એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભાજપ મધ્ય પ્રદેશ ફોર્મ્યુલાથી વરસમાં નીતિશને ઘરભેગા કરી શકે

ભરત ભારદ્વાજ

બિહારમાં અંતે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ મેલ કરવત મોચીના મોચી કરીને ફરી નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરી નાખ્યું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો પછી એવી અટકળો ચાલેલી કે, ભાજપ આ વખતે નીતીશ કુમારના બદલે પોતાના મુખ્યમંત્રી બેસાડવાની મમતે ચડી શકે છે.

એનડીએના સાથી પક્ષોમાં ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી ભાજપની પડખે હોવાથી ભાજપનું પલ્લું ભારે છે. આ કારણે ભાજપ નીતીશને હટી જવા દબાણ કરશે એવું લાગતું હતું પણ ભાજપે એવું કશું નહીં કરીને નીતીશની પસંદગી પર મત્તું મારી દીધું. જેડીયુએ નીતીશને વિધાનસભામાં નેતા ચૂંટ્યા એ પછી મળેલી એનડીએના ધારાસભ્યોની બેઠકમાં પણ મિનિટોમાં તો નીતીશ નેતા તરીકે ચૂંટાઈ આવ્યા તેના પરથી જ સ્પષ્ટ છે કે, ભાજપે પહેલેથી નીતીશ પર કળશ ઢોળવાનું નક્કી કરી નાખેલું.

ભાજપે મત્તું મારતાં ગુરુવારે સવારે નીતીશ કુમારની તાજપોશી થશે ને નીતીશ 10મી વાર બિહારના મુખ્યમંત્રીપદના શપથ લેશે એ નક્કી થઈ ગયું છે. નીતીશની સાથે ભાજપના બે ધારાસભ્ય નાયબ મુખ્યમંત્રીપદના શપથ લેશે એ પણ નક્કી છે. ભાજપ સાથે જોડાણની શરૂઆતથી નીતીશ કુમાર ભાજપને નાયબ મુખ્યમંત્રીપદ આપે જ છે અને 2005માં નીતીશ પહેલી વાર ભાજપના ટેકાથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ સિલસિલો ચાલે છે.

2005થી 2013 સુધી સુશીલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રીપદે રહેલા. 2013માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવાના ભાજપના નિર્ણયથી વંકાઈને નીતીશ લાલુપ્રસાદ યાદવના પડખામાં ભરાયા ત્યારે ભાજપ પાસેથી નાયબ મુખ્યમંત્રીપદ ગયેલું પણ 2017માં નીતીશ પાછા ભાજપના પડખામાં ભરાયા એટલે સુશીલ મોદી પાછા નાયબ મુખ્યમંત્રી બની ગયેલા.

જો કે એ પછી ભાજપે બે વાર નાયબ મુખ્યમંત્રીઓ બદલ્યા છે. 2020માં જેડીયુને બહુ ઓછી બેઠક મળી હોવા છતાં ભાજપે નીતીશને મુખ્યમંત્રી બનાવેલા પણ સુશીલ મોદીને કોરાણે મૂકીને તારકિશોર પ્રસાદ અને રેણુદેવીને નાયબ મુખ્યમંત્રી બનાવેલાં. નીતીશ 2022માં પાછા આરજેડીના પડખામાં ભરાયા ત્યારે ભાજપ પાસેથી મુખ્યમંત્રીપદ ગયેલું. નીતીશ 2024ના જાન્યુઆરીમાં પાછા ભાજપમાં આવ્યા ત્યારે તારકિશોર પ્રસાદ અને રેણુદેવીને રિપીટ કરવાના બદલે ભાજપે નવી ગિલ્લી નવો દાવ કરીને સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

આ વખતે પણ ભાજપ એ સિલસિલો ચાલુ રાખીને સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાને રવાના કરી દેશે એવું લાગતું હતું પણ ભાજપે બધાંને ખોટા પાડ્યા છે. ભાજપના ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીને નેતાપદે ચૂંટ્યા છે એટલે એક નાયબ મુખ્યમંત્રી તો સમ્રાટ ચૌધરી હશે એ નક્કી છે. ઉપનેતા તરીકે ચૂંટાયેલા વિજય કુમાર સિંહા ચૂંટાયા છે તેથી બીજા નાયબ મુખ્યમંત્રી સિંહા બને એવી પૂરી શક્યતા છે.

સમ્રાટ અને સિંહાને ભાજપે જ્ઞાતિનાં સમીકરણો સાચવવા માટે નાયબ મુખ્યમંત્રી બનાવેલા ને એ સમીકરણોને સાચવવા તેમને ફરી રિપીટ કરાય એવી પૂરી શક્યતા છે. ભાજપમાંથી સમ્રાટ અને સિંહાની જોડી રીપીટ થશે તો બિહારમાં ફરી નીતીશ, સમ્રાટ અને સિંહાની ત્રિપુટી આવી જશે.

નીતીશ ફરી મુખ્યમંત્રી બનતાં બિહારમાં હાલ પૂરતું ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે પણ ભાજપ આ સ્થિતિ લાંબો સમય નહીં રાખે એવી અટકળો ચાલી રહી છે. રાજકીય વિશ્ર્લેષકોના મતે, ભાજપ નીતીશને એકાદ વર્ષ પૂરતા મુખ્યમંત્રીપદે રાખશે ને પછી મહારાષ્ટ્રની ફોર્મ્યુલા અપનાવીને જેડીયુમાં ભંગાણ પડાવીને નીતિશને રવાના કરી દેશે. ભાજપ ખરેખર એવું વિચારે છે કે નહીં એ ખબર નથી પણ મહારાષ્ટ્રમાં શિવસેનામાં પડાવ્યું એ રીતે બિહારમાં જેડીયુમાં ભંગાણ પડાવવાનું કામ સરળ નથી અને ભાજપ પાસે કારણ પણ નથી.

મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનામાં ભંગાણ પડાવ્યું કેમ કે ભાજપ સત્તામાં નહોતો. મહારાષ્ટ્રમાં શિવસેના પાસે 61 ધારાસભ્યો હતા ને ભાજપે તેમાંથી 41 ધારાસભ્યોને તોડીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની લાલચ આપીને શિવસેનામાં ભંગાણ પડાવેલું. બિહારમાં નીતીશ પાસે 85 ધારાસભ્યો છે તેથી ભાજપે જેડીયુમાં ભંગાણ પાડવું હોય તો 57 ધારાસભ્યોને તોડવા પડે. બંધારણીય જોગવાઈ પ્રમાણે કોઈ પક્ષના બે તૃતિયાંશ ધારાસભ્યો એક સાથે જાય તો પક્ષપલટાનો ધારો ના લાગુ પડે. હવે આટલા ધારાસભ્યો તોડવા એ નાનીમાના ખેલ નથી.

બીજું એ કે, બિહારમાં ભાજપ સત્તામાં છે ને નીતીશ તેમના માટે કોઈ મુશ્કેલી ઊભી કરી રહ્યા નથી. કેન્દ્રમાં પણ નીતીશના ટેકાથી ભાજપ સરકાર ચલાવે છે તેથી નીતીશને નારાજ કરીને ભાજપ જાતે પેટ ચોળીને શૂળ ઊભું કરે એ વાતમાં માલ નથી. માનો કે ભાજપ જેડીયુમાં ભંગાણ પડાવે તો પણ તેને મુખ્યમંત્રીપદ ના મળે કેમ કે બાગી નેતા જ ગાદી પર બેસવા માગે ને ભાજપે નાયબ મુખ્યમંત્રીપદથી સંતોષ માનવો પડે જે અત્યારે ભાજપ પાસે છે જ. હવે ભાજપ નાયબ મુખ્યમંત્રીપદ માટે આટલા બધા ઉધામા ના જ કરે એ દીવા જેવી ચોખ્ખી વાત છે.

અલબત્ત ભાજપ સત્તામાં ભાગીદાર છે એટલે નીતીશ કુમાર સલામત છે એવા ભ્રમમાં રહેવાની જરૂર પણ નથી કેમ કે ભાજપને સત્તાનો સણકો ઉપડે તો મધ્ય પ્રદેશ ફોર્મ્યુલા અપનાવીને નીતીશને ઘરભેગા કરી નાખે એવું પણ બને. મધ્ય પ્રદેશમાં 2018માં કૉંગ્રેસના કમલનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની પાસે કટોકટ બહુમતી હતી જ્યારે ભાજપને બહુમતી માટે 15 જેટલા ધારાસભ્યો ઘટતા હતા.

ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને સાધીને વીસેક ધારાસભ્યો પાસે બગાવત કરાવી દીધી ને તેમની પાસે રાજીનામાં અપાવી દીધાં તેમાં કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ ને ભાજપ બહુમતીમાં આવી જતાં શિવરાજસિંહ ચૌહાણ પાછા ગાદી પર બેસી ગયા. પેટાચૂંટણીમાં ભાજપે રાજીનામાં પડેલાં તેમાંથી મોટા ભાગની બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી.

બિહારમાં મધ્ય પ્રદેશ જેવી જ સ્થિતિ છે. એનડીએમાં અત્યારે જેડીયુના 85 ધારાસભ્યો છે જ્યારે ભાજપના 89, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના 19, જીતનરામ માંઝીની હિંદુસ્તાન અવામ મોરચા (હમ)ના પાંચ અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકશાહી મોરચાના ચાર મળીને કુલ 107 ધારાસભ્યો જેડીયુ સિવાયની પાર્ટીના છે.

ભાજપ જેડીયુના 30 ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવે તો વિધાનસભાની સભ્યસંખ્યા ઘટીને 213 થાય ને બહુમતી માટે 107 ધારાસભ્યોનો ટેકો જોઈએ. પેટાચૂંટણીમાં ભાજપ રાજીનામાં આપનારા બધા ધારાસભ્યોને ટિકિટ આપીને ફરી લડાવે ને તેમાંથી 16 પણ જીતી જાય તો ભાજપની બહુમતી થઈ જાય ને સરકાર આવી જાય એ જોતાં નીતીશ પર વીમો છે જ.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ બિહારમાં હાર, કૉંગ્રેસનું ‘નાચ ના જાને આંગન ટેઢા’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button