એકસ્ટ્રા અફેરઃ ગુજરાતમાં ભાજપની નજર સવર્ણો નહીં, ઓબીસી મતબેંક પર | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ગુજરાતમાં ભાજપની નજર સવર્ણો નહીં, ઓબીસી મતબેંક પર

ભરત ભારદ્વાજ

ગુજરાતમાં અંતે ભાજપે નવા પ્રધાનમંડળની રચના કરી નાખી. ભાજપ નો-રિપીટ થિયરી અપનાવીને બધા પ્રધાનોને રવાના કરી દેશે એવી હવા જામેલી પણ આ વખતે ભાજપે એવો પ્રયોગ કરવાનું ટાળ્યું છે. જૂના પ્રધાનમંડળમાંથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા એટલે વિદાય થવાના જ હતા પણ તેમના સિવાય બીજા નવ પ્રધાનોને રવાના કરી દેવાયા છે. તેમના સ્થાને નવા 16 ચહેરા અને ચાર જૂના જોગીઓને સમાવીને મુખ્યમંત્રી સાથે 26 સભ્યોનું પ્રધાનમંડળ બનાવી દેવાયું છે. હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, પ્રફુલ્લ પાનેસેરિયાને રિપીટ કરાયા છે પણ એ સિવાયના બાકીનાને દરવાજો બતાવી દેવાયો છે.

જૂના પ્રધાનોમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીપદ અપાયું એ વિદાય થયેલા પ્રદેશ પ્રમુખ અને હાલમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો પ્રભાવ દર્શાવે છે. હર્ષ સંઘવી પાટીલના ખાસ માણસ છે અને તેમને નાયબ મુખ્યમંત્રીપદ આપીને ગુજરાત સરકારમાં હજુય પાટીલનો પડ્યો બોલ ઝીલાશે એવો સ્પષ્ટ સંકેત આપી દેવાયો છે. હર્ષ સંઘવીને પહેલાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી ને હવે નાયબ મુખ્યમંત્રી બનાવડાવીને પાટીલે સાબિત કર્યું છે કે, ભાજપ હાઈકમાન્ડ એટલે કે નરેન્દ્ર મોદી તેમની વાત સાંભળે છે.

પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી કરીને ભાજપને 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી વિક્રમસર્જક 156 બેઠકો જીતાડી હતી. તેના સિરપાવરૂપે પાટીલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા હતા ને હમણાં બિહારમાં ભાજપ-જેડીયુને જીતાડવા માટે સહપ્રભારી પણ બનાવાયા છે. પાટીલ હવે સીધેસીધા ગુજરાતના રાજકારણમાં નથી પણ સાવ આઉટ થયા નથી તેનો સ્પષ્ટ સંકેત હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવીને આપી દેવાયો છે.

નવા મંત્રીમંડળમાં જીતુ વાઘાણીનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કેમ કે વાઘાણી ફેકાઈ ગયા પછી પાછા આવ્યા છે. ફિનિક્સ પંખી તેની રાખમાંથી ઊભું થાય છે એવું કહેવાય છે. જીતુ વાઘાણી ગુજરાતના રાજકારણના ફિનિક્સ છે કેમ કે વાઘાણી જેટલું ફેંકાઈને કોઈ પાછું નથી આવ્યું. આનંદીબેન પટેલને રવાના કરીને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા ત્યારે રૂપાણીના સ્થાને જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ બનાવાયેલા.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ટ્રમ્પ ક્યાં સુધી મોદીના નામે જૂઠાણાં ચલાવશે?

પાટીદાર આંદોલન વખતે વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા. એ કપરા કાળમાં વાઘાણી અને રૂપાણીની જોડીએ ગમે તે રીતે ભાજપની નૈયાને પાર પાડી છતાં 2019માં ત્રણ વર્ષ પૂરાં થતાં વાઘાણીને પ્રદેશ પ્રમુખપદેથી રવાના કરીને સી.આર. પાટીલને પ્રમુખ બનાવાયેલા. વાઘાણીની હાલત એ રીતે અપમાનજનક હતી કે, કોઈ હોદ્દા વિના સાવ નવરા કરી દેવાયેલા. ત્રણ વર્ષ નવરા બેસી રહ્યા પછી 2022માં રૂપાણીને બદલીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા ત્યારે વાઘાણીનાં નસીબ પાછાં ચમક્યાં.

વાઘાણીને નવા મંત્રીમંડળમાં કેબિનેટ રેન્ક આપીને શિક્ષણ મંત્રી બનાવી દેવાયેલા પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 156 બેઠકની વિક્રમસર્જક બહુમતીથી જીત્યો પછી વાઘાણીનું પત્તું પાછું કપાઈ ગયેલું. વાઘાણીનો એ પછી કોઈ ભાવ જ નહોતો પુછાતો તેના કારણે લાગતું હતું કે, વાઘાણીનું બોર્ડ પૂરું થઈ ગયું છે ત્યાં જ વાઘાણીની કેબિનેટમાં રી-એન્ટ્રી થઈ છે.

વાઘાણીને અમિત શાહ તરફની વફાદારી ફળી છે. સાથે સાથે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયા ફરી વળ્યા છે એ પણ ફળ્યું છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ભવ્ય વિજય મેળવીને ભાજપને આંચકો આપી દીધેલો. 2022ની ચૂંટણીમાં આ બેઠક આમ આદમી પાર્ટીએ જ જીતી હતી પણ આપના ધારાસભ્ય ભૂપત લાખાણી ભાજપમાં ભળી જતાં ભાજપને આ બેઠક જીતવાનો ભરોસો હતો પણ ગોપાલ ઈટાલિયાએ ભાજપની આશા પર પાણી ફેરવી દીધેલું.

વિસાવદરમાં જીત્યા પછી ઈટાલિયાએ સૌરાષ્ટ્રમાં ઉપરાછાપરી સભાઓ કરવા માંડી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોને દોડતા કરી દીધા છે ને યુવા નેતાઓમાં વિશ્વાસ પેદા કર્યો છે કે, ઈટાલિયાની જેમ પોતે પણ જીતી શકે છે. તેના કારણે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ જનઆંદોલનો કરવા માંડ્યાં છે. બોટાદમાં આપના નેતાઓએ કડદાના મામલે કરેલા બખેડાએ ભાજપને ચોંકાવી દીધો છે. ખેડૂતોમાં આ આંદોલન વ્યાપક ના બને એટલે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માંડ્યું છે. તેના ભાગરૂપે જીતુ વાઘાણીને યાદ કરાયા છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ભાજપના કેમ્પમાં ભારે ઉત્પાત મચાવ્યો છે ને તેના કારણે ભરૂચમાંથી ઈશ્વરસિંહ પટેલને ભાજપે ફરી યાદ કરવા પડ્યા છે.
ભાજપે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધારે મહત્ત્વ આપ્યું તેનું કારણ પણ આપનો ડર છે. ભૂપેન્દ્ર પટેલના જૂના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ મંત્રી હતા. આ વખતે આ આંકડો લગભગ ડબલ કરીને નવ કરી દીધો છે. ગોપાલ ઈટાલિયા સામે સીધાં શિંગડાં ભેરવનારા મોરબીના કાંતિ અમૃતિયા અને અમરેલીના કૌશિક વેકરીયાની પસંદગી પણ સૌરાષ્ટ્રના પાટીદારોને આપ તરફ વળતા રોકવા માટે કરાઈ છે એ કહેવાની જરૂર નથી.

આપને ખાળવા માટે સૌરાષ્ટ્રમાંથી પાટીદાર આગેવાન જયેશ રાદડિયાને પણ પ્રધાન બનાવાશે એવું લાગતું હતું પણ ભાજપે રાદડિયાને કોરાણે મૂક્યા છે. રાદડિયાએ ઈફકોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી સાથે મળીને ભાજપનો ખેલ પાડી દીધેલો. ભાજપે અમિત શાહના ખાસ મનાતા બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને ઈફકોની ચૂંટણીમાં મેદાનમાં ઉતારેલા પણ રાદડિયાએ બિપિન ગોતાનું પડીકું કરાવી દીધેલું. સી.આર. પાટીલે પ્રમુખપદેથી વિદાય થતી વખતે આ વાતનો વસવસો વ્યક્ત કરેલો. રાદડિયા વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાના વિજયરથને ના રોકી શક્યા તેનું પરિણામ તેમણે ભોગવવું પડ્યું છે એવું મનાય છે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં બે-ત્રણ બાબતો ઊડીને આંખે વળગે એવી છે. પહેલી વાત એ કે, પાટીદારો સિવાયના સવર્ણોને અવગણાયા છે. કનુભાઈ દેસાઈને જાળવી રખાયા છે પણ નવા મંત્રીઓમાં કોઈ બ્રાહ્મણ કે વણિક નથી. હર્ષ સંઘવી જૈન છે પણ જૈન લઘુમતી સમુદાય છે જ્યારે કનુભાઈ દેસાઈ અનાવિલ છે એ જોતાં બ્રાહ્મણ કે વણિક કોઈ નથી. ક્ષત્રિયોમાંથી માત્ર રીવાબા જાડેજાનો સમાવેશ કરાયો છે. બીજી તરફ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આઠ ધારાસભ્યોને પ્રધાન બનાવાયા છે.

મુખ્યમંત્રીને બાદ કરો તો પાટીદાર પ્રધાનોની સંખ્યા સાત થાય છે એ જોતાં એક સમયે સવર્ણોનો પક્ષ ગણાતો ભાજપ હવે સવર્ણોને બાજુ પર મૂકીને ઓબીસી મતદારોને રીઝવવા તરફ વળી રહ્યો છે એ સ્પષ્ટ છે. 2027ની વિધાનસભાની ચૂંટણીને બે વર્ષની વાર છે તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપ હવે પછીની ચૂંટણીમાં ઓબીસી મતબેંક પર ધ્યાન કેન્દ્રિત કરશે એ પણ સ્પષ્ટ છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સ્ટાલિન તમિળનાડુમાં હિન્દી પર પ્રતિબંધ ના મૂકી શકે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button