એકસ્ટ્રા અફેર

પીઓકે હોય કે શક્સગામ ખીણ, પાછું લેવા મર્દાનગી બતાવવી પડે

એકસ્ટ્રા અફેર: ભરત ભારદ્વાજ

ભાજપના નેતાઓએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પ્રતિનિધીમંડળને દિલ્લીમાં પોતાના હેડક્વાર્ટરમાં નોંતરીને પરોણાગત કરી તેના કારણે શક્સગામ ખીણનો વિવાદ પાછો ચર્ચામાં છે. સામ્યવાદી ચીન ભાજપના હેડક્વાર્ટરમાં બેસીને જમી રહ્યા હતા એ પહેલાં ચીને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલો શક્સગામ ખીણ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરેલો. ભાજપના બેશરમ નેતા તો ચીનાઓ સામે કશું બોલ્યા નહીં પણ આપણા આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શક્સગામ ખીણ વિસ્તાર ભારતનો જ છે અને ચીનનો તેના પર કોઈ અધિકાર નથી એ વાત દોહરાવી છે. ભારત સરકારે અઠવાડિયા પહેલાં જ શક્સગામ ખીણમાં ચીન દ્વારા કરાઈ રહેલા બાંધકામ સામે વાંધો લીધેલો. આર્મી ચીફે પણ એ જ વાંધાનું પુનરાવર્તન કર્યું છે.

ચીન શક્સગામ ખીણના વિસ્તારને બથાવીને બેસી ગયું તેના મૂળમાં 1963નો ચીન-પાકિસ્તાન સીમા કરાર છે. પાકિસ્તાનના સરમુખત્યાર અય્યુબખાને ચીનની સરકાર સાથે કરેલા કરાર હેઠળ કાશ્મીરમાં પાકિસ્તાન અને ચીન વચ્ચેની સરહદ નક્કી કરાઈ છે અને આ વિસ્તારમાં ક્યો પ્રદેશ કોનો એ પણ નક્કી કરાયું હતું. 1959માં ચીને બહાર પાડેલા નકશામાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોને પોતાના બતાવેલા. તેની સામે અય્યુબ ખાને વાંધો લીધેલો પણ ચીને તેમને ગણકાર્યા નહોતો. 1960માં પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સમાં ચીનની તરફેણમાં મતદાન કર્યું પછી ચીનને હેત ઉભરાયું તેથી પાકિસ્તાન સાથે કરાર કરી નાંખ્યો. આ કરાર ગેરકાયદે છે કેમ કે ચીન અને પાકિસ્તાન બંનેએ તેમનો કોઈ અધિકાર જ નથી એવા ભારતના વિસ્તારોની પણ ભાગબટાઈ આ કરાર હેઠળ કરી લીધી છે. જવાહરલાલ નહેરૂની સરકારે કરાર સામે વિરોધ કરેલો પણ નહેરૂ પાસે મર્દાના મિજાજ નહોતો તેથી વાંઝણા વિરોધ સિવાય કશું ના કર્યું.

દુનિયામાં બળિયાના બે ભાગ હોય છે. જે લડવા મેદાનમાં ઉતરે તેની સામે સૌ નમે પણ નહેરૂ પાસે એ મિજાજ જ નહોતો તેથી પાકિસ્તાન અને ચીને તેમના વિરોધને ઘોળીને પી જઈને ભારતનો હરામખોરી કરીને પચાવી પાડેલો લગભગ સવા લાખ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર અંદરોઅંદર વહેંચી લીધો. તેમાં કાશ્મીરનો 83 હજાર ચોરસ કિલોમીટરનો અને અક્સાઈ ચીનનો લગભગ 40 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવી ગયો. એ વખતે પાકિસ્તાને શક્સગામ ખીણ વિસ્તાર તેના બાપનો માલ હોય એ રીતે ચીનને આપી દીધો હતો.

પાકિસ્તાને 1947માં જમ્મુ અને કાશ્મીરમાં આશરે 83 હજાર ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર ગેરકાયદે અને બળજબરીથી કબજો જમાવ્યો હતો. પીઓકે, ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતના વિસ્તારો બથાવીને બેઠેલા પાકિસ્તાને આ સીમા કરાર હેઠળ, શક્સગામ ખીણની 5180 ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી દીધેલી જ્યારે બાકીની જમીન પોતાની પાસે રાખી.

ચીન અક્સાઈ ચીન તો બથાવીને બેઠેલું જ ને પાકિસ્તાને વધારાની જમીન આપી તેથી ભારતનો લગભગ 42 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ચીનના કબજામાં છે. આ પૈકી મોટો વિસ્તાર અક્સાઈ ચીનનો છે. 1947માં ભારત અસ્તિત્વમાં આવ્યું ત્યારે અક્સાઈ ચીનનો પ્રદેશ કોનો તેની કોઈ સ્પષ્ટતા નહોતી. અંગ્રેજોએ ભારત અને ચીન વચ્ચેની સરહદ નક્કી ના કરી તેના કારણે આ પ્રદેશ વિવાદાસ્પદ હતો. દેશ આઝાદ થયો ત્યારે ભારતે અક્સાઇ ચીન કાશ્મીર રાજ્યનો ભાગ હોવાનો દાવો કરેલો પણ ચીને અક્સાઈ ચીન પોતાના ઝિન્જીયાન્ગ પ્રાંતનો હિસ્સો હોવાનું જાહેર કરીને તેના પર કબજો કરી લીધો.

નહેરુ દમ વિનાના હતા તેથી ચીનને રોકી ના શક્યા તેમાં અક્સાઈ પણ આપણે ખોયું. ચીને પચાવી પાડેલા તિબેટ અને ઝિન્જીયાન્ગને જોડતા અક્કસાઈ ચીનમાં ચીને રસ્તો બનાવ્યો તેમાં 1962માં ભારત-ચીન યુદ્ધ થઈ ગયેલું. આ યુદ્ધમાં આપણે ખરાબ રીતે હાર્યા પછી અક્સાઈ ચીન પાછું લેવાની રહીસહી આશા પણ જતી રહી. અક્સાઈ ચીનના વિવાદમાં પાકિસ્તાન તો પહેલેથી ચિત્રમાં નહોતું છતાં 1965માં પાકિસ્તાને ચીન તરફ મિત્રતાનો દાવો કરીને આ વિસ્તાર પર ચીનના કબજાને માન્ય રાખ્યો છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનની નજીક આવેલો અક્સાઈ ચીન 37,244 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. મીઠાની સપાટ ભૂમિનો વિશાળ રણપ્રદેશ ધરાવતું અક્સાઈ ચીન સમુદ્ર સપાટીથી આશરે 5,000 મીટરની ઊંચાઇએ છે. આ પ્રદેશમાં મોટા ભાગે આદિવાસીઓની વસતી છે. બર્ફીલી પહાડીઓ પરનો વિસ્તાર હોવાથી બહુ લોકો રહેતાં નથી અનેે છૂટાછવાયા સંખ્યાબંધ સ્થાનિક આદિવાસીઓના કબિલા છે. ચીને કબજો કર્યો પછી પોતાના સૈનિકો અને અધિકારીઓને ઠરીઠામ કર્યા છે પણ આદિવાસીઓ અને ચીનાઓની મળીને પણ માંડ દસ લાખની વસતી છે. આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો છે તેથી ચીન ત્યાં મોટા પ્રમાણમાં બાંધકામ કર્યા જ કરે છે. આપણે શક્સગામની વાત કરીએ છીએ પણ અક્સાઈ ચીન વિશે તો કશું બોલતા જ નથી.

ચીને ભારતનો મોટો વિસ્તાર કબજો કર્યો તેમાં હાલની નરેન્દ્ર મોદી સરકારનો વાંક નથી. રાહુલ ગાંધી ચીને ભારતનો મોટો પ્રદેશ 2020 પછી કબજે કર્યો હોવાના દાવા કરે છે પણ સત્તાવાર રીતે આ વાતનો સ્વીકાર કરાતો નથી તેથી તેની વાત માંડવાનો મતલબ નથી. ચીને જે પ્રદેશ બથાવ્યો એ નહેરૂના સમયમાં બથાવેલો તેથી નહેરૂ જ તેના માટે દોષિત ગણાય પણ નહેરૂ પછી આવેલી સરકારોએ આ પ્રદેશો પાછો મેળવવા કશું ના કર્યું તેથી એ લોકો પણ નહેરૂની જમાતના જ કહેવાય. તેમાં ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, ડો. મનમોહનસિંહ, નરેન્દ્ર મોદી સહિતના બધા વડા પ્રધાનો આવી ગયા. નહેરુ ચીનને કબજો કરતાં રોકી ના શક્યા ને તેમના પછીના વડા પ્રધાનો ચીને લુખ્ખાગીરી કરીને ચીને બથાવી પાડેલું એ પાછું ના મેળવી શક્યા.

આપણે અક્સાઈ ચીન, પીઓકે, શક્સગામ ખીણ સહિતના મુદ્દે સમયાંતરે નિવેદનો ફટકારીએ છીએ પણ તેનાથી આગળ કશું કરતા નથી કેમ કે આપણામાં ચીન સામે ભિડાવાની તાકાત નથી. આપણું આર્મી મરદની ભાષા બોલે છે પણ ખાલી આર્મીના મર્દાના મિજાજથી કશું ના થાય. શાસકો મરદ જોઈએ તો આપણો પ્રદેશ પાછો મળે. કમનસીબે અત્યાર લગી આ દેશને એવા મરદ કોઈ વડા પ્રધાન મળ્યા નથી. બલકે એવા વડા પ્રધાનો મળ્યા કે જેમની પાસે કમ સે કમ પાકિસ્તાન પાસેથી તો કાશ્મીરનો પ્રદેશ પાછો મેળવવાની તક હતી જ પણ એ તકને ના ઝડપી શક્યા. 1965, 1971 અને 1999ના યુદ્ધમાં આપણે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે કાશ્મીરના કંકાસનો કાયમી નિવેડો લાવી દેવાની તક હતી જ પણ આપણા શાસકો દુનિયાના દાદા જેવા દેશો સામે ઝૂકી ગયેલા તેમાં કાશ્મીર પાછું ના આવ્યું. હમણાં ઓપરેશન સિંદૂર વખતે પણ આપણે પાકિસ્તાનને હરાવી રહ્યા હતા એવા દાવા કરાયા છે એ જોતાં તક હતી જ પણ આપણે અકારણ યુદ્ધવિરામ સ્વીકારીને એ તક રોળી નાંખી.

હવે ભવિષ્યમાં એવી તક આવશે એ ખબર નથી ને ચીનની વધી રહેલી તાકાતને જોતાં ચીનને તો આપણે પડકારી શકીએ એવી સ્થિતિમાં જ ક્યારેય આવી શકીશું કે કેમ તેમાં જ શંકા છે. આ સંજોગોમાં પીઓકે હોય કે શક્સગામ ખીણ, આપણે નિવેદનબાજીથી વધારે કશું કરી શકીએ એવું લાગતું નથી.

આપણ વાંચો:  સામ્યવાદી ચીનાઓની પરોણાગત, ભાજપ કરે એ લીલા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button