એકસ્ટ્રા અફેર

કોરોના જીવલેણ નથી પણ અર્થતંત્રને ફટકો મારી શકે

-ભરત ભારદ્વાજ

લગભગ ત્રણ વરસની શાંતિ પછી કાળમુખા કોરોનાના રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે અને ભારત સહિત વિશ્વભરમાં ધડાધડ કોરોના નોંધાવા માંડ્યા છે. ભારતમાં અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થતાં લોકો ચિંતામાં છે.

સરકારી આંકડા મુજબ કોરોનાના નવા વેરિયન્ટે દેશની રાજધાની દિલ્હી સહિત કુલ 11 રાજ્યોને ઝપેટમાં લઈ લીધા છે. સરકારી ડેટા મુજબ દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં કુલ 257 સક્રિય કેસ નોંધાયા છે તેમાં 164 કેસો નવા નોંધવામાં આવ્યા છે.

કોરોનાના સૌથી વધારે કેસ કેરળમાં નોંધાયા છે પણ મહારાષ્ટ્ર માટે ચિંતાનો વિષય એ કહેવાય કે, નવા વેરિયન્ટની વ્યાપક અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં કોરોનાના કારણે બે લોકોનાં મોત થયા છે. સત્તાવાર રીતે બંને લોકોના મોત પાછળ અન્ય કારણો દર્શાવાયાં છે.

મૃતકો પૈકી 59 વર્ષિય વૃદ્ધ કેન્સરથી પીડાતા હતા જ્યારે 14 વર્ષની કિશોરી પણ અન્ય સમસ્યાઓથી પીડાતી હોવાનું કહેવાયું છે પણ વાસ્તવમાં મોત કોરોનાના કારણે થયાનું કહેવાય છે.

આપણ વાંચો: વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, માતાને પણ લાગ્યો ચેપ

કોરોનાના નવા વેરિયન્ટના કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે અને કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. બીજા નંબરે તમિળનાડુમાં નવા 34 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ કેસની 66 પર પહોંચી છે.

એ પછી મહારાષ્ટ્રમાં 44 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસોની સંખ્યા 56 પર પહોંચી છે. ગુજરાતમાં 6 નવા કેસ નોંધાતાં કુલ કેસ 7 થયા છે. હરિયાણામાં એક નવો કેસ, રાજધાની દિલ્હીમાં ત્રણ નવા સાથે કુલ પાંચ કોરોના કેસ નોંધાયા છે.

કોરોનાનો વરવો અનુભવ આખી દુનિયાને પહેલાં જ થઈ ચૂક્યો છે તેથી બધા દેશો કોરોનાના નવા કેસો નોંધાતાં જ સતર્ક થઈ ગયા છે. આ વખતે કોરોનાએ સિંગાપોર અને હોંગકોંગને સૌથી વધારે લપેટમાં લીધા છે.

સિંગાપોર અને હોંગકોંગમાં વધતા કેસને પગલે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે આરોગ્ય સેવાઓના ડાયરેક્ટરના અધ્યક્ષસ્થાને યોજેલી બેઠકમાં નેશનલ સેન્ટર ફોર ડિસિઝ ક્ધટ્રોલ, ઇમર્જન્સી મેડિકલ રિલીફ ડિવિઝન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ, કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતો હાજર હતા..

આપણ વાંચો: ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડીઃ અમદાવાદમાં 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા

આ બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઈ પછી એવું તારણ કઢાયું છે કે ભારતમાં કોરોના-19ની હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. ભારતમાં 19 મેથી અત્યાર સુધીમાં કોવિડના 257 કેસ નોંધાયા છે. દેશની વસતીને ધ્યાનમાં રાખતા આ આંકડો બહુ નાનો છે અને મોટા ભાગના કેસ ગંભીર નથી એ જોતાં બહુ ચિંતા કરવા જેવી નથી.

કેન્દ્ર સરકાર ભૂતકાળના અનુભવોને આધારે વહેલી જાગી ગઈ છે એ સારું છે. બેઠકો શરૂ થઈ ગઈ છે અને કોરાનાના દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા પણ કરાઈ રહી છે તેથી ભારતમાં કોરોનાના કેસો ના વધે એવું બને પણ તેના કારણે લોકોએ નચિંત બની જવાની જરૂર નથી. તેનું કારણ એ કે, દુનિયાના બીજા દેશોમાં કોરોનાના કેસોમાં ધડાધડ વધારો થયો છે. હોંગકોંગમાં છેલ્લા બે મહિનામાં જ કોરોનાના કેસમાં 30 ગણો વધારો થયો છે.

હોંગકોંગમાં માર્ચમાં કોરોનાના કેસનો આંકડો 33 હતો. અઠવાડિયા પહેલાં 972 કેસ હતા. 15 દિવસ પહેલાં એટલે કે 10 મે 2025ના રોજ એક જ દિવસમાં કોરોનાના કુલ 1042 કેસ નોંધાયા ને પછી કેસ ધડાધડ વધતાં 15 હજારને પાર આંકડો થઈ ગયો છે.

એક અઠવાડિયામાં કોરોનાના કેસોમાં સીધો 30 ટકા ઉછાળો આવ્યો છે ને હોસ્પિટલમાં દરરોજે ભરતી થતાં દર્દીઓની સંખ્યા પ્રતિ દિન વધીને 150ને પાર થઈ ગઈ છે. સિંગાપોરમાં કોરોનાના કેસ 27 એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 11,100 હતા. ત્રણ અઠવાડિયામાં વધીને 50 હજારને પાર થઈ ગયા છે અને થાઈલેન્ડમાં આ વર્ષે કોરોનાના નવા 71 હજારથી વધારે કેસ નોંધાયા છે અને અને 19 મોત થયાં છે.

આપણ વાંચો: ગુજરાતમાં કોરોનાએ ફરી દસ્તક દીધી! એક્ટિવ કેસ 13 થતા આરોગ્ય વિભાગ સતર્ક…

ભારતમાં પણ આ સ્થિતિ આવી શકે છે એ જોતાં લોકો સતર્ક રહે એ જરૂરી છે. કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા માટે અપાતું કારણ પણ ચિંતા પેદા કરનારું છે. કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા પાછળ ઘણાં કારણ અપાય છે પણ મુખ્ય કારણ કોરોનાની વેક્સિનના કારણે મળેલી રોગ પ્રતિકારક શક્તિ ધીમે-ધીમે ખતમ થઈ રહી હોવાનું
કહેવાય છે.

અત્યારે દુનિયામાં જે કોવિડ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે એલએફ-7 અને એનબી 1.8 છે. આ બંને વેરિયન્ટ જેએન1 વેરિયન્ટની નેક્સ્ટ જનરેશનના વાયરસ છે. જેએન-1 વેરિયન્ટનો ઉપયોગ કોવિડ વેક્સીન બનાવવામાં થયો હતો.

ભારત સહિતના દેશોમાં કોરોનાની આ વેક્સિન અપાઈ હતી પણ હવે ત્રણ વર્ષ પછી કોરોના વાયરસના નવા વાઇરસ પેદા થયા તેમાં જૂની રસી કારગત નિવડી રહી નથી તેથી કોરોના ફરી ઊથલો મારી રહ્યો છે એવું કહેવાય છે. ભારતમાં પણ આ જ કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે એવું ના કહી શકાય પણ ભારતમાં કોરોનાના કેસ આ કારણે વધે એવો ખતરો છે જ.

બીજો ખતરો નવા વેરિયન્ટ ઝડપથી ફેલાવાની ક્ષમતાના કારણે છે. હેલ્થ ઍક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાના કેસ વધવા પાછળ ઓમિક્રોન વેરિયન્ટનો પેટા વેરિયન્ટ જેએનડોટવન (ઉંગ.1) જવાબદાર છે.

સિંગાપોરમાં અત્યાર સુધીમાં જે સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું તેમાંથી મોટા ભાગના આ જ વેરિયન્ટ છે. આ વેરિયન્ટ સાવ નવો નથી પણ ઓમિક્રોનનો જ સબ વેરિયન્ટ છે અને લાંબા સમય સુધી દુનિયામાં ફેલાયેલો હતો.

સામાન્ય શરદી-તાવ પણ ઘરમાં એક વ્યક્તિને થાય તો બધાંને થઈ શકે છે પણ એટલો ગંભીર નથી કે કોઈનું મોત નિપજી શકે. કોરોના વાઇરસ પણ હવે એવો જ બની ગયો છે.

.ટૂંકમાં આ વેરિયન્ટ ખતરનાક નથી અને તેનાથી સામાન્ય શરદી-તાવ આવી શકે છે. તેના કારણે આ વેરિયન્ટ અગાઉની જેમ લોકોને મોટા પ્રમાણમાં બીમાર નહીં કરે પણ ઝડપથી ફેલાય છે તેથી ચિંતાજનક છે. આ કારણે ભારતમાં પણ મોટા પ્રમાણમાં કોરોનાના કેસો વધે એવો ખતરો છે.

કોરોનાના કેસો મોટા પ્રમાણમાં નોંધાય તેના કારણે અર્થતંત્રને મોટો ફટકો પડતો હોય છે અને ગંભીર આર્થિક અસરો પડતી હોય છે. આ કારણે ભલે કોરોનાના નવા વેરિયન્ટના કારણે કોઈ મરે નહીં તો પણ કોરોના વધારે પ્રમાણમાં ફેલાય એ દેશના હિતમાં નથી જ. લોકોએ આ કારણે સતર્ક રહેવું જોઈએ અને દેશને આર્થિક નુકસાન થતું રોકવા માટે પણ કોરોનાને ફેલાતો રોકવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button