બ્લેક એન્ડ વ્હાઈટ પેપરનો ખેલ, બોલો કોને વખાણીશું?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણી આવતાં જ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચરમસીમા પર પહોંચી છે. તેના ભાગરૂપે ભાજપે વ્હાઈટ પેપર તો કૉંગ્રેસે બ્લેક પેપર રજૂ કરી દીધાં. લોકશાહીમાં સત્તાધારી અને વિપક્ષ એકબીજા પર આક્ષેપો કરે તેમાં કશું ખોટું નથી પણ અત્યારે જે રીતની આક્ષેપબાજી ચાલી રહી છે એ જોઈને આઘાત લાગે છે. કૉંગ્રેસ અને ભાજપ બંને દેશના મુખ્ય રાજકીય પક્ષો છે પણ કમનસીબે બંને ભૂતકાળની વાતોમાંથી બહાર નથી આવી રહ્યા. બંને બીજાની લીટી નાની કરીને પોતાની લીટી મોટી બતાવવામાં પડ્યા છે.
ભાજપ સત્તાધારી પક્ષ તરીકે ૨૦૨૩માં ભારત કેવું હશે ને ૨૦૪૭માં ભારત વિશ્ર્વમાં સૌથી મોટું અર્થતંત્ર હશે એવી લાંબા ગાળાની વાતો ક્યારેક ક્યારેક કરી લે છે પણ એ સિવાય એ પણ ભૂતકાળની વાતોમા જ રચ્યોપચ્યો રહે છે. જવાહરલાલ નહેરુએ આ કર્યું ને પેલું કર્યું ને નહેરુ-ગાંધી ખાનદાને ઢીંકણું કર્યું ને પૂછંડું કર્યું એવી ભાજપની વાતોનો પાર જ નથી આવતો. સામે કૉંગ્રેસ પણ એ જ પ્રકારની વાતો કર્યા કરે છે. દેશ સામે અનેક સમસ્યાઓ છે ને એ બધી હાલની છે પણ તેના ઉકેલની વાત કરવામાં ના ભાજપને રસ છે કે ના કૉંગ્રેસને રસ છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં વ્હાઈટ પેપર (શ્ર્વેતપત્ર) રજૂ કર્યું કે તેમાં યુપીએના દસ વર્ષના શાસનની વાતો છે. આ શ્ર્વેતપત્રમાં ડો. મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અર્થતંત્ર સાવ ખાડે ગયું એવો આક્ષેપ કરાયો છે. નિર્મલા સીતારામને રજૂ કરેલા ૫૯ પાનાના શ્ર્વેતપત્રમાં ૨૦૧૪ પહેલાં અને પછીની ભારતની આર્થિક સ્થિતિ માહિતી આપવામાં આવી છે અને આક્ષેપ કરાયો છે કે, યુપીએ સરકારના ૧૦ વર્ષના શાસનમાં ભારતીય અર્થતંત્રનું નખ્ખોદ વળી ગયું અને દેશના અર્થતંત્રના ગેરવહીવટના કારણે દેશે બહુ જંગી પ્રમાણમાં નુકસાન સહન કરવું પડ્યું.
શ્ર્વેતપત્રમાં કૉંગ્રેસના શાસનમાં થયેલાં કોલસા કૌભાંડ, ટેલીકોમ કૌભાંડ વગેરેની પણ યાદ અપાવાઈ છે. શ્ર્વેતપત્રમાં એવો ઉલ્લેખ છે કે, ૨૦૧૪માં કોલસા કૌભાંડે દેશના અંતરાત્માને હચમચાવી દીધો હતો. ૨૦૧૪ પહેલા, કોલસાના બ્લોકની ફાળવણી પારદર્શક પ્રક્રિયાને અનુસર્યા વિના મનસ્વી ધોરણે કરવામાં આવતી હતી અને તેના કારણે દેશને અબજો રૂપિયાનું નુકસાન થયું.
એજન્સીઓએ તપાસ કરી આપેલા રિપોર્ટને આધારે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે ૧૯૯૩થી ફાળવેલા ૨૦૪ કોલસાની ખાણો/બ્લોકની ફાળવણી રદ કરી પણ એ પહેલાં બહુ મોટું કૌભાંડ થઈ ગયું હતું. કોલસા કૌભાંડના કારણે સરકારી તિજોરીને ૧.૮૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. યુપીએ સરકાર દરમિયાન ૧૨૨ ટેલિકોમ લાઇસન્સ સાથે સંકળાયેલું ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ થયું હતું અને કેગના અંદાજ મુજબ સરકારી તિજોરીને ૧.૭૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું એવો પણ ઉલ્લેખ છે. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડનો પણ ઉલ્લેખ છે.
આ બધાં કૌભાંડ બહુ ગાજેલાં છે તેથી તેમની ચોવટ કરતા નથી પણ સવાલ એ છે કે, દસ વર્ષમાં ભાજપ સરકારે કોલસા કૌભાંડ, ટેલીકોમ કૌભાંડ, કોમનવેલ્ત ગેમ્સ કૌભાંડ કરનારાંને તેમનાં કરમોની સજા અપાવવા શું કર્યું? આપણે બીજાં કૌભાંડોની વાત કરતા નથી પણ આ ત્રણ મોટાં કૌભાંડમાં જ દસ વર્ષમાં કેટલાં લોકોને દોષિત ઠેરવીને સજા કરવામાં આવી?
ભાજપે શ્ર્વેતપત્રમાં કૌભાંડોનો ઉલ્લેખ કરી દીધો એ બરાબર છે પણ દેશના સત્તાધારી પક્ષ તરીકે કૌભાંડ કરનારાંને સજા અપાવવાની, આ નાણાં પાછાં મેળવવાની તેની ફરજ હતી કે નહીં ? આ ફરજ ભાજપે બજાવી છે કે નહીં તેનો જવાબ ભાજપે આપવો જોઈએ કે નહીં? ભાજપ એ જવાબ આપતો નથી કેમ કે કૌભાંડ માટે ભાજપ જેમને જવાબદાર ઠેરવે છે એવા કોઈ મોટા માથાને સજાની વાત તો છોડો પણ કેસ પણ થયો નથી. કોઈ પણ કૌભાંડની તપાસ કરીને તેના દોષિતોને સજા અપાવવા માટે દસ વર્ષ પૂરતો ગાળો કહેવાય પણ એ થયું નથી એ વાસ્તવિકતા છે.
કૉંગ્રેસે સામે મોદી સરકારના ૧૦ વર્ષના શાસનકાળમાં લોકશાહીને ખતમ કરી નાંખવા માટે કરાયેલા ઉધામા અંગે શ્યામ પત્ર (બ્લેક પેપર) બહાર પાડ્યું છે. કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બહાર પાડેલા બ્લેક પેપરમાં આક્ષેપ કરાયો છે કે, ભાજપે ૧૦ વર્ષમાં ૪૧૧ વિપક્ષી વિધાનસભ્યોને તોડીને લોકશાહીને ખતમ કરવાનું અભિયાન પૂરજોશમાં ચલાવ્યું છે.
કૉંગ્રેસે મોદી સરકારના શાસનને ૧૦ વર્ષ કા અન્યાય કાલ નામ આપીને આક્ષેપ કર્યો છે કે, મોદી દેશની વધી રહેલી આવક ચૂંટણીમાં વેડફી રહ્યા છે અને નાણાંનો ઉપયોગ કરીને લોકશાહીને ખતમ કરી રહ્યા છે. ભાજપે ૧૦ વર્ષમાં ૪૧૧ વિપક્ષી વિધાન સભ્યોને તોડીને પોતાના પક્ષમાં લીધા અને તેમને ખરીદવા માટે કરોડો રૂપિયા ચૂકવ્યા. મધ્ય પ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોમાં અમારી કેટલી સરકારો ચૂંટાઈ હતી પણ ભાજપે નાણાનો જોરે તેમને ઉથલાવી દીધી. ખડગેએ હુંકાર પણ કર્યો કે, ભાજપ અમને ડરાવી-ધમકાવીને નબળા પાડવા માગે છે પણ અમે ડરતા નથી. મોદીના આ પ્રયત્નોથી કૉંગ્રેસ કે મને તેનાથી કોઈ અસર થશે નહીં.
કૉંગ્રેસે રોજગારીના મુદ્દાને પણ ઉઠાવ્યો છે. કેરળ, કર્ણાટક, તેલંગણા જેવા બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એ મુદ્દો પણ ઉઠાવ્યો છે. ભાજપ સરકાર નેહરુ યુગમાં બનેલી મોટી સરકારી નોકરીઓની વાત કરતી નથી અને તેના કારણે કેટલા લોકોને સારી નોકરી મળી તેની વાત કરતી નથી એવો પણ કૉંગ્રેસનો આક્ષેપ છે.
કૉંગ્રેસની વાત પણ વાહિયાત છે કેમ કે વિધાન સભ્યોને તોડવાનો ને સરકારોને ઉથલાવવાનો ખેલ કૉંગ્રેસે જ દેશના બીજા પક્ષોને શીખવાડ્યો છે. કોંગ્રેસ પાસે સત્તા હતી ત્યારે તેણે ગણી ગણાય નહીં એટલી સરકારોને ઉથલાવીને લોકશાહીની હત્યા કરી નાંખેલી. કેન્દ્રમાં પણ પૈસાના જોરે કૉંગ્રેસે સાંસદોને ખરીદીને સત્તા ટકાવી છે. ૧૯૯૩નો જેએમએમ લાંચ કૌભાંડ અને અમેરિકા સાથેના પરમાણુ કરાર પછી ડાબેરીઓ ડૉ. મનમોહનસિંહની સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવ્યા ત્યારે કૉંગ્રેસે ભાજપના બાબુ કટારા સહિતના સાંસદોની કરેલી ખરીદી તેનો પુરાવો છે. હવે ભાજપ કૉંગ્રેસને તેની જ દવાનો ડોઝ આપે છે ત્યારે કૉંગ્રેસને એ દવા કડવી લાગે છે.