એકસ્ટ્રા અફેરઃ સરકારમાં પગાર વધવાની સાથે એકાઉન્ટિબિલિટી પણ નક્કી થવી જોઈએ | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સરકારમાં પગાર વધવાની સાથે એકાઉન્ટિબિલિટી પણ નક્કી થવી જોઈએ

ભરત ભારદ્વાજ

નરેન્દ્ર મોદી સરકાdરે અંતે સરકારી કર્મચારીઓ માટેના આઠમા પગાર પંચને રચનાને સત્તાવાર અને વિધિવત મંજૂરી આપી દીધી. મોદી સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત જાન્યુઆરી 2025 માં કરી હતી પણ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી સહિતની ઔપચારિકતાઓ બાકી હતી. આ ઔપચારિકતા પૂરી કરીને સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના પ્રમુખપદે 8 સભ્યોના પગાર પંચની રચનાને લીલી ઝંડી આપી દીધી છે.

આ પગાર પંચ 18 મહિનામાં ભલામણો સાથેનો રિપોર્ટ સરકારને સોંપશે. સરકાર આ ભલામણો સ્વીકારીને ક્યારથી તેનો અમલ શરૂ કરવો એ નક્કી કરશે પણ પગારવધારાનો અમલ પાછલી અસરથી થશે. મતલબ કે, અમલ ગમે ત્યારે શરૂ થાય પગાર વધારો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થઈ જશે.

વાસ્તવિક અમલ અને સૈદ્ધાંતિક અમલ વચ્ચે જે પણ ગાળો હશે એ દરમિયાનનું એરિયર્સ એટલે કે પગાર તફાવત કઈ રીતે આપવો તેનો નિર્ણય સરકાર કરશે પણ મોટા ભાગે એકાદ વરસની અંદર એરિયર્સ મળી જતાં હોય છે એ જોતાં 2028ની શરૂઆત થાય ત્યાં સુધીમાં મોટા ભાગે એરિયર્સ મળી જવાં જોઈએ પણ 2029માં લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે આ નિર્ણય એકાદ વરસ પાછો ઠેલાઈ શકે છે. મતલબ કે, 2029ના જાન્યુઆરી સુધીમાં પાકે પાયે નવું પગાર ધોરણ પણ અમલી બની જશે અને કર્મચારીઓને પગાર તફાવત પણ મળી જશે.

લોકસભાની 2029ની ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓને ઘી-કેળાં થઈ જશે તેમાં મીનમેખ નથી કેમ કે ભાજપને 2024નો અનુભવ પાકો છે. મોદી સરકાર 2019ની ચૂંટણી જીત્યા પછી સરકારી કર્મચારીઓ માટે હવે પછી નવું કોઈ પગાર પંચ નથી જ લાવવું એવું વલણ અપનાવીને બેઠી હતી.

કર્મચારીઓના પગારના કારણે સરકારના માથે બહુ બોજ આવે છે તેથી નવું પગાર પંચ લાવવામાં નહીં જ આવે એવાં નિવેદનો મોદી સરકારના મંત્રીઓ છડેચોક આપતા હતા. ભાજપના નેતાઓને એમ જ હતું કે, હિંદુત્વનો ઉન્માદ પેદા કરીને બહુ સરળતાથી ચૂંટણી જીતી લેવાય છે પછી કર્મચારીઓને પગાર વધારો આપવાની શું જરૂર? ભાજપના વલણથી નારાજ સરકારી કર્મચારીઓએ ભાજપ વિરોધી મતદાન કર્યું અને લોકસભાની 2024ની ચૂંટણીમાં 240 બેઠકો મળી પછી ભાજપના નેતાઓની સાન ઠેકાણે આવી ગઈ.

ચૂંટણીનાં પરિણામોના વરસમાં તો મોદી સરકારે સરકારી કર્મચારીઓને ખુશ કરવા નવા પગાર પંચની રચનાની જાહેરાત કરવી પડી અને 2026થી તેનો અમલ કરવાની ચોખવટ પણ કરી નાખી કે જેથી સરકારી કર્મચારીઓને એવું ના લાગે કે, સરકાર ગાજર લટકાવીને ઉલ્લુ બનાવી રહી છે. સરકારી કર્મચારીઓનો ભરોસો પાછો જીતવા ને વધારે તો તેમના વોટ માટે હવે ભાજપ સરકાર કોઈ ચાન્સ નહીં લે. આ કારણે 2029ની લોકસભા ચૂંટણી પહેલાં આઠમા પગાર પંચનો અમલ નક્કી છે.

આઠમા પગાર પંચના અમલથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે કેમ કે તેમના પગાર વધી જશે. આ પગાર વધારો કેટલો હશે તેનો આધાર પગાર પંચની ભલામણો અને સરકાર આ ભલામણો સંપૂર્ણપણે સ્વીકારે છે કે નહીં તેના પર છે પણ અત્યારે આશા છે કે, પગાર લગભગ ડબલ થઈ જશે. નવા પગાર પંચનો અમલ થાય ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જતું હોય છે અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરાય છે. ફિટમેન્ટ ફેક્ટર જે નક્કી થાય એટલા ગણો બેઝિક પગાર થઈ જાય.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ચીનનાં એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યો…

ફિટમેન્ટ ફેક્ટર મોંઘવારી આધારિત હોય છે. સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો તેથી કર્મચારીઓના બેઝિક પગાર લગભગ અઢી ગણા થઈ ગયેલા પણ મોંઘવારી ભથ્થું 70 ટકાની ઉપર પહોંચી ગયેલું ને એ બંધ થઈ ગયેલું તેથી પગાર લગભગ દોઢ ગણો વધેલો. આ વખતે ફિટમેન્ટ 2.86 હશે એવી આશા છે તેથી બેઝિક પગાર 2.86 ગણા થશે. કુલ પગારમાં મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, સિટી કન્વેયન્સ સહિતનાં ભથ્થાં પણ સામેલ હોય છે તેથી બીજાં ભથ્થાં પણ બદલાશે, સામે હાલનું 55 ટકા ડીએ બાદ થઈ જશે તેથી પગાર લગભગ બમણો થઈ જશે એવી આશા છે.

મોદી સરકાર આંકડાની માયાજાળ રચીને ફુગાવો કાબૂમાં હોવાનું ચિત્ર ઊભું કરે છે પણ વાસ્તવમાં મોંઘવારી બેહદ વધી છે. જીવનજરૂરિયાતની ચીજોના ભાવ તો ધીરે ધીરે સામાન્ય માણસની પહોંચની બહાર જ નીકળતા જાય છે. હમણાં મોદી સરકારે જીએસટીમાં ઘટાડાનો મોટો નિર્ણય લીધો.

આ નિર્ણય સરહાનિય છે તેમાં કોઈ શંકા નથી. તેના કારણે સામાન્ય લોકોને બહુ રાહત થઈ ગઈ હોવાનો જબરદસ્ત પ્રચાર કરાયો પણ ખરેખર રાહત થઈ કે કેમ તેમાં શંકા છે કેમ કે ઘણા કેસોમાં જૂનો માલ પડ્યો હોવાના બહાને કરઘટાડાની રાહત ના અપાઈ ને બાકીના કેસોમાં ભાવવધારો કરીને લોકોને લૂંટી લેવાયા.

આ રાહત થોડા ઘણા અંશે થઈ હોય તો પણ તેના કારણે મોંઘવારીની અસર સરભર નથી જ થવાની એ જોતાં સરકારી કર્મચારી હોય કે બીજા પગારદારો હોય, બધાં માટે પગાર વધારો જરૂરી છે. આ સંજોગોમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત થાય તેનાથી આપણે ખુશ થવું જોઈએ અને આ પગાર વધારો શક્ય એટલો જલદી અમલી બને એવી આશા પણ રાખવી જોઈએ પણ સાથે સાથે સરકારી તંત્ર વધારે એકાઉન્ટેબલ બને અને વધારે કાર્યક્ષમ બને એવી પણ આશા છે.

મોદી સરકારે સરકારી તંત્રમાં બેઠેલા લોકોની એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા પણ નક્કી કરવી જરૂરી છે. આપણે ત્યાં સરકારી નોકરી કરનારા લોકોએ શું કામ કરવાનું એ નક્કી હોય છે, તેના માટે દર મહિને તેમને પગાર મળે એ પણ નક્કી હોય છે ને એ પગાર ના મળે તો સરકાર નિષ્ફળ ગઈ છે એવો કકળાટ થઈ જાય પણ સરકારી કર્મચારી કામ ના કરે તો તેને કશું થતું નથી.

સરકારી કર્મચારીઓની એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા નક્કી નથી તેથી સરકારી નોકરિયાત કશું કામ ના કરે તો પણ તેનું કોઈ કશું ઉખાડી શકતું નથી. સરકારી કર્મચારી કામ ના કરે ને લોકોને વણજોઈતા ધક્કા ખવડાવે તો પણ કશું થતું નથી. કોઈ તેનું કશું તોડી શકતું જ નથી.

આપણા આખા સરકારી તંત્રમાં આ સ્થિતિ બધા સ્તરે છે. કર્મચારી હોય કે અધિકારી, એ કંઈ ના કરે તો પણ તેનું કોઈ કશું બગાડી શકતું નથી. આ સ્થિતિ બદલીને દરેક સરકારી કર્મચારીની જવાબદેહિતા નક્કી કરવાની છે. ખાનગી ક્ષેત્રમાં કર્મચારીએ પરફોર્મ કરવું પડે છે એ રીતે સરકારી ક્ષેત્રમાં પણ કર્મચારી કે અધિકારીએ પરફોર્મ કરવું જ પડે એવો કાયદો સરકારે લાવવો જોઈએ.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : સરફરાઝ મુસ્લિમ હોવાના કારણે ટીમમાં પસંદ નથી થતો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button