એકસ્ટ્રા અફેર

બ્રિજભૂષણ, માલવિયા, યેદિયુરપ્પા: ભાજપની બહેનો ચૂપ કેમ ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કર્ણાટકમાં જેડીએસના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના અને તેના ધારાસભ્ય બાપ એચ.ડી. રેવન્ના બળાત્કાર કાંડ હજુ ગાજી રહ્યા છે ત્યાં વધુ એક દિગ્ગજ નેતાનો પગ કુંડાળામાં પડ્યો છે અને આ દિગ્ગજ નેતા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા છે. યેદિયુરપ્પા સામે ૧૭ વર્ષની છોકરીની જાતીય સતામણી (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) બદલ નોંધાયેલા પ્રીવેન્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) હેઠળના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ નિકળતાં ખળભળાટ મચી ગયો છે.

યેદીયુરપ્પા વરસો પહેલાં ભ્રષ્ટાચારના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે પણ લોકોને તેનાથી બહુ ફરક પડતો નથી. ભારતમાં રાજકારણી ભ્રષ્ટાચાર કરે તેનાથી લોકોને બહુ ફરક પડતો નથી પણ આ કેસ ૧૭ વર્ષની છોકરી સાથે દુષ્કર્મનો છે. યેદિયુરપ્પા ૮૦ વર્ષના છે અને પોતાની પૌત્રી કરતાં પણ નાની ઉંમરની છોકરી પર દુષ્કર્મનો આરોપ મૂકાતાં લોકો સ્તબ્ધ થઈ ગયાં છે. યેદિયુરપ્પાએ આ કેસ રાજકીય કાવાદાવાના ભાગરૂપે નોંધાયો હોવાનું સાબિત કરવા મથામણ શરૂ કરી છે પણ અત્યાર લગી જે વિગતો બહાર આવી એ જોતાં યેદિયુરપ્પાએ ગુનો કર્યો હોય એવું વધારે લાગી રહ્યું છે.

યેદીયુરપ્પા સામે માર્ચ મહિનામાં એક મહિલાએ પોતાની ૧૭ વર્ષની દીકરીની જાતીય સતામણી (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ)ની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ૫૩ વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પીડિત સગીરા બે ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ તેની સામે થયેલા જાતિય સતામણીના કેસમાં મદદ માગવા બેંગલુરુમાં ડોલર્સ કોલોનીમાં યેદિયુરપ્પાના ઘરે ગઈ હતી ત્યારે યેદીયુરપ્પાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ૧૭ વર્ષની છોકરીને યેદિયુરપ્પાએ રૂમમાં એકલી બોલાવી હતી. થોડી વારમાં છોકરી દોડીને રૂમમાંથી બહાર આવી અને તેણે તેની માતાને કહ્યું કે, યેદિયુરપ્પાએ તેની સાથે શારીરિક છૂટછાટ લઈને છેડતી કરી હતી.

મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેણે યેદિયુરપ્પાને આ વિશે પૂછ્યું તો તેમણે માફી માગી હતી અને મહિલાને આ અંગે કોઈને નહીં કહેવા કહ્યું હતું. સગીરાની માતા પોલીસમાં ફરિયાદ કરવા ગઈ ત્યારે પહેલાં તો પોલીસે તેને ટટળાવી હતી પણ વાત મીડિયા સુધી પહોંચતાં મહિલાની ફરિયાદના આધારે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા સામે પ્રીવેન્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) અને ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૫૪ (અ) હેઠળ જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો હતો. કર્ણાટક પોલીસ વડાએ આ કેસ તપાસ માટે સીઆઈડીને સોંપી દીધો હતો.

બીજી તરફ યેદિયુરપ્પાએ પોતે દૂધે ધોયેલા હોવાનો દાવો કરીને મહિલા સામે આક્ષેપો કર્યા હતા. યેદિયુરપ્પાની ઓફિસે કેટલાક દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો હતો કે, યેદિયુરપ્પા સામે કેસ કરનાર મહિલાએ અત્યાર સુધીમાં જુદા જુદા લોકો સામે ૫૩ કેસ કર્યા છે. યેદિયુરપ્પાએ દાવો કરેલો કે, થોડા દિવસો પહેલાં એક મહિલા મારા ઘરે આવી હતી અને રડી રહી હતી. આ મહિલા રડી રહી હતી તેથી મેં જાતે પોલીસને બોલાવીને કમિશનરને આ મહિલાને મદદ કરવા કહ્યું હતું પણ પછી મહિલા મારા વિરુદ્ધ બોલવા લાગી.

યેદિનો દાવો હતો કે, એ પોતે આ મામલો પોલીસ કમિશનર પાસે લઈ ગયા હતા છતાં પોલીસે મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. યેદિએ પોતે પીડિતાને પૈસા આપી મદદ કરી હતી હોવાનું સ્વીકારીને કહેલું કે, આ એફઆઈઆરનો સમય શંકાસ્પદ છે, કારણ કે એ ચૂંટણી પહેલાં જ નોંધાઈ છે. અલબત્ત ચૂંટણી વખતે તો પોલીસે કશું કર્યું નહીં તેથી રાજકીય ફાયદા માટે કે યેદિયુરપ્પાને બદનામ કરવા માટે કેસ નોંધાયો નહોતો એ સ્પષ્ટ છે.

આ કેસમાં પોલીસે સીધી કોઈ પણ કાર્યવાહી કરવાના બદલે જરૂરી પ્રક્રિયાનું પાલન પણ કર્યું છે. છોકરી સગીર હોવાથી યેદિ સામે પ્રીવેન્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) હેઠળ કેસ નોંધાયેલો પણ તાત્કાલિક ધરપકડ નહોતી કરાઈ. ૧૨ એપ્રિલે યેદિયુરપ્પાના વોઈસ સેમ્પલ લેવાયેલા ને કર્ણાટક પોલીસની સીઆઈડીએ યેદિયુરરપ્પાને પૂછપરછ માટે બોલાવેલા. યેદીના વકીલે એક અઠવાડિયાનો સમય માગીને કહેલું કે, પોતે ૧૭ જૂને પૂછપરછ માટે હાજર થશે કારણ કે પોતે હાલમાં દિલ્હી છે. યેદીએ બીજી તરફ હાઈ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી નાંખી તેથી સીઆઈડી કોર્ટમાં ગઈ.

બેંગલુરુની કોર્ટે સીઆઈડીની વિનંતીને આધારે ગુરુવારે સાંજે યેદિયુરપ્પા સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ બહાર પાડ્યું છે. યેદિયુરપ્પાએ કર્ણાટક હાઇ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી શુક્રવારે થઈ પણ તેમાં મુદત પડી છે.

યેદુરપ્પા પહેલાં ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં ગયેલા. યેદિયુરપ્પા ૨૦૦૮ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે જીતીને બીજી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ભ્રષ્ટાચાર, સગાંવાદ ને શોભા કરાંદલજેમાં અટવાઈ ગયા. યેદિયુરપ્પાના પરિવારે ખાણોનાં લાયસંસ આપવામાં બેફામ ભ્રષ્ટાચાર કરેલો એવા આક્ષેપ થયેલા. યેદીએ ૪૦ કરોડ રૂપિયાની ખાયકીના આક્ષેપોમાં ગાદીથી હાથ ધોવા પડેલા. કર્ણાટકના લોકાયુક્ત જસ્ટિસ સંતોષ હેગડેએ યેદિને દોષિત ઠેરવતાં યેદિ ઘરભેગા થઈ ગયેલા. લોકાયુક્તે સીબીઆઈ તપાસની ભલામણ પણ કરેલી. તાબડતોબ સીબીઆઇને તપાસ સોંપી દેવાયેલી ને યેદીને જેલભેગા પણ કરી દેવાયેલા. યેદિ ત્રણ મહિનાની જેલની હવા પણ ખાવી પડેલી.

યેદિ સામેની કાર્યવાહીમાં ભાજપે હાથ ખંખેરી નાંખેલા તેથી અકળાયેલા યેદિયુરપ્પાએ નવો પક્ષ રચ્યો. તેના કારણે ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપ પતી ગયો, કૉંગ્રેસ ફાવી ગયેલી ને સિદ્ધારામૈયા ગાદી પર બેસી ગયા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભાજપને બ્રહ્મજ્ઞાન થયું કે, કર્ણાટકમાં યેદિ વિના નહીં ચાલે તેથી યેદીને વાજતેગાજતે ભાજપમાં લઈ આવેલા. સામે સીબીઆઈએ ૪૦ કરોડ રૂપિયાના લાંચ કૌભાંડમાં યેદિ અને તેમના આખા ખાનદાનને દૂધે ધોયેલા જાહેર કરાવવામાં મદદ કરી
હતી.

યેદિયુરપ્પા સામેનો કેસ ગંભીર છે પણ ભાજપની નેતાગીરી આ મામલે ચૂપ છે. જો કે પહેલી વાર એવું નથી બન્યું. આ પહેલાં બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુશ્તીબાજ દીકરીઓએ જાતીય સતામણીની ફરિયાદ કરી ત્યારે પણ ભાજપની નેતાગીરી ચૂપ જ હતી. બલ્કે બ્રિજભૂષણને કશું કર્યું જ નહીં. બ્રિજભૂષણ હજુ ભાજપમાં છે ને તેનો છોકરો સાંસદ બની ગયો છે.

થોડા દિવસ પહેલાં ભાજપના એક નેતા શાંતનુ સિંહાએ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા ભાજપની મહિલા કાર્યકરોને ફાઈવ સ્ટાર હોટલોમાં બોલાવીને અને ભાજપની ઓફિસમાં પણ રંગરેલિયાં મનાવતા હોવાનો આક્ષેપ કરેલો. ભાજપની નેતાગીરી આ મુદ્દે પણ ચૂપ છે.

હવે યેદીયુરપ્પા સામે આક્ષેપો થયા છે ત્યારે પણ ભાજપની નેતાગીરી કશું બોલવા તૈયાર નથી. ભાજપની મહિલાઓને એક ૧૭ વર્ષની છોકરી સાથે સહાનુભૂતિ નથી થતી કેમ કે આરોપી ભાજપના દિગ્ગજ નેતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર