એકસ્ટ્રા અફેર : ‘પુષ્પા 2’ના વિવાદના કારણે અલ્લુની ઈમેજને ફટકો પડ્યો જ છે
- ભરત ભારદ્વાજ
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને નવા નવા રેકોર્ડ બનાવીને ભારતના ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે બીજી તરફ ફિલ્મના પ્રીમિયરમાં થયેલા મહિલાનાં મોતનો વિવાદ પણ આગળ વધી રહ્યો છે.
આ મહિલાના મોતના સંદર્ભમાં રવિવાર હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અલ્લુ અર્જુનના ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો પણ સિકયુરિટી અને પોલીસે તેમને ઘૂસવા ન દીધા તો ઘરની બહાર તોડફોડ કરીને સંતોષ માન્યો.
આ વિદ્યાર્થીઓએ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની માગણી કરી છે.
‘પુષ્પા 2’ન કારણ અલ્લુ અર્જુન અત્યારે દેશભરમાં છવાયેલો છે તેથી આ ઘટનાને જોરદાર મીડિયા કવરેજ મળ્યું છે એ કહેવાની જરૂર નથી. અર્જુનન ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ ચમકી ગયા અને ચેનલો પર આવી ગયા. પોલીસે આ કેસમાં 8 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી પણ તેમને જામીન પર છોડી મુકાયા છે. વિદ્યાર્થીઓએ મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયા વળતર ના અપાય તો ફરી અલ્લુ અર્જુનના ઘરે હલ્લાબોલ કરવાની ચીમકી આપી છે.
અલ્લુ અર્જુન શું કરશે એ ખબર નથી પણ સંધ્યા થિયેટરમાં મહિલાના મોતના મુદ્દે જે રીતે દર અઠવાડિયે કંઈક ને કંઈક ધમાધમી થયા કરે છે એ જોતાં આ બધું ‘પુષ્પા 2’ ફિલ્મની પબ્લિસિટીનો ભાગ તો નથી ને એવી શંકા જાગે છે.
અલ્લુ અર્જુનની ટીમે જ વિદ્યાર્થીઓને અલ્લુના ઘર ધમાલ કરવા મોકલ્યા હોય એવી શક્યતા નકારી ના શકાય કેમ કે આ ધમાલ પછી અલ્લુ અર્જુન ફરી રીતે લોકોની સહાનુભૂતિ મેળવી શકે છે. એક તો તેના ફેન્સને એવું લાગે કે, અલ્લુની સંડોવણી જ નથી એવા કેસમાં તેને બલિનો બકરો બનાવાઈ રહ્યો છે ને બીજું મહિલાના પરિવારને વધારે વળતર આપીને અલ્લુ હીરો બની શકે.
અલ્લુ અર્જુને મહિલાના પરિવારને પહેલાં જ 25 લાખ રૂપિયા આપી દીધા છે ને હજુ બીજા 75 લાખ આપવાની માગણી થઈ રહી છે. અલ્લુ અર્જુન માલદાર પાર્ટી છે અને ‘પુષ્પા 2’માં કમાણી કરીને વધુ માલદાર બન્યો છે એ જોતાં એ કદાચ મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયા વળતર તરીકે આપી દે ને વિદ્યાર્થીઓએ ફરી અલ્લુ અર્જુનના ઘરે હલ્લાબોલ કરવાની જરૂર ના પડે એવું બને. ‘પુષ્પા 2’ ના ચાલી હોત તો પણ અલ્લુ અર્જુન માટે 1 કરોડ રૂપિયા મોટી રકમ નથી એ જોતાં એ મહિલાના પરિવારને વળતરની માગણી સ્વીકારી શકે.
આ માગણી સ્વીકારે એટલે અલ્લુની સારા માણસ તરીકેની ઈમેજ મજબૂત થાય ને તેનો લાભ ‘પુષ્પા 2’ ફિલ્મને મળે. આ ગણતરીથી અલ્લુના ઘરે ધમાલ કરાવાઈ હોય એ શક્ય છે.
‘પુષ્પા 2’એ એક જ અઠવાડિયામાં 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો હતો અને માત્ર 8 દિવસના અંતે 1086 કરોડ રૂપિયાનો બંપર વકરો કરીને ‘પુષ્પા 2’એ નવો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે એ પછી ફિલ્મ ઢીલ પડી છે અને છેલ્લા નવ દિવસમાં બીજો લગભગ 425 કરોડનો વકરો કરીને 17 દિવસમાં 1510 કરોડ રૂપિયાની કમાણી પર પહોંચી છે.
ભારતના ફિલ્મ ઈતિહાસની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ આમીર ખાનની દંગલ છે. 1914 કરોડ રૂપિયાની કમાણી સાથે ‘દંગલ’ આ યાદીમાં ટોપ પર છે. ‘પુષ્પા 2’એ ‘દંગલ’ને પછાડીને ભારતના ફિલ્મ ઈતિહાસની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બનવું હોય તો બીજા 400 કરોડ કરતાં વધારે કમાણી કરવી પડે.
‘પુષ્પા 2’એ શઆતમાં ભલે જબરદસ્ત કમાણી કરી હોય પણ પહેલા 8 દિવસમાં ‘દંગલ’ની કમાણીના અડધો રસ્તે જ પહોંચી હતી. કોઈ પણ ફિલ્મ સમય જાય તેમ ઢીલી પડી જાય છે અને ‘પુષ્પા 2’ના કિસ્સામાં પણ એવું થઈ જ રહ્યું છે કેમ કે પહેલા 8 દિવસમાં કરી તેનાથી અડધી કમાણી પણ બીજા 8 દિવસમાં થઈ નથી.
આ હિસાબે તો દંગલને પછાડવામાં કદાચ બીજો મહિનો જોઈએ ને હવે ફિલ્મો એટલી ચાલતી નથી. શાહરૂખ ખાનની પઠાણ અને જવાન બંનેએ શરૂઆતમં ધડાધડ કમાણી કરી લીધેલી પણ પછી 1000 કરોડ રૂપિયાના આંકડા પર પહોંચીને ઠપ્પ થઈ ગઈ.
‘પુષ્પા 2’ના કિસ્સામાં પણ એવું બની શકે કેમ કે બીજી ફિલ્મોની જેમ તેની પણ પાયરેટેડ પ્રિન્ટ ઈન્ટરનેટ પર આવી ગઈ છે તેથી લોકો ડાઉનલોડ કરીને મફતમાં મોબાઈલ પર કે લેપટોપ પર કે સ્માર્ટ ટીવી પર જોઈ રહ્યા છે. તેના કારણે જ બીજા અઠવાડિયામાં ફિલ્મનો વકરો ઘટવા માંડ્યો છે. આ કલેક્શન સાવ ઘટી જાય એ પહેલાં પબ્લિસિટી સ્ટંટ કરીને અલ્લુ અર્જુનની તરફેણમાં સહાનુભૂતિનું મોજું ઊભું કરવા પબ્લિસિટી સ્ટંટ કરાયો હોય એ શક્ય છે.
જો કે પબ્લિસિટી સ્ટંટ હોય કે ના હોય પણ આ ઘટનાને જે રીત ચગાવાઈ તેના કારણે અલ્લુ અર્જુનની ઈમેજને ફટકો પડ્યો જ છે. અલ્લુ અર્જુને પોતે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું કે, પુષ્પા 2ના પ્રીમિયરમાં હૈદરાબાદમાં થયેલી નાસભાગ માટે મને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે અને કેટલાક લોકો જાણીજોઈને મારું ચારિત્ર્ય હનન કરી રહ્યા છે. હું ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી છું અને મેં જે સન્માન અને વિશ્વસનીયતા મેળવી હતી તે એક જ દિવસમાં નાશ પામી છે. આ કારણે હું અપમાનિત થયો હોઉં એવું અનુભવી રહ્યો છું.
અલ્લુની વાત ખોટી નથી કેમ કે આ ઘટનામાં ટોચના રાજકારણીઓ અલ્લુ વિરોધી નિવેદનો આપી રહ્યાં છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ શનિવારે વિધાનસભામાં કહ્યું કે અલ્લુ અર્જુન બેદરકાર હતો અને મોતની માહિતી મળવા છતાં થિયેટરમાંથી બહાર ન આવ્યો અને રોડ શો કર્યો હતો. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અને એઆઈએમઆઈએના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ તો ત્યાં સુધી કહ્યું કે, અલ્લુ અર્જુનને નાસભાગ અને મહિલાના મૃત્યુ વિશે માહિતી આપવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે હવે ફિલ્મ હિટ થશે.
આ પણ વાંચો …શાહિદની દીકરીને જોઈને ચાહકોએ કહ્યું માતાની કોપી…
અલ્લુ અર્જુન ખરેખર એ રીતે વર્તેલો કે બોલેલો એ કોઈને ખબર નથી પણ આ પ્રકારની વાતો કોઈ પણ વ્યક્તિ માટે અણગમો પેદા કરતી હોય છે. અલ્લુ માટે પણ લોકોના મોટા વર્ગને અણગમો થયો હોય એ શક્ય છે.