એકસ્ટ્રા અફેર

ચંડીગઢમાં મેયરની ચૂંટણીનો વિવાદ: સુપ્રીમે લાજ રાખી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

પહેલાં કૉંગ્રેસ જે રીતે સત્તા માટે કશું પણ કરતાં ખચકાતી નહોતી એ રીતે હવે ભાજપ પણ યેનકેન પ્રકારેણ સત્તાં હાંસલ કરવાની માનસિકતા ધરાવે છે. સામ, દામ, દંડ, ભેદ એમ કોઈ પણ રસ્તે સત્તા હાંસલ કરવી અને પછી ટકાવી રાખવી એ જ ભાજપનો ઉદ્દેશ છે. ભાજપ પાસે પૈસો છે ને પાવર પણ છે તેથી મોટા ભાગના કિસ્સામાં ભાજપ ફાવી જાય છે પણ ક્યારેક ઉંધા માથે પછડાવું પણ પડે છે.
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં એવું જ થયું છે. ભાજપે લુચ્ચાઈ કરીને મેયરપદ મેળવી તો લીધું પણ સુપ્રીમ કોર્ટે ભાજપના ઉમેદવારની મેયરપદની ચૂંટણીને અયોગ્ય ઠેરવીને આમ આદમી પાર્ટીને મેયરપદ આપવા ફરમાન કર્યું છે. ભાજપ માટે આ બહુ મોટો ફટકો છે. એક રીતે ભાજપની આબરૂના કાંકરા થઈ ગયા છે.
ભાજપે આબરૂ બચાવવા માટે ગરબડ કરીને મેયર બનેલા મનોજ સોનકર પાસે રાજીનામું અપાવીને ફરી પોતાને જ મેયરપદ મળે તેનો તખ્તો તોડફોડ કરીને ગોઠવ્યો તો ખરો પણ સુપ્રીમે નવેસરથી ચૂંટણી કરાવવાના બદલે આમ આદમી પાર્ટીના નેતાને જ મેયરપદ આપવાનો આદેશ આપતાં ભાજપનો દાવ પણ હાલ પૂરતો તો ઉંધો વળી જ ગયો છે. ભાજપના દાવપેચ જોતાં આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર કેટલા દિવસ મેયરપદે ટકશે એ ખબર નથી પણ અત્યારે તો ભાજપને ઉંધા માથે પછાડીને એ મેયર બની ગયા છે.
ચંદીગઢ મેયરની ચૂંટણી ૩૦ જાન્યુઆરીએ થયેલી અને આ ચૂંટણીમાં ભાજપે નીતિમત્તા અને લોકશાહીના સિદ્ધાંતોને સાવ નેવે ચડાવી દીધેલા. ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ છે પણ સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે. આ કોર્પોરેશનમાં કુલ ૩૫ બેઠકો છે અને છેલ્લી ચૂંટણી ૨૦૨૧ના ડિસેમ્બરમાં થયેલી. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલાં ૨૬ બેઠકો હતી અને કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૦ સભ્યોને સરકાર નોમિનેટ કરતી હતી. ૨૦૨૧ની ચૂંટણીમાં નોમિનેશન કાઢી નંખાયું અને ૩૫ બેઠકો કરી દેવાઈ જ્યારે ચંદીગઢ લોકસભા બેઠકનાં સાંસદને પણ મેયરની ચૂંટણીમાં મતાધિકાર અપાયો.
ચંદીગઢમાં ૨૦૨૧માં થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસને ગણીને આઠ બેઠકો મળી હતી જ્યારે આમ આદમી પાર્ટી ૧૪ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી. ભાજપ ૧૨ બેઠકો સાથે બીજા નંબરે હતો જ્યારે અકાલી દળને સમ ખાવા પૂરતી એક બેઠક મળી હતી. ચંદીગઢનાં પરિણામો ભાજપ માટે પણ આંચકાજનક હતાં કેમ કે ૨૦૧૬ની ચૂંટણીમાં ભાજપને ૨૬માંથી ૨૦ બેઠકો મળેલી. ૨૬ બેઠકોની ચૂંટણી હતી ને તેમાં ભાજપે સપાટો બોલાવી દીધેલો પણ ૨૦૨૧માં નવ બેઠકોનો વધારો કરાયો તેથી ભાજપની બેઠકો વધવાની આશા હતી પણ એ આશા ફળી નહોતી. ભાજપ માટે શરમજનક વાત એ હતી કે, તેના મેયર પણ ચૂંટણી હારી ગયા હતા.
ભાજપે એ વખતે જ તોડફોડ કરીને કૉંગ્રેસના બે કોર્પોરેટરોને તોડીને પોતાનામાં ભેળવી દેતાં ભાજપના કોર્પોરેટરોની સંખ્યા વધીને ૧૪ થઈ ગયેલી જ્યારે કૉંગ્રેસ ઘટીને છ પર આવી ગયેલી. ચંદીગઢમાં દર વર્ષ મેયરની ચૂંટણી થાય છે. ભાજપ પાસે બહુમતી નહોતી પણ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મનમેળ નહોતો તેથી દર વરસે મેયરની ચૂંટણી થાય ત્યારે ભાજપ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ગેરહાજર રાખીને જીત પાકી કરી દેતો. આ કારણે બહુમતી નહીં હોવા છતાં છેલ્લાં ત્રણ વર્ષથી ભાજપના કોર્પોરેટર જ મેયરપદે ચૂંટાતા હતા. આ વખતે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે હાથ મિલાવી લેતાં ભાજપના કોર્પોરેટર મેયર નહીં બને એ નક્કી હતું તેથી ભાજપ સાવ છેલ્લા પાટલે બેસી ગયો. મેયરપદની ચૂંટણીમાં ભાજપના નેતા એવા અનિલ મસિહે રીટર્નિંગ ઓફિસર તરીકે લોકશાહીના ધજાગરા ઉડાવી દીધા.
ચંદીગઢમાં મેયરપદ માટે ૩૦ જાન્યુઆરીએ ચૂંટણી થઈ તેમાં ભાજપના મેયરપદના ઉમેદવાર મનોજ સોનકર ૧૬ મત મેળવી જીતી ગયા હોવાનું જાહેર કર્યું હતું. કૉંગ્રેસ પાસે અને આમ આદમી પાર્ટી પાસે ચૂંટણી અધિકારીએ આઠ મળીને વિપક્ષો પાસે ૨૦ મત હતા એ જોતાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના સંયુક્ત ઉમેદવાર કુલદીપ કુમાર જીતવા જોઈતા હતા પણ તેના બદલે ભાજપના સોનકર જીત્ય કેમ કે રીટર્નિંગ ઓફિસરે આઠ મત અમાન્ય ગણ્યા હતા.
આ મત કેમ અમાન્ય ગણાયા એ માટે કોઈ કારણ પણ નહોતું અપાયું. આ ચૂંટણીના પરિણામને પડકારીને આપ અને કૉંગ્રેસ પહેલાં હાઈ કોર્ટમાં ગયેલાં પણ હાઈ કોર્ટે ભાજપની તરફદારી કરતાં બંને પક્ષ છ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણીના ફૂટેજ મંગાવ્યા તો તેમાં રીટર્નિંગ ઓફિસર વિપક્ષના મતોમાં છેડછાડ કરતા સ્પષ્ટ દેખાતા હતા. આ જોઈને ખફા થઈ ગયેલા ચીફ જસ્ટિસે મસિહની ધૂળ કાઢી નાંખેલી અને બધા રેકોર્ડ લઈને હાજર થવા ફરમાન કર્યું. સુપ્રીમ કોર્ટમાં પહેલી સુનાવણી છ ફેબ્રુઆરીએ થયેલી ને એ પછીની સુનાવણી માટે ૧૯ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.
ભાજપે નવો દાવ કરીને ૧૩ દિવસના ગાળામાં બીજો ખેલ પાડી દીધો અને આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ભાજપમાં લઈ લીધા. સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના આગલા દિવસે મેયરપદેથી સોનકરને રાજીનામું અપાવડાવી દીધું. ભાજપની ગણતરી એવી હતી કે, આપના ત્રણ કોર્પોરેટરો ભાજપમાં ભળતાં ભાજપના કોર્પોરેટરોની સંખ્યા વધીને ૧૭ થઈ છે તેથી ફરીથી ચૂંટણી થાય તો ભાજપ જીતી જાય. ભાજપના કમનસીબે ભાજપનો આ ખેલ સુપ્રીમ કોર્ટે ઊંધો પાડી દીધો અને આપને મેયરપદ આપી દીધું. સુપ્રીમે ન્યાયનો પક્ષ લીધો છે એ આનંદની વાત છે પણ સાથે સાથે મતપત્રકોમાં ગરબડ કરનારા મસિહને પણ બે-પાંચ વર્ષની સજા કરવાની જરૂર છે કે જેથી ભવિષ્યમાં કોઈ લોકશાહીને મજાકરૂપ ના
બનાવે.
ચંડીગઢનો ચુકાદો ભાજપ માટે બોધપાઠરૂપ છે પણ સત્તાને સર્વોપરિ માનતો ભાજપ આવા કોઈ બોધપાઠમાં માનતો નથી. સત્તા માટે કોઈ પણ હદે જવાની ભાજપની માનસિકતા છે. ભાજપને સત્તા માટે કોઈ પણ હદે જવામાં છોછ નડતો નથી કે શરમ આવતી નથી એ જોતાં સુપ્રીમે ભલે આપને મેયરપદ આપ્યું પણ ભાજપ એ છિનવી લેવા ઉધામા તો કરશે જ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button