એકસ્ટ્રા અફેર

ભાગવતે મણિપુરની વાસ્તવિકતા છતી કરીને સારું કર્યું

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને ફરી મણિપુર યાદ આવી ગયું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપના પોઠિયા તો સ્વીકારતા નથી પણ મોહન ભાગવતે સ્વીકાર્યું કે, મણિપુરમાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી અને મણિપુરમાં સ્થિતિ હજુ પણ મુશ્કેલ છે. સ્થાનિક લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે અને જે લોકો મણિપુરમાં વેપાર કે સામાજિક સેવા માટે જાય છે તેમની હાલત વધારે ખરાબ છે, તેમના માટે માહોલ વધારે પડકારજનક છે.

મોહન ભાગવતને ફરી મણિપુર યાદ આવી ગયું તેનું કારણ શંકર દિનકર કાણે છે. શંકર દિનકર કાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા અને ૧૯૭૧ સુધી મણિપુરમાં બાળકોને શિક્ષિત કરવાના અભિયાનમાં રોકાયેલા હતા. મોહન ભાગવતે પૂણેમાં શંકર દિનકર કાણેની ૧૦૦મી જન્મજયંતિના કાર્યક્રમમાં આડકતરી રીતે સ્વીકાર્યું કે, મણિપુરમાં જે કંઈ હકારાત્મક કામગીરી થઈ રહી છે એ બિન સરકારી સંગઠનો કરી રહ્યાં છે જ્યારે કેન્દ્ર સરકાર કશું નોંધપાત્ર નથી કરી રહી.

ભાગવતે સંઘના સ્વયંસેવકોની કામગીરીનાં પણ વખાણ કરીને કહ્યું કે, તમામ પડકારો અને સુરક્ષાની કોઈ ગેરંટી ના હોવા છતાં, સંધના સ્વયંસેવકો સંઘર્ષગ્રસ્ત ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં અડગ ઊભા છે. સ્વયંસેવકો કુકી અને મૈતેઈ બંને જૂથોને મદદ કરવા અને વાતાવરણને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિંસા છતાં સ્વયંસેવકો ત્યાંથી ભાગ્યા નથી કે બેસી રહ્યા નથી.

ભાગવતના કહેવા પ્રમાણે, સ્વયંસેવકો જનજીવનને સામાન્ય બનાવવા, લોકોનો ગુસ્સો ઘટાડવા અને રાષ્ટ્રીય એકતાની લાગણી વધારવા માટે કામ કરી રહ્યા છે પણ બિન સરકારી સંગઠનો બધું સંભાળી શકે નહીં કે સ્થિતીને સામાન્ય બનાવી શકે નહીં. સ્વયંસેવકોએ લોકોનો વિશ્વાસ મેળવ્યો છે અને સ્થાનિક લોકોએ વર્ષોથી સંઘનું કામ જોયું છે, તેથી સંઘમાં લોકોને વિશ્વાસ છે એટલે સંઘ તમામ પક્ષો સાથે વાત કરી રહ્યો છે પણ સ્થિતી મુશ્કેલ છે.

ભાગવતે આ ત્રણ મહિનામાં બીજી વાર મણિપુરની વાત કરી છે. આ પહેલાં જૂનમાં પણ મોહન ભાગવતે કહ્યું હતું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. મણિપુરમાં દસ વર્ષ સુધી શાંતિ હતી અને એવું લાગતું હતું કે પુરાણા ગન કલ્ચરનો અંત આવ્યો છે પણ આ ગન કલ્ચર ફરીથી પાછું આવ્યું છે અથવા લાવવામાં આવ્યું છે પણ તેની આગ હજી સુધી સળગી રહી છે આ આગ લોકોને દઝાડી રહી છે ત્યારે તેના પર કોણ ધ્યાન આપશે? મોહન ભાગવત નાગપુરમાં આરએસએસના એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતાં મોદી સરકારને યાદ અપાવેલું કે, મણિપુરને પ્રાથમિકતા આપીને તેના વિશે વિચાર કરવો એ કર્તવ્ય છે.

મોદી સરકાર આ કર્તવ્ય નિભાવી ના શકી એવું ભાગવતને લાગી રહ્યું છે તેથી તેમણે ફરી મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો કે બીજું કોઈ કારણ છે એ ખબર નથી પણ ભાગવત મણિપુર વિશે બોલ્યા તેનો મતલબ એ થયો કે, મણિપુરમાં આપણે માનીએ છીએ તેના કરતાં સ્થિતી ખરાબ છે. મણિપુર હિંસામાં ૫૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૫૦ હજાર લોકો રાહત છાવણીમાં રહેવા મજબૂર બન્યા છે એ પ્રકારના સરકારી આંકડા આપણે સાંભળીએ છીએ પણ સ્થિતી તેના કરતાં વધારે ખરાબ છે એ સ્પષ્ટ છે.

ભાગવતે આડકતરી રીતે કહી જ દીધું છે કે, બહારનાં લોકો તો મણિપુરમાં ઘૂસી શકે એવી સ્થિતીમાં જ નથી ને મણિપુરમાં રહેતાં લોકો પણ સલામત નથી. દેશના બીજા કોઈ રાજ્યમાં આવી હાલત નથી એ જોતાં મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ જ બચી નથી એવું કમ સે કમ ભાગવતના નિવેદન પરથી તો લાગે જ છે. મણિપુરમાં આ હાલત છે પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુરમાં જવાનો સમય નથી. મોદી આટલી ભયંકર હિંસા પછી પણ મણિપુર ગયા નથી કે મણિપુરની હિંસા વિશે એક શબ્દ બોલતા નથી. મોદી સાહેબ પાસે બ્રુનેઈ, ઈન્ડોનેશિયા ને મલેશિયા જેવાં મુસ્લિમ રાષ્ટ્રોમાં જવાનો સમય છે પણ પોતાના જ દેશના એક રાજ્યનાં લોકોની વચ્ચે જઈને તેમનાં આંસુ લૂછવાનો સમય નથી.

ખેર, આ મુદ્દે ચર્ચાનો બહુ અર્થ નથી કેમ કે વિપક્ષો છેલ્લાં દોઢ વર્ષથી આ મુદ્દો ઉઠાવે છે પણ આ વાત બહેરા કાને અથડાઈ રહી છે. મોહન ભાગવતે લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી તરત જ મણિપુર મુદ્દે કર્તવ્યપરાયણતાની યાદ અપાવીને આડકતરી રીતે તો મોદીને મણિપુર જઈને લોકોને મળવાની જ સલાહ આપી હતી પણ ભાગવતની સલાહની અસર ના થતી હોય તો બીજાંની શું અસર થાય ?

ભાગવતે મણિપુરનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું કેમ કે બીજું કોઈ તો મણિપુરના મુદ્દે બોલવા જ તૈયાર નથી. મણિપુરની વાસ્તવિક સ્થિતી એકદમ ખરાબ છે એવું નથી સરકારનો કોઈ મંત્રી બોલતો કે નથી ભાજપના કોઈ નેતા બોલતા. ભારતીય મીડિયા પણ આ મુદ્દે મૌન છે. મોદી બ્રુનેઈના સુલતાનને મળ્યા ત્યારે યુપીના પેંડા ખાધા ને ફલાણો જ્યુસ પીધો ને ઢીંકણી વાનગી ખાધી એવી વાતોનો રસથાળ પિરસાય છે પણ આ દેશના જ એક રાજ્ય મણિપુરમાં દેશના જ નાગરિકો જઈ ના શકે એ હદે ખરાબ સ્થિતી છે એ ક્યાંય વાંચવા, સાંભળવા કે જોવા મળતું નથી. ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ આ દેશના મીડિયા એ બધું જોતું નથી, સાંભળતું નથી ને બોલતું પણ નથી ત્યારે ભાગવતે કમ સે કમ બોલવાનું પસંદ તો કર્યું એ મોટી વાત છે. આ દેશમાં લોકોએ ભાગવતનો આ માટે આભાર માનવો જોઈએ.

જો કે ભાગવત પણ મણિપુર પર બોલ્યા પણ મણિપુરમાં યુવતીઓની નગ્ન પરેડ કરાવીને તેમના પર ગેંગ રેપ કરાયો તેના વિશે નો બોલ્યા. હમણાં કેરળના પલક્કડમાં સંઘની સમન્વય બેઠક મળી તેમાં કોલકાત્તાની મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની સંઘે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. સંઘે બેઠક પછીના મીડિયા સાથેના સંવાદમાં આ વાત સ્વીકારી. સંઘે કેટલી મીનિટ કે કલાકો ચર્ચા કરી એ ખબર નથી પણ એક સંવેદનશીલ મુદ્દે ચર્ચા કરીને સારું કરેલું. ભાગવતે મણિપુરની ગેંગ રેપની ઘટના વિશે પણ એવી સંવેદના બતાવવાની જરૂર હતી એવું નથી લાગતું ? કે સંઘની સંવેદના પણ ભાજપની જેમ જ ક્યા રાજ્યમાં કોનું શાસન છે તેના પર નિર્ભર છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button