એકસ્ટ્રા અફેરઃ કૉંગ્રેસે નફરતનાં બી રોપ્યાં, અડવાણીની રથયાત્રાએ નહીં

ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે રાજકારણમાં વંશવાદ પર લખેલા લેખના કારણે ઊભો થયેલો બખેડો શમ્યો નથી ત્યાં થરૂરે દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અંગે લખેલી પોસ્ટે નવો વિવાદ ખડો કર્યો છે. 8 નવેમ્બરે રોજ લાલકૃષ્ણ અડવાણીનો 98મો જન્મદિવસ હતો. થરૂરે એક્સ (X) પર અડવાણી સાથેનો પોતાનો એક ફોટો મૂકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
થરૂરે લખેલું કે, લાલકૃષ્ણ અડવાણીજીને તેમના 98મા જન્મદિવસે હાર્દિક અભિનંદન! જાહેર સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા, તેમની નમ્રતા અને શિષ્ટાચાર અને આધુનિક ભારતના માર્ગને આકાર આપવામાં તેમની ભૂમિકા અવિસ્મરણીય છે. અડવાણી એક સાચા રાજનેતા છે કે જેમનું સેવા જીવન અનુકરણીય રહ્યું છે.
થરૂરની પોસ્ટ સામે સુપ્રીમ કોર્ટના વકીલ સંજય હેગડેએ વાંધો ઉઠાવીને લખ્યું કે, ખુશવંત સિંહના શબ્દોમાં કહું તો આ દેશમાં નફરતના બીજ ફેલાવવા એ જાહેર સેવા નથી. હેગડેએ રામ જન્મભૂમિ આંદોલનમાં અડવાણીની ભૂમિકાનો ઉલ્લેખ કરીને અડવાણીના કારણે કોમવાદ ને નફરત ફેલાઈ હોવાનો આક્ષેપ કરી નાખ્યો. થરૂરે હેગડેના નિવેદન સાથે સંમતિ દર્શાવી પણ વળતો જવાબ પણ આપ્યો.
કૉંગ્રેસના બે ભૂતપૂર્વ વડા પ્રધાનો જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના જીવનનો ઉલ્લેખ કરીને થરૂરે લખ્યું કે, અડવાણીના લાંબા કાર્યકાળને રામમંદિર આંદોલનની એક જ ઘટના પૂરતો મર્યાદિત રાખવો ખોટું છે. નહેરુની સમગ્ર કારકિર્દી ચીનની નિષ્ફળતા દ્વારા નક્કી ના કરી શકાય કે ઇન્દિરા ગાંધીની કારકિર્દીનું ફક્ત કટોકટી દ્વારા મૂલ્યાંકન ના કરી શકાય. મારું માનવું છે કે આપણે અડવાણી પ્રત્યે પણ આવું જ સૌજન્ય દાખવવું જોઈએ અને 1990ની રથયાત્રાના આધારે જ મૂલ્યાંકન ના કરવું જોઈએ.
કૉંગ્રેસીઓ માટે નહેરુ-ગાંધી ખાનદાન માઈ-બાપ છે તેથી થરૂરની વાતથી ઘણાંને મરચાં લાગી ગયાં ને હોહા થઈ ગઈ. કૉંગ્રેસે શશિ થરૂરના નિવેદનથી હાથ ખંખેરી નાખ્યા ને કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ ચોખવટ કરી કે, શશિ થરૂર હંમેશાં પોતાના માટે બોલે છે અને કૉંગ્રેસનું વલણ તેમનાં નિવેદનથી સંપૂર્ણપણે અલગ છે પણ કૉંગ્રેસ લોકશાહીમાં માને છે તેથી અમને વાંધો નથી. કૉંગ્રેસના સાંસદ અને કૉંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય તરીકે તેમના કાર્યો, કોંગ્રેસની વિશિષ્ટ લોકશાહી અને ઉદાર ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
કૉંગ્રેસ થરૂરને કશું કરી શકતી નથી તેથી આવાં બહાનાં બનાવે છે પણ એ મુદ્દો અલગ છે. આપણે 1990ની રથયાત્રાની જ વાત કરીએ કેમ કે બખેડો તેના કારણે ઊભો થયો છે. અડવાણીની 1990ની રથયાત્રાના કારણે ભારતમાં નફરતનાં બીજ રોપાયાં એ પ્રકારની વાતો બકવાસ છે. અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા શરૂ કરી તેનાં વરસો પહેલાંથી અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનો ધ્વંશ કરીને બાબરી મસ્જિદનું નિર્માણ કરાયું હોવાના દાવા થતા હતા અને રામ જન્મભૂમિ સંકુલની જમીનની માલિકીનો વિવાદ કોર્ટમાં પહોંચો હતો.
અયોધ્યામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે આંદોલન પણ શરૂ થઈ ગયું હતું. આ આંદોલન લાલકૃષ્ણ અડવાણીએ નહોતું શરૂ કર્યું પણ વિશ્વ હિંદુ પરિષદે શરૂ કર્યું હતું, કૉંગ્રેસના નેતા અડવાણી પર દોષારોપણ કરીને હાથ ખંખેરી નાખે છે પણ હકીકત એ છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનો તખ્તો મૂળ તો ડો. કરણસિંહ, ગુલઝારી લાલ નંદા અને દાઉ દયાલ ખન્ના એ ત્રણ કૉંગ્રેસી નેતાઓએ ઘડ્યો હતો.
દાઉ દયાલ ખન્ના કૉંગ્રેસના ટોચના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી હતા. ખન્નાએ 1980ના દાયકાની શરૂઆતમાં અયોધ્યા, કાશી અને મથુરા હિન્દુઓને સોંપીને આ મંદિરોને પુન:સ્થાપિત કરવાની માગ કરી હતી, સરયૂ નદીના કાંઠે હિંદુ સંસદ બોલાવીને આ માગણી કરનારા પહેલા રાજકારણી ખન્ના હતા. ખન્ના પછીથી આંદોલનમાં પણ જોડાયા અને રામ જન્મભૂમિને “મુક્ત” કરવા માટે રચાયેલી વિશ્વ હિંદુ પરિષદ વિહિપની સમિતિના મહામંત્રી બન્યા.
ભૂતપૂર્વ વડા પ્રધાન ગુલઝારીલાલ નંદાએ પણ રામ જન્મભૂમિ મંદિર નિર્માણની માગને હવા આપી હતી. બે વાર દેશના વચગાળાના વડા પ્રધાન બનેલા નંદાએ 1983માં રામ નવમી પર શ્રી રામ જન્મોત્સવ સમિતિની સ્થાપના કરી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતાઓએ હાજરી આપી હતી. રામ જન્મભૂમિ આંદોલન ઉગ્ર બનવાની શરૂઆત આ કાર્યક્રમથી થઈ.
જમ્મુ અને કાશ્મીરના છેલ્લા મહારાજા હરિસિંહના પુત્ર ડો. કરણ સિંહ પણ કૉંગ્રેસના અગ્રણી નેતા છે. રામ જન્મભૂમિને મુક્ત કરાવવા કરણ સિંહે વિરાટ હિન્દુ સભાની રચના કરી હતી. ડો. કરણસિંહે રામ જન્મભૂમિ આંદોલનમાં સાંસ્કૃતિક પહેલ કરી હતી અને તેમના સંગઠનમાં સંઘના સભ્યો પણ હતા. કૉંગ્રેસ રામ જન્મભૂમિ આંદોલનના કારણે દેશમાં કોમવાદ પ્રબળ બન્યો સહિતની વાતો કરે છે પણ કદી આ નેતાઓએ ભજવેલી ભૂમિકાની વાત કરતી નથી. રામમંદિરના મુદ્દાને કોર્ટની બહાર જાહેરમાં લઈ આવનારા કૉંગ્રેસીઓ વિશે કૉંગ્રેસ ચૂપ રહે છે.
લાલકૃષ્ણ અડવાણીને રામ જન્મભૂમિ મંદિરના મુદ્દાનું રાજકીયકરણ કરવા માટે દોષિત ઠરાવાય છે પણ અડવાણી તો બહુ પછી ચિત્રમાં આવ્યા. રામ જન્મભૂમિના મુદ્દાનો રાજકીય ફાયદો લેવાની પહેલ પણ કોંગ્રેસી વડા પ્રધાન રાજીવ ગાંધીએ જ કરી હતી. રાજીવ ગાંધીએ જ રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહના દરવાજા ખોલીને હિંદુઓને પૂજા કરવાની મંજૂરી આપી હતી અને પછી મંદિરનો શિલાન્યાસ કરવાની મંજૂરી પણ આપી હતી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સુપ્રીમનો આદેશ સારો પણ રખડતાં ઢોરને રાખવાં ક્યાં?
રાજીવની ગણતરી હિંદુ મતબેંક પર કબજો કરીને છવાઈ જવાની હતી પણ મુસ્લિમોના વિરોધના કારણે રાજીવ પાણીમાં બેસી ગયા પછી ભાજપ અને હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવ્યાં. 2024માં નરેન્દ્ર મોદીના હાથે રામમંદિરનું લોકાર્પણ કરાયું ત્યારે આ ઘટનાઓનો ઉલ્લેખ કરીને કૉંગ્રેસના કેટલાક નેતાઓએ રામમંદિર નિર્માણનો યશ ખાટવાની કોશિશ પણ કરી હતી.
અડવાણી પર દોષનો ટોપલો એટલે ઢોળી દેવાય છે કે, રામ જન્મભૂમિ આંદોલનના કારણે ભાજપને જોરદાર ફાયદો થયો. લોકસભાની 1984ની ચૂંટણીમાં 2 બેઠકો જીતનારો ભાજપ 1989માં 82 બેઠકો પર પહોંચી ગયો અને 1991માં 120 બેઠકો પર પહોંચી ગયો. ભાજપને રામમંદિરનો મુદ્દો ફળ્યો કેમ કે ભાજપે પૂરી તાકાતથી આ મુદ્દાને ચગાવ્યો.
હિંદુઓએ કૉંગ્રેસ પર વિશ્વાસ ના કર્યો કેમ કે વરસોથી કૉંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણમાં લિપ્ત હતી ને ભાજપની સ્લેટ કોરી હતી. ભાજપ જનસંઘના સમયથી હિંદુવાદી પાર્ટીની ઈમેજ ધરાવતો પક્ષ હતો તેથી લોકોને તેના પર વધારે ભરોસો બેઠો.
રાજીવ ગાંધીએ બોફોર્સનાં પાપ ધોવા માટે રામમંદિરના મુદ્દાને પકડેલો, શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો બદલીને મુસ્લિમ મુલ્લા-મૌલવીઓનાં તળવાં ચાટવાનું મહાપાપ કર્યું તેનાથી નારાજ હિંદુઓને મનાવવા 1989માં શિલાન્યાસની મંજૂરી આપેલી. રાજીવ ગાંધીની ગણતરીઓ રાજકીય હતી તેથી કોંગ્રેસ ના ફાવી, બાકી રામમંદિરના નામે ચરી ખાવામાં કૉંગ્રેસને પણ રસ હતો જ.
આ દેશમાં નફરતનું રાજકારણ રમવાની શરૂઆત કૉંગ્રેસે કરી, કૉંગ્રેસ વરસો લગી મુસ્લિમ તુષ્ટિકરણ કરીને હિંદુઓના માનસમાં મુસ્લિમો માટે અભાવ ઊભો કર્યો. આ તુષ્ટિકરણનો લાભ મુઠ્ઠીભર મુસ્લિમોને જ મળ્યો પણ હિંદુઓની નફરતનો ભોગ આખો મુસ્લિમ સમાજ બન્યો. તેના માટે જવાબદાર અડવાણી નહીં પણ કૉંગ્રેસ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સીસીટીવી બંધ, મધરાતે વાનની એન્ટ્રી ને પંચના લૂલા બચાવ


