એકસ્ટ્રા અફેર

યાસીન મલિકને ફાંસીની સજા જ થવી જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મોટા ભાગના માણસોને મોત સામે દેખાય ત્યારે તેના વિચારો, વિચારધારા બધું બદલાઈ જાય છે. એ વખતે તેમને પોતાનાં ભૂતકાળમાં કુકર્મો ને કરતૂતો યાદ નથી આવતાં. બલ્કે જીવ બચાવવા શું કરવું તેના સિવાય કંઈ સૂઝતું નથી ને તેના માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીન (ઉંઊંકઋ-ઢ) ના પ્રમુખ યાસીન મલિકે ફાંસીની સજા સામે દેખાતાં કરવા માંડેલી દલીલો તેનો તાજો પુરાવો છે.

એરફોર્સના ચાર જવાનોની હત્યામાં સામેલ યાસીન મલિકને ૨૫ મે ૨૦૨૨ના રોજ પટિયાલા હાઉસ કોર્ટે હત્યા અને ટેરર ફંડિંગના કેસમાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) મલિકને ફાંસીની સજા થાય એમ ઈચ્છે છે તેથી ઉપલી કોર્ટમાં અરજી કરી છે. આ સિવાય તેના સંગઠન પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ મુકાયેલા પ્રતિબંધનો કેસ પણ ચાલે છે.

યાસીન મલિકે આ કેસમાં યુએપીએ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં દાવો કર્યો છે કે, પોતે શસ્ત્રો છોડી ચૂક્યો છે અને હવે ગાંધીવાદી વિચારધારા પ્રમાણે જીવે છે. મલિકના કહેવા પ્રમાણે, હવે તેને હથિયારોના ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિમાં વિશ્ર્વાસ રહ્યો નથી અને તેના બદલે ગાંધીવાદી પદ્ધતિમાં વધારે વિશ્ર્વાસ છે તેથી પોતાને ફાંસીની સજા ના થવી જોઈએ અને પોતાના સંગઠનને આતંકવાદી સંગઠન ગણાવીને મુકાયેલા પ્રતિબંધ પણ હટાવી લેવો જોઈએ.

મલિકની વાતો હાસ્યાસ્પદ છે કેમ કે યાસીન મલિકનો ઈતિહાસ જ આતંકવાદ અને હત્યાઓથી ભરેલો છે. જમ્મુ અને કાશ્મીરમાં લોહી વહેવડાવવાની શરૂઆત કરનારા જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો પ્રમુખ છે. કાશ્મીરને આઝાદ કરવા માટે યુવાનોના હાથમાં હથિયારો પકડાવીને સશસ્ત્ર લડાઈ કરવા આ સંગઠન સ્થપાયેલું. કાશ્મીરમાં આતંકવાદીઓના આદર્શ મનાતો મકબૂલ બટ્ટ જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો મુખ્ય આતંકવાદી હતો. બટ્ટે સંખ્યાબંધ હત્યાઓ કરી તેની ધાક ઊભી કરી દીધેલી. અત્યારે પાકિસ્તાનમાં રહેતો આતંકવાદી સરદાર સૈયદ સલાહુદ્દીન પણ કાશ્મીરમાં સક્રિય હતો અને મલિક એ જમાનામાં સલાહુદ્દીનનો ખાસ માણસ હતો.

મલિક બહુ નાની ઉંમરે આતંકના રવાડે ચડેલો ને ભાંગફોડ શરૂ કરી દીધેલી. મલિકે ૧૯૮૩માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે શ્રીનગરમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વન ડે મેચમાં હુમલાની યોજના બનાવેલી પણ ફાવ્યો નહોતો. આ કેસમાં જેલમાં ગયો ને બે વર્ષની સજા ભોગવ્યા પછી ૧૯૮૬માં બહાર આવીને ઈસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ નામે પક્ષ બનાવ્યો. સલાહુદ્દીનને ભારત સામે આતંકવાદ ફેલાવે તેવા યુવાનોની જરૂર હતી તેથી યાસીન મલિક સાથે તેનો મેળ જામી ગયો.

જમ્મુ અને કાશ્મીરમાં ૧૯૮૭માં વિધાનસભાની ચૂંટણી વખતે નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસનું જોડાણ હતું. એ વખતે આતંકવાદ ભડકવાની શરૂઆત થઈ ગયેલી અને સૈયદ સલાહુદ્દીન તથા યાસીન મલિક તેના સૂત્રધાર હતા. યાસીન મલિકે પોતે ભારતના બંધારણને નથી માનતો એવું જાહેર કરી દીધેલું. આ કારણે મલિકે ૧૯૮૭માં કાશ્મીરની ચૂંટણી વખતે પોતાના ઉમેદવારો ઊભા નહોતા રાખ્યા પણ સલાહુદ્દીનને મદદ કરેલી. મલિકે સલાહુદ્દીનની પાર્ટીના ઉમેદવારોને શ્રીનગરની તમામ બેઠકો પરથી જીતાડવાની જવાબદારી લીધેલી પણ સલાહુદ્દીનના બધા ઉમેદવારો હારી ગયા અને મલિક સફળ ના થતાં તેણે તોફાન કરાવ્યાં તેથી સરકારે તેને જેલમાં મોકલી દીધો હતો.

મલિક અને સલાહુદ્દીન બહાર આવ્યા ત્યારે કાશ્મીરમાં લશ્કર આતંકવાદીઓની લાશો પાડતું હતું તેથી બંને ડરીને પાકિસ્તાન ભાગી ગયા હતા. યાસીન થોડા મહિના પછી સરહદ ઓળંગીને ગૂપચૂપ પાછો કાશ્મીરમાં આવી ગયો. અને કાશ્મીરમાં તેણે જેકેએલએફના માધ્યમથી કાળો કેર વર્તાવવા માંડ્યો. સલાહુદ્દીન આઈએસઆઈ સાથે મળીને કામ કરતો તેથી તેણે મલિકને મદદ કરવા માંડી. યાસીન મલિક અને સલાહુદ્દીને ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરમાં કાળો કેર વર્તાવેલો. એ વખતે જ મલિકે એરફોર્સના ઓફિસરોની હત્યા કરી હતી. ૨૫ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ શ્રીનગરમાં મલિકે એરફોર્સના સ્ટેશન પર હુમલો કરીને ૪ અધિકારીને મારી નાખેલા. સલાહુદ્દીન અને મલિકની જોડી એ વખતે આતંકવાદીઓમાં અત્યંત લોકપ્રિય હતી.

સલાહુદ્દીને ઈસ્લામના નામે ભડકાઉ ભાષણો આપીને લોકપ્રિયતા મેળવેલી તેનો ઉપયોગ જુવાનિયાંને ભોળવીને આતંકવાદના રવાડે ચડાવવામાં કર્યો. મલિક એ યુવાનોના હાથમાં મશીનગનો આપીને નિર્દોષોની હત્યાઓ કરવા માંડી. કાશ્મીરી હિંદુઓને ભગાડવાના કાવતરાને પાર પાડવામાં મલિકે મોટું યોગદાન આપેલું. યાસીન મલિકે કાશ્મીરમાં સંખ્યાબંધ આતંકવાદી હુમલા કરાવ્યા. આવા જ હુમલા દરમિયાન ઘાયલ થતાં લશ્કરે તેને ઝડપી લીધેલો. ૧૯૯૪ લગી જેલમાં રહ્યો ત્યાં સુધીમાં તેના મોટા ભાગના સાથીઓ લશ્કરની ગોળીઓ ખાઈને પતી ગયેલા કાં જેલની હવા ખાતા થઈ ગયેલા. મલિક બહાર આવે તો તેના પણ એ જ હાલ થવાના હતા. મે ૧૯૯૪માં મલિક બહાર આવ્યો ત્યાં સુધીમાં તેના કોઈ સાથી બચેલા નહીં તેથી તેણે એલાન કર્યું કે, કાશ્મીરની આઝાદી માટે હવે હિંસા નહીં કરીએ ને મહાત્મા ગાંધીના રસ્તે ચાલીને અહિંસક લડત ચલાવીશું.

મલિક ત્યારથી અહિંસક લડતની વાતો કરીને લોકોને ઉલ્લું બનાવે છે. મલિકને બીજા એક કટ્ટરવાદી નેતા અમાનુલ્લાખાને જેકેએલએફમાંથી કાઢી મૂક્યો તો સામે મલિકે અમાનુલ્લાને કાઢી મૂક્યો. મલિક ત્યારથી જેકેએલએફનો સર્વેસર્વા છે. મલિક ગાંધીવાદની વાતો કરે છે, બાકી આતંકવાદીઓ સાથે તેના સંબંધો બહુ જાણીતા છે અને આતંકવાદને તેણે પોષ્યો છે. હવે જીવ બચાવવા માટે એ ગાંધીવાદની વાતો કરે એ ના ચાલે.

મોદી સરકારે યાસીન મલિક સહિતના અલગતાવાદી નેતાઓને જેલમાં ધકેલી દઈને તેમની પાંખો કાપવાનો કાર્યક્રમ શરૂ કર્યો પછી બધા ફફડી ગયા એટલે અહિંસાની વાતો કરી રહ્યા છે. સારી વાત એ છે કે, આપણી સરકાર આ બધી વાતોથી ભ્રમિત નથી થઈ રહી. કેન્દ્રની આતંકવાદ સામે લડતી એજન્સી એનઆઈએ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સાફ શબ્દોમાં કહ્યું જ છે કે, ટ્રાયલ કોર્ટને યાસીન મલિક સામેના આરોપો સાચા જણાયા છે. તેમણે એ પણ કહ્યું કે, કોઈ આતંકવાદી દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરે અને પછી કહે કે હું મારી ભૂલ સ્વીકારું છું તો એ કાયદાકીય રીતે યોગ્ય નથી.

મહેતાની વાત સાચી છે. એનઆઈએ પાસે મજબૂત પુરાવા છે કે મલિકે કાશ્મીરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો, સતત સશસ્ત્ર બળવો કરી રહ્યો હતો, સૈનિકોની હત્યામાં સામેલ હતો, કાશ્મીરને અલગ કરવાની વાત કરતો રહ્યો હતો. આઈપીસીની કલમ ૧૨૧ હેઠળ ભારત સામે યુદ્ધ છેડવા બદલ ફાંસીની સજાની જોગવાઈ છે એ જોતાં મલિક જેવા લોકોને ફાંસીની સજા જ મળવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button