એકસ્ટ્રા અફેર

ભાજપ એક્ઝિટ પોલ ખોટા પડે એવી પ્રાર્થના કરતો હશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

હરિયાણામાં ૫ ઓક્ટોબરે એક તબક્કામાં તમામ ૯૦ બેઠકો માટે મતદાન પૂરું થયું એ સાથે જ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં એક્ઝિટ પોલ આવી ગયા. જમ્મુ અને કાશ્મીર તથા હરિયાણા એ બંને વિધાનસભા ચૂંટણીની ૯૦-૯૦ બેઠકના ચૂંટણી પરિણામ ૮ ઓક્ટોબરે જાહેર થશે પણ એ પહેલાં આવેલા આ એક્ઝિટ પોલ ભાજપ માટે બહુ આશાસ્પદ નથી કેમ કે મોટા ભાગના એક્ઝિટ પોલ હરિયાણામાં કૉંગ્રેસની સરકાર રચાવાની આગાહી કરી રહ્યા છે.

કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચશે એવો એક્ઝિટ પોલનો વરતારો છે. હરિયાણામાં કૉંગ્રેસની સરકાર આવશે ને દસ વર્ષથી જામેલા ભાજપને લોકો ઘરભેગો કરી દેશે એવી હવા જામેલી જ છે. આ એક્ઝિટ પોલ એ હવાને અનુરૂપ છે.

જમ્મુ અને કાશ્મીરનાં પરિણામો વિશે સ્પષ્ટતા નથી. કેટલાક એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી રહ્યા છે જ્યારે કેટલાક પોલ કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવી આગાહી કરી રહ્યા છે. ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવા દાવા જોરશોરથી થતા હતા પણ કોઈ એક્ઝિટ પોલમાં ભાજપને ૩૫ કરતાં વધારે બેઠકો અપાઈ નથી એ જોતાં સ્પષ્ટ બહુમતીમાં ભાજપનો પનો ટૂંકો પડી જશે એવું કમ સે કમ એક્ઝિટ પોલ પરથી તો લાગે છે.

આ એક્ઝિટ પોલના કારણે ભાજપ માટે અવઢવની સ્થિતિ સર્જાઈ છે જ્યારે કૉંગ્રેસ માટે ઉત્સાજનક માહોલ છે કેમ કે મોટા ભાગના એક્ઝિટ પોલ હરિયાણામાં કૉંગ્રેસની જીતનો અણસાર આપી રહ્યા છે. હરિયાણામાં અમુક એક્ઝિટ પોલમાં ભાજપ આગળ રહેશે એવી આગાહી કરાઈ છે પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે એવું કોઈ કહેતું નથી. બીજી તરફ મતદારો ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકશે અને કૉંગ્રેસ સરકાર બનાવશે એવું સંખ્યાબંધ પોલ કહે છે.

એક્ઝિટ પોલમાં સૌથી વિશ્ર્વસનિય મનાતા ઈન્ડિયા ટુડે સીવોટર એક્ઝિટ પોલ મુજબ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૨૦ થી ૨૮ બેઠકો મળશે જ્યારે કૉંગ્રેસ ૫૦ થી ૫૮ બેઠક મળી શકે છે. હરિયાણામાં સ્પષ્ટ બહુમતી માટે ૪૬ બેઠકો જોઈએ એ જોતાં આ પોલ પ્રમાણે, કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવશે. ટાઈમ્સ નાઉ એક્ઝિટ પોલની આગાહી પણ આ પ્રકારની જ છે.

આ આગાહી પ્રમાણે, હરિયાણા ચૂંટણીમાં ભાજપ ૨૨ થી ૩૨ બેઠક જીતી શકે છે. કૉંગ્રેસ ૫૦ થી ૬૪ બેઠક જીતી બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવશે એવું આ પોલ પણ કહે છે. ન્યુઝ ૨૪ એક્ઝિટ પોલનું તારણ છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૮ થી ૨૪ બેઠક સાથે સંતોષ માનવો પડશે જ્યારે કૉંગ્રેસ ૫૫ થી ૬૨ બેઠક જીતી એક દાયકા બાદ ફરી સરકાર બનાવી શકે છે.

ભાજપતરફી મનાતી રિપબ્લિક ટીવી માટે પી માર્ક એજન્સીએ કરેલા એક્ઝિટ પોલમાં પણ કૉંગ્રેસની જીતની આગાહી કરાઈ છે. આ પોલ પ્રમાણે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૧૮ થી ૨૪ સીટ પર જ જીતશે જ્યારે કૉંગ્રેસ ૫૫ થી ૬૨ બેઠક જીતી શકે છે. કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવશે અને સરકાર રચશે એવો આ પોલનો દાવો છે.

દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ પ્રમાણે, કૉંગ્રેસ બહુમતીથી થોડી દૂર રહી શકે છે પણ તેમાં પણ કૉંગ્રેસને ૪૪ થી ૫૪ બેઠક જ્યારે ભાજપને ૧૫થી ૨૯ બેઠકો મળવાની ધારણા રખાઈ છે. મેટ્રિઝના પોલ પ્રમાણે, કૉંગ્રેસ હરિયાણામાં બહુમતી સાથે સરકાર રચશે. કૉંગ્રેસને ૫૫ થી ૬૨ બેઠક અને ભાજપને ૧૮ થી ૨૪ બેઠક મળવાનો અંદાજ છે.ધ્રુવ રિસર્ચના પોલ પ્રમાણે, હરિયાણામાં કૉંગ્રેસને ૫૦ થી ૬૪ બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપને ૨૨થી ૩૨ બેઠકો મળી શકે છે. પીપલ્સ પલ્સના પોલ અનુસાર કૉંગ્રેસને ૪૯ થી ૬૧ સીટ જ્યારે ભાજપને ૨૦ થી ૩૨ બેઠક મળવાની સંભાવના છે.

ટૂંકમાં લગભગ તમામ એક્ઝિટ પોલમાં હરિયાણામાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે એવી આગાહી કરાઈ છે પણ જમ્મુ અને કાશ્મીરમાં ચિત્ર થોડું મૂંઝવનારું છે. વાસ્તવિક ચિત્ર શું છે તેની ખબર તો જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ ૮ ઓક્ટોબર જાહેર થાય ત્યારે જ પડશે પણ ધારણાઓ પર આધારિત એક્ઝિટ પોલ સ્પષ્ટ રીતે કોને બહુમતી મળશે તેનો સંકેત નથી આપી રહ્યા.

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં જ્યારે મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી અને ભાજપે એકલા હાથે ચૂંટણી લડી હતી. બીજી નાના નાના પક્ષો પણ મેદાનમાં હતા. મોટા ભાગનાં એક્ઝિટ પોલ નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ જોડાણને સૌથી વધારે બેઠકોની આગાહી કરે છે પણ કોની સરકાર રચાશે એ ખોંખારીને કહેતા નથી.

ઈન્ડિયા ટુ સીવોટર એક્ઝિટ પોલ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં ભાજપને ૨૭થી ૩૨ બેઠકો જ્યારે કૉંગ્રેસ- નેશનલ કોન્ફરન્સ (એનસી)ને ૪૦ થી ૪૮ બેઠક મળી શકે છે. મતલબ કે કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર રચાવાની શક્યતા છે. મહેબૂબાની પીડીપીને ૬ થી ૧૨ બેઠક અને અન્ય પક્ષોને ૬ થી ૧૧ સીટ મળી શકે છે. એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર ભાજપ ૨૪ થી ૩૪ બેઠક, કૉંગ્રેસ-એનસીને ૩૫થી ૪૫ સીટ અને પીડીપી ૪-૬ બેઠક જીતી શકે છે. મતલબ કે, કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે.

દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ પણ એવું જ કહે છે કે, કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે. આ પોલ પ્રમાણે, ભાજપ ૨૦ થી ૨૫ બેઠક જીતી શકે છે તો કૉંગ્રેસ-એનસી ૩૫ થી ૪૦ બેઠક અને પીડીપી ૪ થી ૭ બેઠક જીતી શકે છે. પીપલ્સ પ્લસ એક્ઝિટ પોલ નેશનલ કોન્ફરન્સ અને ભાજપની સરકાર રચાવાનો સ્પષ્ટ સંકેત આપે છે. આ પોલ પ્રમાણે ભાજપ ૨૩ થી ૨૭, કૉંગ્રેસ-એનસી ૪૬થી૫૦ અને પીડીપી ૭થી ૧૧ બેઠક પર જીત મેળવી શકે છે.

હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં એક્ઝિટ પોલ ભાજપની તરફેણમાં નથી એ સ્વીકારવું પડે. એક્ઝિટ પોલ ખોટા પડવા માટે જાણીતા છે એ જોતાં ભાજપ અત્યારે તો એ ઈતિહાસ દોહરાવાની આશા રાખી રહ્યો છે. બીજી તરફ કૉંગ્રેસ એક્ઝિટ પોલ સાચા પડે એવી આગાહી કરી રહી હશે. એક્ઝિટ પોલ સાચા પડે તો ભાજપને મોટો ફટકો પડશે ને તેની ચર્ચા એ વખતે કરીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button