બીએચયુમાં છેડતી, હિંદુવાદીઓ કેમ ચૂપ છે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હિંદુઓના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાં એક વારાણસીમાં આવેલી બનારસ હિંદુ યુનિવર્સિટીના આઈઆઈટી કેમ્પસમાં બુધવારે મોડી રાત્રે બનેલી એક ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ ઘટનામાં બનારસ હિન્દુ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની રાત્રે યુનિવર્સિટી કેમ્પસમાં જઈ રહી હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી. છેડતી શબ્દ બહુ નાનો છે કેમ કે વાસ્તવમાં તો પોતાના મિત્ર સાથે જઈ રહેલી યુવતીને ત્રણ યુવકોએ રોકી અને બંદૂકની અણીએ છોકરીને ઉઠાવી ગયા.
આ છોકરીને ખૂણામાં લઈ જઈને તેની સાથે ગંદી હરકતો કરી. છોકરીને બળજબરીપૂર્વક ચુંબન કર્યાં પછી તેનાં કપડાં કાઢીને નગ્ન કરી ને આ દરમિયાન તેનો વીડિયો ઉતાર્યો. છોકરીના ફોટા પણ પાડવામાં આવ્યા. લગભગ ૧૫ મિનિટ સુધી આ હેવાનિયત ચાલી ને છેવટે યુવતીએ ચીસો પાડતાં તેને છોડીને લુખ્ખા ભાગી ગયા.
જો કે યુવતીની કઠણાઈ પૂરી નહોતી થઈ. યુવતી બચીને હોસ્ટેલ તરફ દોડી ત્યારે પાછળથી બાઇક દોડાવીને લુખ્ખાઓએ તેને ડરાવવાની કોશિશ કરી તેથી ડરેલી યુવતી પ્રોફેસર રાઠોડના ઘરમાં ઘૂસી ગઈ હતી. પ્રોફેસર ઘરે નહોતા તેથી તેમના પરિવારે તેમને બોલાવ્યા. ૨૦ મિનિટ પછી પ્રોફેસર આવ્યા. પ્રોફેસર યુવતીને ગેટ સુધી પાર્લામેન્ટ સિક્યુરિટી કમિટીના રાહુલ રાઠોડ પાસે છોડી ગયા. રાહુલ રાઠોડ યુવતીને પેટ્રોલિંગ ગાર્ડ પાસે લઈ ગયા પછી યુવતી સુરક્ષિત રીતે હોસ્ટેલમાં પહોંચી શકી.
યુનિવર્સિટીના કેમ્પસમાં કરમન બાબા મંદિરથી લગભગ ૩૦૦ મીટર દૂર એગ્રિકલ્ચર ફાર્મ પાસે બનેલી આ ઘટના અંગે યુવતીએ જાણ કરતાં વિદ્યાર્થીઓ રાત્રે જ ભેગા થઈ ગયેલા પણ સત્તાવાળાઓને કશું કરવામાં રસ નહોતો. તાત્કાલિક ગાર્ડને દોડાવ્યા હોત તો કદાચ યુવતી સાથે બળજબરી કરનારા ઝડપાઈ ગયા હોત પણ સત્તાવાળાઓએ કશું ના કરતાં ભડકેલા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા.
આ ઘટનાના વિરોધમાં લગભગ ૨,૫૦૦ વિદ્યાર્થીઓએ રાજપૂતાના હોસ્ટેલ સામે વિરોધ પ્રદર્શન કર્યું અને પછી સમગ્ર કેમ્પસમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. હજારો વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાતાં કેમ્પસ બંધ કરવું પડ્યું. વિદ્યાર્થીઓએ આખી યુનિવર્સિટીને માથે લેતાં પહેલાં તો ઘટનાને દબાવી દેવા માટે સમગ્ર કેમ્પસની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી. એ પછી પણ વિદ્યાર્થીઓનો આક્રોશ ના શમતાં છેવટે સત્તાવાળા જાગ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આ ઘટનાના બે દિવસ પછી પણ કોઈ કાર્યવાહી કરી નથી તેથી વિદ્યાર્થીઓમાં હજુ આક્રોશ છે ને આ આક્રોશ ગમે ત્યારે ભડકી શકે છે.
આ ઘટનાએ સાબિત કર્યું છે કે, યુપીમાં સ્થિતિ સુધરી હોવાના ગમે તેટલા દાવા કરાય પણ હજુય જંગલરાજ જ છે. વિદ્યાર્થિનીઓએ કરેલી ફરિયાદ પ્રમાણે આ રીતે વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટનાઓ રોજ બને છે ને છોકરીઓ ફરિયાદ કરે છે છતાં કશું કરાતું નથી. યુનિવર્સિટીના કારભારીઓ આવી ઘટનાઓને દબાવી દઈને છોકરીઓને ચૂપ કરી દે છે. આ વખતે પણ પહેલાં મથામણ એવી જ થયેલી પણ વિદ્યાર્થીઓનો આક્રોશ ભડક્યો તેમાં ફરિયાદ કરવી પડી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રાજસ્થાનની ચૂંટણી સભાઓમાં હુંકાર કરે છે કે, યુપીમાં કનૈયાલાલની હત્યા થઈ હોત તો અમે તેમના હત્યારાઓનું એન્કાઉન્ટર કરી નાંખ્યું હોત. રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ દરજીની દોઢેક વરસ પહેલાં તેની જ દુકાનમાં ઘૂસીને બે મુસ્લિમ યુવકોએ હત્યા કરી નાખી હતી.
ભાજપનાં બરતરફ કરાયેલાં પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મહમદ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કનૈયાલાલે ટેકો આપ્યો તેમાં ઉશ્કેરાયેલા મોહમ્મદ રિયાઝ અને ઘાઉસ મોહમ્મદે કનૈયાલાલની હત્યા કરી નાંખી હતી. બંને મુસ્લિમોએ વીડિયો બહાર પાડીને કનૈયાલાલનું માથું ધડથી અલગ કરી દીધું હોવાની ફિશિયારી મારી હતી અને નરેન્દ્ર મોદીને પણ હત્યાની ધમકી આપી હતી.
આવા હત્યારાઓનાં એન્કાઉન્ટર કરાય તેમાં કશું ખોટું નથી પણ યોગીએ આવી મર્દાનગી બનારસ હિંદુ યુનિવર્સિટીઓની દીકરી સાથે ગંદો વ્યવહાર કરનારાં સામે પણ બતાવવી જોઈએ. યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈ દીકરીના કપડાં ફાડી નાંખીને તેની સાથે બળજબરી કરાય, તેની પર સેક્સ્યુઅલ એટેક થાય એ ઘટના શરમથી ડૂબી મરવા જેવી છે. યુનિવર્સિટીમાં ભણતી દીકરીઓની ફરિયાદ છે કે, આવું તો છાસવારે થાય છે. આ વાત તો વધારે ગંભીર છે ને યોગીએ આવી હરકતો કરનારા નામર્દોને જાહેરમાં કપડાં કાઢીને ફટકારવા જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈ બીજી બહેન-દીકરી સામે આંખ ઉઠાવીને જોતાં પહેલાં વિચાર કરે.
આ મુદ્દે કહેવાતા હિંદુવાદીઓ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા છે એ જોઈને પણ આઘાત લાગે છે. બનારસ હિંદુઓનું પવિત્ર યાત્રાધામ છે ને હિંદુઓના યાત્રાધામમાં આવું બને એ જોઈને એ લોકોને ધર્મનું અપમાન નથી લાગતું? આ દીકરીની ઓળખ જાહેર ના કરી શકાય તેથી એ ક્યા ધર્મની છે, કોણ છે એ ખબર નથી પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. સંઘના મોહન ભાગવત દર ત્રીજા દાડે કહે છે કે, આ દેશમાં રહેનારી દરેક વ્યક્તિ હિંદુ છે એ જોતાં આ દીકરી પણ હિંદુ જ છે ને યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસીને લુખ્ખાઓ જેમની છેડતી કરે છે એ બધી દીકરીઓ પણ હિંદુ જ છે. હિંદુવાદીઓ આ દીકરીઓ સાથે બદતમીઝી કરનારાંને સજા અપાવવા કેમ મેદાનમાં નથી આવતા?
મોટા ભાગનાં લોકોને આ પ્રકારની ઘટનાઓ સામાન્ય લાગતી હોય છે પણ આ પ્રકારની સામાન્ય ઘટનાઓ ધીરે ધીરે ગુનાખોરીના ગંભીર સ્વરૂપમાં ફેરવાતી હોય છે. તમે છોકરીઓ સાથે કંઈ પણ કરો પણ પોલીસ કશું કરવાની નથી, સરકાર કશું કરવાની નથી કે લોકો પણ કશું કરવાનાં નથી એવી છાપ પડી જાય પછી લુખ્ખા નિડર બની જાય છે. પછી એ ગમે તે દીકરીની ઈજજત પર હાથ નાંખવા માંડે છે. અત્યારે એક દીકરીનાં કપડાં ફાડીને તેને નગ્ન કરીને તેના વીડિયો ઉતાર્યા ને ફોટા પાડ્યા છે પણ ભવિષ્યમાં બીજું કશું પણ કરી શકે.
આ સ્થિતિ પેદા થાય એ પહેલાં લોકોએ જાગવું જોઈએ કેમ કે સવાલ દીકરીઓની ઈજજતનો છે, તેમની સુરક્ષાનો છે. આપણે આપણી દીકરીઓને સુરક્ષા ના આપી શકતા હોય તો બીજા બધા ફડાકા મારવાનો કોઈ અર્થ નથી.