એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ બિહારમાં ભાજપ નીતીશને કોરાણે મૂકીને સરકાર રચી શકે

ભરત ભારદ્વાજ

બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને એક્ઝિટ પોલના વરતારા પ્રમાણે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો જયજયકાર થઈ ગયો. બિહાર વિધાનસભાની 243 બેઠકમાંથી 190 બેઠક જીતીને એનડીએએ સપાટો બોલાવી દીધો. એનડીએના બે સૌથી મોટા પક્ષો પૈકી ભાજપ 95 બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો છે જ્યારે નીતીશ કુમારની જેડીયુ 82 બેઠક જીતીને ભાજપની લગોલગ રહી છે. બંનેની મળીને લગભગ 175 બેઠક થઈ જાય છે એ જોતાં સરકાર રચવા માટે તેમને સાથી પક્ષોની પણ જરૂર ના પડે એવી સ્થિતિ થઈ ગઈ છે.

બિહારની 2020ની ચૂંટણીમાં તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળે ભાજપ-જેડીયુને ફીણ પડાવી દીધેલું અને એનડીએ 122 બેઠક જીતીને માંડ માંડ સત્તા ટકાવી શકેલો. આ વખતે 2020 કરતાં દોઢીથી વધારે બેઠકો એનડીએના ખાતામાં ગઈ છે અને આરજેડીના નેતૃત્વ હેઠળનું મહાગઠબંધન તો ક્યાંય ચિત્રમાં જ નથી.

2020માં સૌથી વધારે 82 બેઠક જીતનારી આરજેડી આ વખતે 50ના આંકડાને પાર કરી શકી નથી ને 35 બેઠક પર લબડી ગઈ છે. તેની સાથી કૉંગ્રેસ બે આંકડે પણ પહોંચી નથી. કૉંગ્રેસે ગણીને છ બેઠકો જીતી છે ને તેના કરતાં વધારે બેઠકો તો ભાજપના સાથી એવા ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ જીતી છે. ચિરાગની પાર્ટી એકલી બાવીસ બેઠક જીતી છે. કૉંગ્રેસ પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવે છે પણ ચિરાગની પાર્ટી તેના કરતાં ચાર ગણી વધારે બેઠકો જીતી ગઈ છે.

કૉંગ્રેસ કરતાં વધારે સારો દેખાવ તો જીતનરામ માંઝીની હિંદુસ્તાન અવામ મોરચા (હમ) પાર્ટીએ કર્યો છે. ગણીને સાત બેઠકો લડનારી હમ પાંચ બેઠક જીતી છે. મહાગઠબંધનના સભ્ય એવા સીપીએમ (એમએલ)એ છ બેઠક જીતી છે એ જોતાં તેમનો દેખાવ પણ કૉંગ્રેસ કરતાં તો સારો જ ગણાય.

બિહારમાં એનડીએ જીતશે જ એવી હવા જામેલી હતી તેથી આ પરિણામોથી કોઈને આંચકો લાગ્યો નથી. સ્વાભાવિક રીતે જ ભાજપ આ જીતથી ખુશખુશાલ છે. ભાજપના નેતાઓએ બિહાર પછી હવે બંગાળનો વારો છે એવાં નિવેદનો પણ ફટકારી દીધાં છે. ભાજપના નેતાઓને ખુશ થવાનો ચોક્કસ અધિકાર છે કેમ કે આ જીત બહુ મોટી છે પણ આ જીત ભાજપ કરતાં વધારે નીતીશ કુમારની છે. બિહારના રાજકારણમાં સાવ પતી ગયેલા મનાતા નીતીશ કુમારની પાર્ટી આવો ભવ્ય દેખાવ કરશે એવી કોઈને કલ્પના નહોતી એ જોતાં નીતિશે જબરદસ્ત કમબેક કર્યું છે એવું કહી શકાય.

ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો તો જેડીયુને પણ બમ્પર કલેક્શન મળ્યું છે. જેડીયુની સરખામણીમાં ભાજપની બેઠકો બહુ ના વધી તેનું કારણ એ કે, ભાજપ 101 બેઠક પર જ લડ્યો હતો. ભાજપ પાસે બહુ વધારે બેઠકો જીતવાનો ચાન્સ નહોતો છતાં ભાજપે પોતાની બેઠકોમાં તોતિંગ વધારો કર્યો એ મોટી વાત છે તેથી તેનો દેખાવ જબરદસ્ત જ છે. નીતીશનો દેખાવ પણ નોંધપાત્ર એ રીતે ગણાય કે, વિરોધી માહોલ છતાં નીતીશ જીતી ગયા છે. નીતીશ કુમાર સામા પ્રવાહે તરીને કિગ સાબિત થયા છે. તેના કારણે 2020ની ચૂંટણીમાં માત્ર 43 બેઠક જીતનારી જેડીયુ 84 બેઠક જીતી છે અને તેની બેઠકો લગભગ બમણી થઈ ગઈ છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે માહોલ નીતીશની તરફેણમાં નહોતો. નીતીશ કુમારની તબિયત સારી નથી એવી વાતો જોરશોરથી ચાલી હતી. નીતીશ ભલે સુશાસનના ને બિહારના વિકાસના ફાંકા મારે પણ નીતીશના 20 વર્ષના શાસનમાં બિહાર ઠેરનું ઠેર છે તેથી હવે મતદારો નીતીશની વાતોમાં નહીં આવે એવું પણ કહેવાતું હતું. નીતીશ બધું ભૂલી જાય છે તેથી બિહારના મતદારો નીતીશને પસંદ નહીં કરે એવી વાતો પણ થતી હતી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ આપણે આતંકવાદી નેટવર્ક્સને કેમ સાફ નથી કરી શકતા?

નીતીશ સાવ ભાજપના ભરોસે છે ને એનડીએ જીતશે તો ભાજપના કારણે જ જીતશે એવા દાવા પણ થતા હતા. નીતીશની જેડીયુ 2020 જેવો દેખાવ કરે તો પણ બહુ એવું પણ ઘણા કહેતા હતા પણ આ બધી વાતો અને દાવા બાજુ પર રહી ગયા છે. જેડીયુ વધારે તાકાતવર બનીને બહાર આવી છે ને નીતીશ પણ વધારે શક્તિશાળી બન્યા છે. નીતીશે કલ્પના પણ ના કરી હોય એ રીતે બિહારના મતદારો તેમના પર રીઝ્યા છે અને ફરી સત્તા સોંપી દીધી છે.

આ જીત પછી નીતીશ ફરી મુખ્યમંત્રી બનશે એવું કહેવાય છે પણ પરિણામો જોતાં ભાજપ નીતીશને કોરાણે મૂકી દે એવું બની શકે. ભાજપની પોતાની 95 બેઠક છે અને નીતીશના વિરોધી ચિરાગ પાસવાનની 20 બેઠકો છે એ જોતાં ભાજપને બહુમતી માટે બીજી સાત બેઠકો જોઈએ. જીતનરામ માંઝીની પાંચ બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની ચાર બેઠક ઉમેરો તો ભાજપ બહુમતીના આંકડાએ સરળતાથી પહોંચી જાય એ જોતાં ભાજપ નીતીશની ગેમ કરી નાંખવાનો મોટો દાવ ખેલી શકે છે.

નીતીશ પાસે લોકસભામાં 12 સભ્યો છે અને નરેન્દ્ર મોદી સરકાર નીતીશના ટેકાથી ટકેલી છે તેથી ભાજપ એવું જોખમ ઉઠાવશે કે નહીં એ ખબર નથી પણ ભાજપે એક વાર નીતીશને કોરાણે મૂકવાનો દાવ ખેલી નાખવા જેવો તો છે જ. નીતીશ 20 વર્ષથી બિહારમાં સત્તામાં છે પણ એ કશું ઉકાળી શક્યા નથી એ જોતાં ભાજપે બિહારની પ્રજાનો નીતીશની નાગચૂડમાંથી મોક્ષ કરાવવાની તક ઝડપી લેવી જોઈએ.

બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની એક ખાસ વાત પર પણ ધ્યાન આપવા જેવું છે. બિહારની ચૂંટણીના નાના નાના પક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને કિગ મેકર બનવાનાં તેમનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. 2020ની ચૂંટણીમાં ભાજપ અને જેડીયુની કુલ બેઠકોનો આંકડો 110ની આસપાસ થતો હતો તેથી મુકેશ સાહની, જીતનરામ માંઝી વગેરે ઉચકૂચિયા નેતાઓની કદમબોસી કરવી પડેલી.

આ વખતે એવી સ્થિતિ જ નથી અને મોટા પક્ષોનો દબદબો છે. બિહારની 243 લોકસભા બેઠકમાંથી લગભગ 200 જેટલી બેઠક ભાજપ, જેડીયુ અને આરજેડી પાસે જ છે. નાના પક્ષોમાં ચિરાગ પાસવાનની પાર્ટીને બાદ કરતાં કોઈની બેઠકો બે આંકડે પણ નથી પહોંચી તેથી તેમના બ્લેકમેઈલિંગના રાજકારણને કોઈએ તાબે નહીં થવું પડે કે તેમને સહન પણ નહીં કરવા પડે.

આ ચૂંટણીમાં પ્રશાંત કિશોરના નામની પણ બહુ ચર્ચા હતી. પી.કે. છેલ્લાં અઢી વર્ષથી મચેલા હતા, બિહારમાં પદયાત્રા પણ કાઢીને ગામેગામ પહોંચ્યા હતા. ભાજપ, જેડીયુ, આરજેડી, કૉંગ્રેસ સહિતના તમામ પક્ષોએ બિહારને પછાત રાખ્યું છે એ સહિતના યોગ્ય મુદ્દા પણ ઉઠાવ્યા હતા પણ પી.કે. સત્તરના ભાવમાં પતી ગયા છે. પી.કે.ની જન સુરાજ પાર્ટી સમ ખાવા પૂરતી એક બેઠક પણ જીતી નથી શકી. એ જોતાં પી.કે. માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. લોકશાહીમાં મતદારો સર્વોપરી હોય છે ને બિહારના મતદારોને પી.કે.નું સુરાજ નથી જોઈતું પણ નીતીશનું શાસન જોઈએ છે તો આપણે શું કરીએ?

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ નિઠારીકાંડમાં કોલી પણ મુક્ત, ન્યાયની વાતો સાવ બોદી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button