એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: ભાજપના લાભાર્થે ચિરાગ નીતીશનો ખેલ બગાડી શકે

  • ભરત ભારદ્વાજ

બિહારમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને મહિના બચ્યા છે ત્યારે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને દાવ કરી નાખ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી-રામવિલાસ)ના મુખિયા ચિરાગ પાસવાને એલાન કર્યું છે કે, બિહાર વિધાનસભાની તમામ 243 બેઠક પર પોતાની પાર્ટી ઉમેદવાર ઊભા રાખશે. બિહારની રાજધાની પટણામાં રવિવારે નવ સંકલ્પ મહાસભાને સંબોધન કરતાં ચિરાગે એલાન કર્યું કે, બિહારના હિતમાં પોતે બધી બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે. બિહારમાં હમણાં મગધ હોસ્પિટલના માલિક ગોપાલ ખેમકાની હત્યાનો મુદ્દો ગાજી રહ્યો છે. ચિરાગે આ મુદ્દે પોતાની જ સરકારની ઝાટકણી પણ કાઢી.

બિહારમાં અત્યારે એનડીએની સરકાર છે કે જેમાં ભાજપ અને જેડીયુ સિવાય ચિરાગની એલજેપી, જીતનરામ માંઝીની હમ સહિતના પક્ષો ભાગીદાર છે. આ બધા પક્ષો એક થઈને ચૂંટણી લડશે એવું સૌએ માની લીધેલું ત્યાં જ ચિરાગે ધડાકો કરી દીધો. ચિરાગના ધડાકાથી ભાજપ અને જેડીયુ ચિંતામાં પડી ગયા છે એવા દાવા થઈ રહ્યા છે પણ વાસ્તવમાં ચિરાગની જાહેરાત પાછળ ભાજપ હોવાની પૂરી શક્યતા છે.

ચિરાગ પાસવાન ભાજપના લાભાર્થે આ પ્રકારનાં નાટકો કરવા માટે જાણીતા છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે વધારે બેઠકો માગવા માટે માથું ઊંચકવાનો દાવ બધા રાજકીય પક્ષો અજમાવતા હોય છે. ચિરાગ પણ એ જ નાટકો કરી રહ્યો છે એવું ઘણાંને લાગે છે પણ ચિરાગનો ઈરાદો વધારે બેઠકો મેળવવાનો નહીં પણ નીતીશને કરદ પ્રમાણે વેતરવામાં ભાજપની મદદ કરવાનો છે.

ચિરાગ પાસવાને બિહારની 2020ની વિધાનસભા ચૂંટણી વખતે પણ આ ખેલ કર્યો હતો અને એનડીએથી અલગ થઈને ચૂંટણી પણ લડ્યા હતા. એ વખતે રામવિલાસ પાસવાન જીવતા હતા પણ રામવિલાસે દીકરા ચિરાગને એલજેપીનો પ્રમુખ બનાવી દીધો હતો. પાસવાન પરવારી ગયા હતા ને તબિયત ખરાબ હોવાથી લાંબા સમયથી સક્રિય નહોતા. છેલ્લા કેટલાક દિવસોથી તે હોસ્પિટલમાં હોવાથી લોક જનશક્તિ પાર્ટી તેમના દીકરા ચિરાગ પાસવાનને સોંપી દીધી હતી.

ચિરાગે બહુ પહેલાંથી નીતીશ કુમાર સામે મોરચો માંડી દીધેલો તેથી નીતીશ વિરોધી નિવેદનો કર્યા કરતા હતા. ચૂંટણીના લગભગ મહિના પહેલાં જ રામવિલાસ પાસવાનની હાજરીમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ નીતિશ કુમારની જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) સામે લડવાનું એલાન કરેલું. ચિરાગે એ વખતે કહેલું કે, પોતાને ભાજપ સામે વાંધો નથી અને પોતે નરેન્દ્ર મોદીના હનુમાન છે પણ નીતીશ કુમારના કુશાસનને ફગાવી દેવા માગે છે તેથી નીતીશની સામે ચૂંટણી લડશે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભાજપની નેતાગીરીને હિંદીનું વળગણ કેમ છે ?

આ જાહેરાતના ત્રણ દિવસમાં જ રામવિલાસ પાસવાનનું નિધન થતાં બિહારની ચૂંટણીનાં સમીકરણ બદલાઈ જશે ને ચિરાગ પાસવાનને પિતાના મોતની સહાનુભૂતિનો લાભ મળશે એવી વાતો ચાલી હતી. ચિરાગ પણ આ વાતોમાં આવી ગયેલો તેથી મચક ના આપી અને ધરાર ચૂંટણી લડ્યો તેમાં એલજેપી સાવ ધોવાઈ ગયેલી. એલજેપીને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક નહોતી મળી. એ વખતે નીતીશની જેડીયુને માત્ર 43 બેઠકો મળેલી તેથી ચિરાગે નીતીશનો ખેલ બગાડ્યો એવી વાતો કરીને ચિરાગના સમર્થકોએ સંતોષ માનવો પડેલો પણ આ સંતોષ વાંઝિયો હતો. કારણ એ કે, 43 બેઠક છતાં મુખ્ય પ્રધાન તો નીતીશ જ બન્યા હતા ને છેલ્લાં પાંચ વર્ષથી મુખ્ય પ્રધાનપદે છે. ટૂંકમાં ચિરાગ નીતિશનું કશું બગાડી શક્યા નહોતા.

ચિરાગ અત્યારે ફરી નીતીશનો ખેલ બગાડવા મેદાનમાં આવ્યા હોય એવું બની શકે. બિહારમાં ભાજપ નીતિશને કોરાણે મૂકીને પોતાની સરકાર રચવા માગે છે પણ મહાખેલાડી નીતીશ ફાવવા નથી દેતા ને ભાજપને પણ સ્પષ્ટ બહુમતી માટે જરૂરી બેઠકો મળતી નથી. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠક છે અને છેલ્લી ચૂંટણીમાં ભાજપ 121 અને જેડીયુ 122 બેઠક પર ચૂંટણી લડ્યા હતા. આ વખતે પણ મોટા ભાગે આ પ્રકારની જ ગોઠવણ થશે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે વીઆઈપી પાર્ટીને પોતાના ક્વોટામાંથી ને નીતિશે માંઝીની પોતાના ક્વોટામાંથી બેઠકો આપેલી. ભાજપ પછી વીઆઈપી પાર્ટીને ગળી ગયો તેમાં મુકેશ સાહની નવરા થઈ ગયા પણ માંઝી હજુ અડીખમ છે તેથી ભાજપે તેમને પણ બેઠકો આપવી પડશે.

અત્યારે જે ગોઠવણ છે તેમાં ભાજપ પોતાની તાકાત પર સ્પષ્ટ બહુમતી ના મેળવી શકે કેમ કે બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકમાંથી સ્પષ્ટ બહુમતી માટે 122 બેઠક જોઈએ ને ભાજપ 122 બેઠક પર તો લડતો પણ નથી. ભાજપ જોર કરીને 90 કે 100 બેઠક પણ જીત શકે કેમ કે ભાજપ પાસે સવર્ણોની 15 ટકાની મજબૂત મતબેંક છે. સવર્ણોમાં ભૂમિહાર છ ટકા, બ્રાહ્મણો પાંચ ટકા, રાજપૂતો ત્રણ ટકા અને કાયસ્થ એક ટકા છે.

ભૂમિહારો ગુજરાતના પટેલો જેવી જ્ઞાતિ છે. એક જમાનામાં આ મતબેંક કૉંગ્રેસની હતી પણ ભાજપે રામમંદિરનો નાદ જગાવ્યો પછી સવર્ણો સાગમટે ભાજપ ભણી વળ્યા છે. બીજા પક્ષો તૂટીને ત્રણ થઈ ગયા પણ આ મતબેંકના કાંગરા સુધ્ધાં નથી ખેરવી શક્યા. . બિહારમાં સવર્ણોનું રક્ષણ કરવા માટે રણવીર સેના બનેલી. આ રણવીર સેના ભાજપની તરફેણમાં છે. નીતીશે સવર્ણોને પોતાની તરફ વાળવા બહુ ઉધામા કરેલા પણ આ મતબેંક ભાજપને વફાદાર છે. ભાજપને સવર્ણોની મતબેંક ઉપરાંત જેડીયુના મતદારો પણ મત આપશે કેમ કે ભાજપે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો દાવ ખેલીને ઓબીસીને ખુશ કર્યા છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી

આ બધાં કારણોસર ભાજપ સારી બેઠકો જીતી જાય છતાં એકલા હાથે સ્પષ્ટ બહુમતી જેટલી બેઠકો ના થાય એટલે તેમણે ચિરાગ પાસવાનને મેદાનમાં ઉતાર્યાનું મનાય છે. ભાજપ 90 બેઠકો જીતે તો સરકાર રચવા તેને બીજા 32 સભ્યનો ટેકો જોઈએ અને 100 બેઠક જીતે તો 22 બેઠક જોઈએ. ભાજપને લાગે છે કે, ચિરાગ પાસવાન આ 20-30 બેઠકો જીતી લાવી શકે તેમ છે કેમ કે ચિરાગ પાસે મોટી દલિત મતબેંક છે.

બિહારમાં દલિતોની વસતી 16 ટકા છે. નીતીશે ચાલાકી બતાવીને દલિતોમાં મહાદલિતનો ફાંટો પડાવી દીધો પછી પાસવાન અને દુસાધ બે જ જ્ઞાતિ દલિતમાં રહી ગઈ છે. અલબત્ત તેમની વસતી છ ટકાની આસપાસ છે. ચિરાગ પાસવાન માટે છ ટકા મતોના જોરે 20 બેઠક જીતી શકે છે ને બધી બેઠક પર ઉમેદવારો ઊભા રાખીને નીતીશનો ખેલ પણ બગાડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button