બઘેલને ક્લીન ચીટ, ઈડીની ઈજ્જતનો કચરો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં મહાદેવ એપનો મુદ્દો બહુ ગાજ્યો હતો અને ભાજપે કૉંગ્રેસને ઘેરવા માટે મહાદેવ એપના મુદ્દાનો બરાબર ઉપયોગ કર્યો હતો. છત્તીસગઢમાં ૭ નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થયું તેના બે દિવસ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દાવો કર્યો હતો કે, મહાદેવ એપ કૌભાંડનાં નાણાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સુધી પહોંચ્યાં છે એવા આક્ષેપની તપાસ ચાલી રહી છે.
ઈડીનો દાવો હતો કે, ૩ નવેમ્બરે તેણે અસીમ દાસ નામના ‘કેશ કુરીયર’ને પકડેલો ને તેની પાસેથી ૫ કરોડ ૩૯ લાખ રૂપિયા ઝડપાયેલા. મહાદેવ એપના પ્રમોટરોએ ‘કેશ કુરીયર’ અસીમ દાસને દુબઈથી ખાસ એક રાજકારણી બઘેલ’ને નાણાં આપવા માટે ભારત મોકલ્યો હતો અને આ ‘બઘેલ’ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે.
ઈડીના દાવા પ્રમાણે તો અસીમ દાસે કબૂલાત કરી હતી કે આ રકમ ભૂપેશ બઘેલને પહોંચાડવાની હતી. અસીમ દાસની પૂછપરછ, દાસના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ કરાવી અને સાથે મહાદેવ નેટવર્ક કૌભાંડના આરોપી શુભમ સોનીના ઈ-મેલ ચકાસતાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી કે, મહાદેવ એપના પ્રમોટરો નિયમિત રીતે છત્તીસગઢ સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોને નાણાં મોકલતા હતા. આ નાણાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સુધી પહોંચતાં હતાં.
મુખ્યમંત્રી બઘેલને નિયમિત રીતે રકમ આપીને ૫૦૮ કરોડ રૂપિયાની જંગી રકમ મહાદેવ એપના પ્રમોટરો સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે પહોંચાડી હતી. ૩ નવેમ્બરે પણ દાસે છત્તીસગઢની રાજધાની રાયપુરની મહાદેવ એપની બ્રાંચથી ૫ કરોડ ૩૯ લાખ રૂપિયા લીધાં અને બઘેલ’ને પહોંચાડવા જતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો. અસીમ દાસે પૂછપરછમાં આ બધી વાતો કબૂલી લીધી હોવાનો ઈડીએ દાસના રીમાન્ડની અરજીમાં ઉલ્લેખ કરેલો. એ પછી સત્તાવાર નિવેદન બહાર પાડીને પણ આ જ વાત કરી હતી.
હવે આ અસીમ દાસે સ્પેશિયલ કોર્ટમાં નવી રેકર્ડ વગાડી છે. ઈડીએ દાસને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો તો તેણે જજ સામે એવું કહ્યું કે, પોતાને કાવતરું ઘડીને ફસાવાઈ રહ્યો છે ને પોતે કદી કઈ નેતાને નાણાં આપ્યાં જ નથી. અસીમ દાસે ૧૭ નવેમ્બરે જેલમાંથી ઈડીના ડિરેક્ટરને પત્ર લખીને આ જ વાત કરેલી. આ પત્રની નકલ તેણે પીએમઓ વગેરેને પણ મોકલી હતી.
આ પત્રમાં તેણે આક્ષેપ મૂકેલો કે, ઈડીના અધિકારીઓએ તેની એક નિવેદન પર બળજબરીથી સહી કરાવી હતી. આ નિવેદન અંગ્રેજી ભાષામાં લખાયેલું હતું ને દાસને તો અંગ્રેજી આવડતું જ નથી એવો દાવો દાસના વકીલે કર્યો છે. દાસે પત્રમાં એવો આક્ષેપ પણ કરેલો કે, પોતે કોઈની પાસેથી કોઈ રોકડ રકમ લીધી જ નહોતી. દાસે પોતાના મિત્ર શુભમ સોની પાસે બિઝનેસ કરવા નાણાં માગેલા.
સોનીના કહેવાથી દાસ રાયપુર આવેલો. રાયપુર એરપોર્ટ પર તેને એક કાર લેવાનું ને ચોક્કસ હોટલમાં ચેક-ઈન કરવા કહેવાયેલું. રસ્તામાં એક જગાએ કાર ઊભી રખાવીને રોકડની બેગ કારમાં મૂકી દેવાયેલી ને પછી પોતે હોટલમાં પહોંચ્યો ત્યારે ઈડીના અધિકારી આવીને તેને ઉઠાવી ગયેલા. દાસે ૧૭ નવેમ્બરે કરેલા આક્ષેપોની વાતને દબાની દેવાયેલી પણ સ્પેશિયલ કોર્ટ સામે દાસે એ જ વાત કરી તેમાં ઈડીનો ભાંડો ફૂટ્યો છે.
દાસે જે વાત કરી છે એ ઈડીના અગાઉના દાવાથી બિલકુલ અલગ છે ને દાસના દાવાના પગલે પહેલેથી વગોવાયેલી ઈડી શંકાના દાયરામાં આવી ગઈ છે. આમ તો ઈડી શંકાના દાયરામાં હતી જ કેમ કે તેણે ચૂંટણીના બે દિવસ પહેલાં જ બઘેલને નાણાં મળ્યાનો ધડાકો કરેલો. ઈડીએ આ ધડાકો કરવા જે સમય પસંદ કર્યો તેના કારણે ઈડીના ઈરાદા સારા હોવા વિશે શંકા પેદા થઈ ગયેલી જ.
ઈડી પાસે બઘેલને નાણાં મળ્યા તેના કોઈ મજબૂત પુરાવા નહોતા. માત્ર અસીમ દાસ નામના કહેવાતા કેશ કુરીયર’નું નિવેદન હતું તેથી ઈડીએ જ કહેલું કે, બઘેલને નાણાં મળ્યાં હોવાની વાતની તપાસ કરવી જરૂરી છે. આ તપાસ વિના એક રાજ્યના મુખ્યમંત્રીનું નામ ઈડી કઈ રીતે આપી શકે એ સવાલ ઉઠેલો.
ઈડીએ તપાસ વિના જ બઘેલની સંડોવણીનો આક્ષેપ કર્યો ને એ પણ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ કર્યો. આ આક્ષેપોની ચૂંટણી પર અસર પડી શકે એ વાતની ઈડીના અધિકારીઓને ખબર ના હોય એટલા ભોળા ઈડીના અધિકારી ના જ હોય ને છતાં તેમણે બઘેલનું નામ આપ્યું તેના કારણે ઈડી સત્તામાં બેઠેલા લોકોના દલાલ તરીકે વર્તતી હોવાની શંકા જાગેલી. અસીમ દાસના દાવાના પગલે આ શંકા ઘેરી બની છે અને ઈડીની છાપ વધુ ખરાબ થઈ છે. ઈડી કેન્દ્ર સરકારની પાલતુ છે ને કેન્દ્રની ભાજપ સરકારના લાભાર્થે વિપક્ષોને કરડવા દોડે છે એ વા આક્ષેપો સાચા લાગી રહ્યા છે.
અસીમ દાસના ધડાકા પછી ઈડી શું કરશે એ ખબર નથી પણ અત્યારે સુધી તેણે મહાદેવ એપના કેસમાં કશું કર્યું નથી. મહાદેવ એપ કૌભાંડમાં સામાન્ય લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. આ રૂપિયા સામાન્ય લોકોને પાછા મળે એ માટે ઈડી કશું કરતી નથી. શરમજનક એ કહેવાય કે, આ કૌભાંડ બંધ કરાવવામાં પણ ઈડી સહિતની આપણી એજન્સીઓ સાવ નિષ્ફળ ગઈ છે. મહાદેવ એપનું રેકેટ હજુય ધમધોકાર ચાલે છે ને ઈડી ભાજપની પાલતુ તરીકે વર્તીને તેને ફાયદો કરાવવામાં રસ છે.
ઈડી મહાદેવ એપના પ્રમોટરોને પણ કશું કરી શકતી નથી. મહાદેવ એપવાળા સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિદેશમાં બેઠા બેઠા જલસા કરે છે, આખા ભારતમાં હજારો પેનલો ચલાવીને મહાદેવ એપની મદદથી ધમધોકાર ધંધો કરે છે ને ઈડી એ બંધ કરાવી શકતી નથી. ઈડી કે બીજી કેન્દ્રીય એજન્સીઓ મહાદેવ એપના નેટવર્કને રફેદફે કરી નથી શકી ને તેના માટે લાજવાના બદલે રાજકીય દાવપેચમાં વ્યસ્ત છે.
ઈડીના અધિકારીઓમાં શરમનો છાંટો પણ હોય તો તેમણે આ ધંધો બંધ કરીને મહાદેવ એપ બંધ કરાવવી જોઈએ, સામાન્ય લોકોને લૂંટાતા બચાવવા જોઈએ. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલને વિદેશથી પકડીને ભારત લાવવા જોઈએ ને જેલમાં નાખીને લોકોના પૈસા પાછા અપાવવાની ક્વાયત કરવી જોઈએ.