એકસ્ટ્રા અફેર: અમદાવાદ પ્લેન ક્રેશ, પાઇલટ્સને બલિના બકરા બનાવાશે?

-ભરત ભારદ્વાજ
અમદાવાદમાં લગભગ એક મહિના પહેલાં તૂટી પડેલું એર ઇન્ડિયાનું વિમાન કેમ તૂટી પડ્યું તેનાં કારણોની તપાસ કરનારી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટના કારણે બખેડો થઈ ગયો છે કેમ કે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પ્રાથમિક રિપોર્ટમાં દોષનો ટોપલો પાઇલટ્સ પર ઢોળી દીધો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના 15 પાનાના પ્રારંભિક રિપોર્ટમાં એવું તારણ કઢાયું છે કે, પાઇલટે એન્જિનને ફ્યુઅલ આપતી સ્વિચ બંધ કરી દીધેલી તેથી એન્જિન બંધ પડી ગયું અને વિમાન તૂટી પડ્યું.
આ સ્વિચ અજાણતાં બંધ થઈ જાય એવી હોતી નથી પણ તેને ખેંચીને બંધ કરવી પડે છે તેથી આડકતરી રીતે પાઇલટે જાણી જોઈને આ સ્વિચ બંધ કરીને આપઘાત કર્યો ને પોતાની સાથે વિમાનના પ્રવાસીઓ તથા મેડિકલ કોલેજની હોસ્ટેલના નિર્દોષ લોકોને પણ લઈ મર્યો એવું રિપોર્ટ કહે છે. 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ બી.જે. મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે ટકરાતાં 241 પ્રવાસી સાથે કુલ 270 લોકોનાં મોત થયાં હતાં. ભારત સરકારની હવાઈ અકસ્માતોની તપાસ કરતી સંસ્થા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને આ ઘટનાની તપાસ સોંપાઈ હતી. આ સંસ્થાએ ગયા શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો.
આ રિપોર્ટના કારણે વિવાદ થવાનું સૌથી મોટું કારણ એ છે કે, વિમાન બનાવનારી કંપની બોઈંગ કે એર ઈન્ડિયાનો કોઈ વાંક જ ના હોય એ પ્રકારની વાતોની તેમાં ભરમાર છે. માત્ર ને માત્ર પાઇલટની ભૂલે જ 270 લોકોનો જીવ લીધો હોય એવું રિપોર્ટનું તારણ છે. તેના કારણે કેન્દ્રીય ગૃહ સચિવના પ્રમુખપદ હેઠળની આ સમિતિ મોટી કંપનીઓને ક્લીન ચિટ આપીને પાઇલટ્સને બલિના બકરા બનાવીને ભીનું સંકેલવા મથી રહી હોવાની છાપ ઊભી થઈ છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ અને એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ તો આ રિપોર્ટ સામે વાંધો લીધો જ છે પણ એવિએશન સેક્ટરના નિષ્ણાતો પણ આ રિપોર્ટને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. પાઇલટ્સનાં એસોસિએશનનું કહેવું છે કે, સરકારી તપાસ ટીમમાં કોઈ અનુભવી પાઇલટ્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને અધિકારીઓએ ઓફિસમાં બેસીને રિપોર્ટ બનાવી દીધો છે. આ દુર્ઘટનામાં પહેલાંથી જ પાઇલટ્સની ભૂલને કારણે અકસ્માત થયો હોવાનું ચિત્ર ઊભું કરવા પ્રયત્ન કરાઈ રહ્યો છે ને એ પ્રમાણે જ રિપોર્ટ બનાવાયો છે તેથી આ રિપોર્ટને સાચો ન માની શકાય.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર: બિહારમાં મતદાર સુધારણા, પંચે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું
એવિએશન સેક્ટરના નિષ્ણાતોએ રિપોર્ટની ચોક્કસ બાબતો તરફ આંગળી ચીંધીને આ રિપોર્ટને બકવાસ ગણાવ્યો છે. નિષ્ણાતોનો એક મત એ છે જ કે, આ તપાસ સમિતિમાં કોઈ અનુભવી પાઇલટ્સ જ નથી તેથી ખરેખર પ્લેનની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ વાત જ ધ્યાનમાં નથી લેવાઈ.
તપાસ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) ની માર્ગદર્શિકા અનુસાર થવી જોઈતી હતી અને તેમાં તપાસ સમિતિમાં અનુભવી પાઇલટ્સનો પણ સમાવેશ થવો જોઈએ એવું સ્પષ્ટ લખેલું છે. આ સંજોગોમાં તપાસ ટીમમાં એવા પાઇલટનો સમાવેશ થવો જોઈતો હતો કે જેમને બોઇંગ 787 અથવા કમ સે કમ બોઈંગ 737 વિમાનનું સંપૂર્ણ જ્ઞાન હોય પણ એવો કોઈ પાઇલટ્સ જ સમિતિમાં નથી.
કેન્દ્ર સરકારે ભલે કહ્યું કે, સરકારે કહ્યું કે આ તપાસ ICAO ના નિયમો અને 2017 ના એરક્રાફ્ટ અકસ્માત તપાસ નિયમો હેઠળ હાથ ધરવામાં આવી રહી છે પણ ખરેખર તપાસ એ નિયમો હેઠળ થઈ નથી. આ તપાસ સમિતિનું નેતૃત્વ ગૃહ સચિવ કરી રહ્યા છે અને તેમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે પણ એ અધિકારીઓ પ્લેનના નિષ્ણાત નથી તેથી તેમના રિપોર્ટને વિશ્વસનીય ના માની શકાય.
રિપોર્ટમાં બે પાઇલટ્સની વાતનો ઉલ્લેખ છે. કો-પાઇલટ્સ ક્લાઇવ કુંદર વિમાન ઉડાડી રહ્યા હતા જ્યારે કમાન્ડર સુમિત સભરવાલ આ ઉડાન માટે ‘પાઇલટ્સ મોનિટરિંગ’ હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, એક પાઇલટ્સ બીજા પાઇલટ્ને સવાલ કરે છે કે, તેણે ફ્યુઅલ સ્વિચ કેમ બંધ કરી ? બીજા પાઇલોટ જવાબ આપે છે કે, મેં ફ્યુઅલ સ્વિચ બંધ કરી નથી.
રિપોર્ટમાં માત્ર આટલી જ વાતચીતનો ઉલ્લેખ છે. તેની આગળપાછળની કોઈ વાતચીતનો ઉલ્લેખ નથી એ શંકાસ્પદ છે. સમિતિએ પાઇલટ્સની આખી વાતચીત મૂકવી જોઈએ કે જેથી બંને પાઇલટ્સ કયા સંદર્ભમાં વાત કરે છે એ સ્પષ્ટ થાય પણ તેના બદલે સોશિયલ મીડિયા પર વપરાતી ટ્રિક્સ વાપરીને સીલેક્ટિવ વાતચીત મૂકી દેવાઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પાઇલટ્સ વિમાનની સ્થિતિ અંગે પહેલા કરેલી ફરિયાદ કે બીજી કોઈ વાત કરી રહ્યા હશે એવી શક્યતા નકારી ના શકાય. એ વાતચીત કાપી નંખાઈ તેનો અર્થ એ થયો કે દાળમાં કંઈક કાળું છે.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર: ભાજપના લાભાર્થે ચિરાગ નીતીશનો ખેલ બગાડી શકે
આ શંકા કરવા માટે નક્કર કારણો પણ છે. AAIB ના અહેવાલ પ્રમાણે જ AI-171 કોડ સાથે લંડન જતી એર ઇન્ડિયા ડ્રીમલાઇનરે તૂટી પડ્યા પહેલાં દિલ્હીથી અમદાવાદ સુધીની છેલ્લી સફળ ઉડાન ભરી હતી. ઉડાન પછી તરત જ પાઇલટે “STAB POS XDCR’ નામનું ટેકનિકલ એલર્ટ નોંધાવ્યું હતું. આ એલર્ટનો અર્થ એ છે કે, વિમાનનું સંતુલન તપાસતું સેન્સર નિષ્ફળ ગયું છે.
આ સેન્સર પ્લેનના હોરિઝોન્ટલ સ્ટેબિલાઇઝર (પિચ બેલેન્સ જાળવનાર પાછળની પાંખ)ની સ્થિતિ જણાવે છે. આ સેન્સર નિષ્ફળ જાય તો ઓટોપાઇલટ, પિચ કંટ્રોલ અને સ્ટોલ પ્રોટેક્શન વગેરે મહત્ત્વની સિસ્ટમો ખોટા આદેશો આપવાનું શરૂ કરે છે. પાઇલટે વિમાન ટેક-ઓફ કર્યું ત્યારે એ ભૂલના કારણે ગરબડ થઈ હોવાની શક્યતા તો છે જ પણ મોટો સવાલ એ છે કે, આ ખામી દૂર કરાઈ હતી કે નહીં ? રિપોર્ટમાં તેનો ઉલ્લેખ નથી અને ફ્યુઅલ સ્વિચની પારાયણ જ કરાઈ છે.
આ રિપોર્ટ શંકાસ્પદ છે ને તેમાં મોટી કંપનીઓને છાવરવાની ખોરી દાનત દેખાઈ જ રહી છે. બોઈંગ અને એર ઈન્ડિયા સહિતની દુર્ઘટના સાથે સંકળાયેલી કંપનીઓ પાસે કરોડો રૂપિયા છે. સામે પાઇલટ્સ બિચારા ગુજરી ગયા છે અને તેમનો કોઈ વાંક નહોતો એવું સાબિત કરનારું કોઈ નથી એ જોતાં બધો દોષનો ટોપલો તેમના પર ઢોળી દેવાય એ શક્ય છે. પ્રારંભિક રિપોર્ટમાં તેનો તખ્તો તૈયાર કરી દેવાયો છે ને અંતિમ રિપોર્ટ એ જ લાઈ પર બનાવીને આખી વાતનું ફીંડલું વાળી દેવાય એવું બને.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર: કેજરીવાલે કર્યો એ ભ્રષ્ટાચાર, રેખા મેડમ કરે એ ખર્ચ?