહેલાં 2022ના ઓકટોબરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ) એ ભારતની મેઈડન નામની ફાર્માસ્યુટિકલ કંપનીએ બનાવેલાં ચાર કફ સિરપ વિશે એલર્ટ જાહેર કર્યું ત્યારે આ જ સવા ઉભા થયેલા, એ વખતે ગામ્બિયા નામના આફ્રિકન દેશમાં આ કફ સિરપ પીવાથી બાળકોને કિડનીના ગંભીર રોગ થયા હતા ને 66 બાળકો તો મરી ગયાં હતાં. ડબલ્યુએચઓના રિપોર્ટમાં પણ ડાયથિલિન ગ્લાયકોલ અને ડાયથિલિન ગ્લાયકોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ રીપોર્ટ પછી ભારત સરકારે જાગવાની જરૂર હતી. ભારતમાં બનતા કફ સિરપમાં આ પ્રકારની ભેળસેળ નથી થતી તેના પર વોચ રાખવાની જરૂર હતી પણ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કફ સિરપ કાંડે સાબિત કર્યું છે કે, કોઈ નજર રખાઈ નથી ને બાળકોને લાલચુ કંપનીઓના ભરોસે છોડીને સરકાર ઘોરતી રહી છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ પંચાલ સામે પાટીલના દેખાવનું પુનરાવર્તન મોટો પડકાર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button