એકસ્ટ્રા અફેર: આસામમાં બાંગ્લાદેશી સૈનિકોની ઘૂસણખોરી, બધાં કેમ ચૂપ?
-ભરત ભારદ્વાજ
બાંગ્લાદેશમાં શેખ હસીનાને ભગાડી દીધા પછી બેફામ બનેલા કટ્ટરવાદીઓ હિંદુઓની હત્યાઓ કરી રહ્યા છે, અમાનવીય અત્યાચારો કરી રહ્યા છે અને હિંદુ મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. ભારતની કહેવાતી હિંદુવાદી સરકાર હિંદુઓની કત્લેઆમ રોકવા કશું કરી નથી રહી.
તેના કારણે બાંગ્લાદેશીઓની હિંમત એ હદે વધી ગઈ છે કે, બાંગ્લાદેશી સૈનિકો ભારતની સરહદમાં ઘૂસીને હિંદુઓને ધમકાવી ગયા, રીતસરની લુખ્ખી દાદાગીરી કરીને હિંદુ મંદિરનું નિર્માણ બંધ કરાવી દીધું.
આપણી સરહદની સુરક્ષાની જવાબદારી જેમના માથે છે એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ્સ ઓફ બાંગ્લાદેશ (બીજીબી)ના સૈનિકોને ભારતમાં ઘૂસતાં તો રોકી ના જ શક્યા પણ આઘાતજનક વાત એ છે કે, તેમણે લૂલો બચાવ કર્યો છે કે આ ઘટનામાં કશું અસામાન્ય નથી. ભારત તરફ દુશ્મનાવટ રાખતા દેશના સૈનિકો આપણી સરહદમાં ઘૂસી જાય એ ઘટના સામાન્ય કહેવાય ?
આસામમાં ભાજપના હિમંત બિસ્વ સરમાની સરકાર છે. બાંગ્લાદેશી સૈનિકો ભારતની સરહદમાં ઘૂસી ગયા પછી પોલીસને પણ જાણ કરાઈ હતી પણ પોલીસે પણ તમાશો જોઈ રહેવા સિવાય કંઈ ના કર્યું. આસામના વહીવટીતંત્રે પણ આ ઘટના ક્ધફ્યુઝનના કારણે સર્જાયેલી એવું કહીને વાતનો વીંટો વાળી દીધો.
આ આઘાતજનક ઘટના આસામની શ્રીભૂમિ જિલ્લાની છે. શ્રીભૂમિ જિલ્લાની ૯૪ કિમી સરહદ બાંગ્લાદેશને અડીને આવેલી છે, તેમાંથી ૪૩ કિમી વિસ્તાર નદી કિનારો છે. આ વિસ્તારમાં કુશિયારા નદી એ બંને દેશો વચ્ચેની સરહદ રેખા છે અને નદીની બંને બાજુએ ૧૫૦ મીટરનો વિસ્તારનો લેન્ડ એરિયા જાહેર કરાયેલો છે. મતલબ કે, વિસ્તાર કોઈની માલિકીનો નથી તેથી ભારત અને બાંગ્લાદેશ બંનેના સૈનિકોએ આ વિસ્તારમાં જતા પહેલાં એકબીજાની પરવાનગી લેવી પડે છે.
Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?
બાંગ્લાદેશના સૈનિકો આ પ્રોટોકલની ઐસીતૈસી કરીને ૫ ડિસેમ્બરે નદી પાર કરીને આસામમાં પ્રવેશ્યા હતા. બાંગ્લાદેશના સિલહેટ ડિવિઝનના જકીગંજ પોઈન્ટ પર તૈનાત બીજીબી સૈનિકોની એક ટીમ નદી પાર કરીને શ્રીભૂમિમાં પ્રવેશી અને ભારતના વિસ્તારમાં નદી કિનારે જંગલ રોડ પર સ્થાનિક લોકો મા મનસા દેવીના પ્રાચીન મંદિરનો ર્જીણોદ્ધાર કરી રહ્યા હતા તે અટકાવી દીધું.
બીજીબીએ કામદારોને ધમકાવીને રવાના કરી દીધા. મંદિરની સંચાલન સમિતિએ ઘૂસણખોરી અંગે બીએસએફને જાણ કરતાં બીએસએફની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી. બીએસએફના જવાનોએ બીજીબી જવાનોને સ્પષ્ટ રીતે કહ્યું કે, આ મંદિર નો મેન લેન્ડથી દૂર ભારતના વિસ્તારમાં બંધાઈ રહ્યું છે તેથી બાંગ્લાદેશને તેના વિશે બોલવાનો કોઈ અધિકાર નથી,
બાંગ્લાદેશના સૈનિકો આ વાતને ઘોળીને પી ગયા ને ત્યાં જ ઊભા રહ્યા. કલાકોની રકઝક પછી બીએસએફ અને બીજીબીના અધિકારીઓએ મીટિંગ કરી પછી માંડ માંડ એ લોકો પાછા ફર્યા. એ પછી મંદિરનું નિર્માણ પાછું શરૂ થયું અને હાલ મંદિરનું નિર્માણ બીએસએફની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે પણ આ ઘટનાના પગલે આસામમાં છેલ્લા ત્રણ દિવસથી તણાવ છે.
ભાજપના નેતા આ મામલે બિલકુલ ચૂપ છે. કૉંગ્રેસના રાહુલ ગાંધીને જ્યોર્જ સોરોસ સાથે કનેક્શન છે એવું સાબિત કરીને ગૌતમ અદાણીની દલાલી કરવામાં પડેલ ભાજપના નેતાઓને બાંગ્લાદેશી સૈનિકો ભારતની સરહદમાં ઘૂસીને ભારતીયોને ધમકાવી જાય તેમાં કશું વાંધાજનક નથી લાગતું.
વિદેશની કોઈ સંસ્થા અદાણી સામે કંઈ કરે તો તેમને દેશની સુરક્ષા સામે ખતરો લાગવા માંડે છે ને અહીં બાંગ્લાદેશના સૈનિકો દેશની સરહદ ઓળંગીને આપણી સરહદમાં ઘૂસી ગયા તો તેમને કોઈ ફરક પડતો નથી. આ કેવો દેશપ્રેમ કહેવાય એ જ નથી સમજાતું.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના એક સિનિયર અધિકારીએ પણ વાહિયાત વાત કરીને કહ્યું કે, આ અસામાન્ય પ્રયાસ નથી. બંને દેશોનાં સીમા સુરક્ષાદળો એકબીજા સાથે વાત કરતા રહે છે. નદી અહીંની સરહદ છે તેથી તેનો અડધો ભાગ બીજીબી દ્વારા અને અડધો બીએસએફ દ્વારા આવરી લેવામાં આવ્યો છે. બંને તરફના સૈનિકોને કંઈપણ અસામાન્ય દેખાય ત્યારે અમે એકબીજાની સરહદમાં શું ચાલી રહ્યું છે તેના વિશે પૂછપરછ કરીએ છીએ.
આ વખતે એ લોકો ભારતીય વિસ્તારમાં બાંધકામ વિશે વાત કરવા માગતા હતા અને અમે ચર્ચા દ્વારા મૂંઝવણ દૂર કરતાં આ વાતનો અંત આવી ગયો.
આ વાત અત્યંત હાસ્યાસ્પદ છે કેમ કે આ ઘટનામાં બીજીબીએ બીએસએફ સાથે વાત કરી નથી પણ સીધા નદી ઓળંગીને ભારતની સરહદમાં ઘૂસી ગયા છે. આ રીતે ભારતની સરહદમાં ઘૂસવાનો તેમને કોઈ અધિકાર નથી એવું વલણ અપનાવીને ભારતે કમ સે કમ તેની સામે આકરો વાંધો લેવો જોઈતો હતો પણ તેના બદલે અહીં તો કશું જ ના બન્યું હોય એવું વર્તન કરાઈ રહ્યું છે.
આસામની ભાજપની હિમંત બિસ્વ સરમા સરકારના અધિકારીઓ પણ આવી બકવાસ વાતો જ કરી રહ્યા છે. શ્રીભૂમિ જિલ્લાના જિલ્લા કમિશનર પ્રદિપ કુમાર દ્વિવેદીના કહેવા પ્રમાણે, આંતરરાષ્ટ્રિય સરહદે મંદિરના પુન:નિર્માણના સ્થળની નજીક કાળા રંગનું પ્લાસ્ટિક કવર લગાવાયું હતું ને તેના કારણે બાંગ્લાદેશી સૈનિકોના મનમાં ક્ધફ્યુઝન પેદા થયું હતું. દ્વિવેદી સાહેબના કહેવા પ્રમાણે, આ માત્ર મૂંઝવણનો વિષય હતો અને તે ચર્ચા પછી ઉકેલાઈ ગયો હતો.
Also read: એકસ્ટ્રા અફેર : મહારાષ્ટ્ર-ઝારખંડ બંનેમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર
બાંગ્લાદેશી સૈનિકોના મનમાં ક્ધફ્યુઝન પેદા થયું એટલે ભારતની સરહદમાં ઘૂસી આવ્યા એ દલીલ બાયલાગીરીને ઢાંકવા માટે બરાબર છે પણ ગળે ઊતરે એવી નથી. ભારતની સરહદમાં કાળા રંગનું પ્લાસ્ટિકનું કવર લગાવાય કે ભગવો ઝંડો ફરકાવાય, બાંગ્લાદેશી સૈનિકોને તેની સાથે કંઈ લેવાદેવા નથી.
આપણા પ્રદેશમાં શું કરવું એ આપણો અધિકાર છે ને તેની તપાસ કરવા બાંગ્લાદેશી સૈનિકોને આપણા વિસ્તારમાં ઘૂસવા દેવા એ નપુંસકતા કહેવાય. આ નપુંસકતાનો બચાવ કઈ રીતે થઈ શકે ?
ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો અત્યારે અત્યંત તણાવપૂર્ણ છે. બાંગ્લાદેશની હાલની સરકાર ભારત અને ભારતીયોને દુશ્મન ગણીને જ વર્તી રહી છે ત્યારે આ પ્રકારની હરકતોને ભારતે સહન ના કરવી જોઈએ. ભારતની ચૂપકીદીનો અર્થ કાયરતા છે ને એ જોઈને બાંગ્લાદેશીઓની હિંમત વધશે, ભવિષ્યમાં આ પ્રકારની ગુસ્તાખીઓ પણ વધશે.
કમનસીબે કેન્દ્ર સરકાર આ મુદ્દે સાવ મૌન છે. આપણી સરહદની સુરક્ષા જેવા ગંભીર મુદ્દે પણ લોકોને સ્પષ્ટતા કરવાની ફરજ નથી એમ માનીને જાણે કશું બન્યું જ ના હોય એ રીતે વર્તી રહી છે.