એકસ્ટ્રા અફેરઃ કોમનવેલ્થ ગેમ્સથી ગુજરાતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળશે

ભરત ભારદ્વાજ
અંતે અમદાવાદને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ગઈ. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અને નાઈજીરિયાના અબુજા વચ્ચે સ્પર્ધા હતી. તેમાં નાઈજીરિયાના અબુજાને યજમાની નહીં આપવાનું છેલ્લી બેઠકમાં જ નક્કી થઈ ગયેલું તેથી અમદાવાદ એકલું જ સ્પર્ધામાં હતું પણ છેલ્લી ઘડીએ કોઈ નવો હરીફ ફૂટી ના નીકળે કે આયોજન સમિતિ નવું ગલકું ના કાઢે એવી ચિંતા હતી.
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં બુધવારે યોજાયેલી બેઠકમાં કોઈ નવો હરીફ ના આવ્યો કે કોઈએ કશો વાંધો ના લેતાં આ ચિંતા પણ દૂર થઈ ગઈ ને ભારતમાં 20 વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સ યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો. ભારતમાં છેલ્લે 2010માં દિલહીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી પણ કમનસીબે આ ગેમ્સ સાથે મધુરી નહીં પણ કડવી યાદો વધારે જોડાયેલી છે.
ભારતમાં 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ પછી કૌભાંડોના વમળમાં ફસાઈ ગઈ હતી. 2011માં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ બહાર આવ્યું ત્યારે તેને ભારતનાં સૌથી મોટા કૌભાંડમાંથી એક ગણાવાયેલું અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનના નામે 70 હજાર કરોડ રૂપિયા ચવાઈ ગયા હોવાના આક્ષેપ થયા હતા. કૉંગ્રેસી નેતા સુરેશ કલમાડી ત્યારે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના પ્રમુખ હતા. સુરેશ કલમાડી અને તેમના મળતિયાઓએ ભેગા મળીને અબજો રૂપિયા ઘરભેગા કરાયા હોવાના આક્ષેપો થયા હતા. કૌભાંડોના કારણે 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં 1,600 કરોડના અંદાજ સામે 70,000 કરોડ ખર્ચાઈ ગયા હતા.
સુરેશ કલમાડીએ કોમનવેલ્થ ગેમ્સ અને ભારતીય ખેલાડીઓની રમતગમત સુવિધાઓ માટે 40 હજારમાં મળતાં એર કંડિશનર 4 લાખમાં ને 50 હજારની ટ્રેડ મિલ 9 લાખ રૂપિયામાં ખરીદી હોવાના આક્ષેપ થયા હતા. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) દિલ્હી સરકાર અને રમતગમત મંત્રાલય હેઠળની એજન્સીઓને ભ્રષ્ટાચાર માટે દોષી ગણાવતાં તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી શિલા દિક્ષીત સામે પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આક્ષેપ થયા હતા.
સીબીઆઈ અને ઈડીએ આ કેસમાં તપાસ કરીને જાત જાતના આરોપો મૂકીને કલમાડી સહિત 15 લોકોને આરોપી બનાવ્યા હતા પણ અંતે કશું ના નીકળ્યું. લગભગ 14 વર્ષ લગી ચાલેલા ખટલા પછી આ વરસના એપ્રિલમાં કલમાડી સહિતના બધા આરોપી નિર્દોષ છૂટી જતાં ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવો ઘાટ થઈ ગયેલો. ઈડીએ પોતે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરેલો ને કોર્ટે ક્લોઝર રિપોર્ટ માન્ય રાખતાં કલમાડી સહિતના તમામ આરોપીઓને ક્લિનચીટ મળી ગયેલી અને કેસનું અચ્યુતમ્ કેશવમ્ થઈ ગયું.
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતાં આ કૌભાંડની યાદ તાજી થઈ છે ત્યારે આશા રાખીએ કે, આ વખતે 2010નું પુનરાવર્તન ના થાય અને કૌભાંડની વાત તો છોડો પણ કોઈ પણ પ્રકારના વિવાદ ના થાય. કોમનવેલ્થ ગેમ્સ બહુ મોટી સ્પર્ધા છે તે આ સ્પર્ધા ખરેખર તો તેમાં દેશે કરેલા દેખાવના કારણે યાદ રહેવી જોઈએ પણ તેના બદલે કૌભાંડના કારણે યાદ રહે એ દેશ માટે કલંકકથા જ કહેવાય.
રાજકારણીઓ જાડી ચામડીના હોય છે તેથી તેમને આ બધી વાતોની અસર થતી નથી પણ તેના કારણે દેશની આબરૂનો ધજાગરો થતો જ હોય છે. 2010ની કોમનવેલ્થ ગેમ્સના કારણે પણ દેશની આબરૂનો ધજાગરો થયેલો જ. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી પછી તરત સૌને 2010નું કૌભાંડ અને કલમાડી સૌથી પહેલાં યાદ આવી ગયા તેના પરથી જ સ્પષ્ટ છે કે, દેશના માથે લાગેલી કાળી ટીલીને લોકો ભૂલ્યા નથી.
આ વખતે એવું કશું ના થાય ને કોમનવેલ્થ ગેમ્સ સુખરૂપ પતે એ જરૂરી છે કેમ કે અમદાવાદ 2026ની ઓલિમ્પિક ગેમ્સના આયોજનનું પણ દાવેદાર છે. કોમનવેલ્થ ગેમ્સને આપણે નિર્વિઘ્ને પાર પાડીએ તો ઓલિમ્પિક્સના આયોજન માટેની આપણી દાવેદારી પ્રબળ થશે. અમદાવાદમાં ઓલિમ્પિક્સ યોજાય તો એ દેશ માટે ગૌરવની પળ હશે જ કેમ કે ભારતમાં અત્યાર લગી કદી ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ નથી. ભારતની પહેલી ઓલિમ્પિક્સ ગુજરાતમાં યોજાય એ દરેક ગુજરાતી માટે ગૌરવપ્રદ કહેવાય પણ તેના માટે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ વિના કે કોન્ટ્રોવર્સી વિના પૂરી થાય ને આપણો ડંકો વાગી જાય એ જરૂરી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ધર્મેન્દ્રએ હિંદી ફિલ્મોના હીરોને મરદાના બનાવ્યા?
ઓલિમ્પિક્સની યજમાની ગુજરાતને મળે તેના કારણે ગુજરાતને થનારો આર્થિક ફાયદો અનેકગણો વધી જશે કેમ કે ગુજરાતે કોમનવેલ્થ ગેમ્સ સફળતાપૂર્વક યોજ્યા પછી બહુ તૈયારી કરવાની નહીં રહે. કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવેલાં સ્ટેડિયમ અને ખેલાડીઓ-કોચ-સ્ટાફ માટેનું વિલેજ ઓલિમ્પિક્સમાં પણ કામ આવી જશે. જરૂર થોડા ઘણા સમારકામની જ પડવાની છે ને એ રકમ બહુ મોટી નહીં હોય. બીજો ખર્ચો પણ મોટો નહીં હોય ને સામે જે આવક હશે એ કોમનવેલ્થ ગેમ્સથી અનેક ગણી વધારે હશે તેથી ગુજરાતના જ નહીં પણ દેશના અર્થતંત્રને પણ બહુ મોટો બૂસ્ટર ડોઝ મળી જશે અને અમદાવાદ ગ્લોબલ સ્પોર્ટ્સના નકશામાં આવી જશે એ વધારાનો ફાયદો હશે.
અમદાવાદ ગ્લોબલ સ્પોર્ટ્સના નકશામાં આવી જાય પછી સમયાંતરે વૈશ્વિક કક્ષાની સ્પર્ધાઓ અમદાવાદમાં યોજાતી રહેશે. ભૂતકાળમાં અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ, એએફસી U-17 એશિયન કપ ક્વોલિફાયર્સ વગેરે સ્પર્ધાઓ યોજાઈ ચૂકી છે પણ કોમનવેલ્થ ગેમ્સ આ નાની નાની સ્પર્ધાઓ કરતાં વધારે મોટા પાયા પર રમાય છે કેમ કે તેમાં અલગ અલગ 17 જેટલી રમતો હોય છે ને 74 દેશોના ખેલાડીઓ ભાગ લે છે. તેના કારણે ગુજરાતમાં સ્પોર્ટ્સ ટુરિઝમનો વિકાસ થશે ને આર્થિક ફાયદો થશે. વિદેશીઓ અમદાવાદમાં આવતા થાય તેનો લાભ ગુજરાતનાં બીજાં શહેરોને પણ મળશે જ.
કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદમાં જ લગભગ 50 હજાર કરોડ તો ખર્ચાવાનો અંદાજ છે. તેના કારણે રોજગારીની વ્યાપક તકો ઊભી થશે ને સાથે સાથે અમદાવાદીઓને વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મળી જશે. વિકસિત દેશો જેવા રોડ-રસ્તા ને બીજી સવલતો અમદાવાદમાં ઊભી થાય એ ફાયદો નાનોસૂનો નથી જ.
કોમનવેલ્થ ગેમ્સ ગુજરાત માટે બહુ મોટી તક છે અને આ તક ગુજરાતે બિલકુલ ના વેડફવી જોઈએ. કોમનવેલ્થ ગેમ્સના આયોજકો બેઉ હાથે તક ઝડપીને દેશને ફાયદો કરાવે એ જરૂરી છે. દિલ્હીને 2010માં મળેલી તક કૌભાંડોના કારણે વેડફાયેલી પણ નરેન્દ્ર મોદી સરકાર એવું નહીં થવા દે એવી આશા રાખીએ. કલમાડી રાજકારણી હતા તેથી તેમને કાળી કમાણી સિવાય કશામાં રસ નહોતો પણ હાલનાં ભારતીય ઓલિમ્પિક સંઘનાં પ્રમુખ પી.ટી. ઉષા એક સ્પોર્ટ્સ પર્સન છે તેથી એ પણ કલમાડીની જેમ નહીં વર્તે એવો ભરોસો ચોક્કસ મૂકી શકાય.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ આફ્રિકા સામે શરમજનક હાર, એકલો ગંભીર દોષિત નથી

