એકસ્ટ્રા અફેર : અમેરિકા સામે લડવા નક્કર સ્ટ્રેટેજી, મજબૂત ટીમ જોઈએ

-ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક ફટકો મારીને ભારતથી અમેરિકા જતા માલ પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટે પચીસ ટકા ટેરિફ લાદ્યો હતો. ગુરુવાર ને 7 ઓગસ્ટથી આ ટૅરિફ લાગુ થયો છે ને તેની શું અસર થશે તેનો ફફડાટ આખા દેશમાં છે ત્યારે જ ટ્રમ્પે વધારાનો 25 ટકા ટૅરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર મતું મારી દેતાં ભારતના માલ પર કુલ 50 ટકા ટૅરિફ થઈ ગયો છે. ટ્રમ્પનો નવો ફતવો 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટથી અમલમાં આવવાનો છે તેથી 27 ઓગસ્ટથી ભારતના માલ પર ટૅરિફ વધીને 50 ટકા થઈ જશે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં દાવો કરાયો છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રમ્પનો નિર્ણય ભારત માટે આંચકાજનક છે કેમ કે તેના કારણે ભારતને આર્થિક રીતે મોટો ફટકો પડશે. સાથે સાથે આ નિર્ણય ભારતીયોની આંખ ઉઘાડનારો પણ છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી એવી ફિશિયારીઓ મરાય છે કે, દુનિયામાં ભારતનો દબદબો વધ્યો છે અને ભારત ‘વિશ્ર્વગુરૂ’ બની ગયું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પની કહેવાતી દોસ્તીની વાતોનો પણ એટલા જ જોરશોરથી મારો ચલાવાયેલો. આ વાતોનો સતત મારો ચાલ્યા કરે છે તેના કારણે લોકો એવા મિથ્યાભિમાનમાં રાચતા થઈ ગયેલા કે, ટ્રમ્પ ગમે તેટલા ફૂંફાડા મારે પણ ભારતને કંઈ નહીં કરી શકે.
મોદીના સમર્થકો તો એવા કેફમાં જ હતા કે, મોદી સાથેની ભાઈબંધીના કારણે ટ્રમ્પ દુનિયાના બીજા દેશોની મેથી ભલે મારે પણ ભારતને તો કંઈ જ નહીં કરે. ટ્રમ્પે આ બધી વાતોનો છેદ ઉડાવીને ભારતને ઉપરાછાપરી બે ફટકા મારીને બધો કેફ ઉતારી દીધો છે. ટ્રમ્પના ફતવા પછી કોઈ દેશ ભારતની તરફેણમાં બોલવા માટે મેદાનમાં નથી આવ્યો. તેના પરથી સ્પષ્ટ છે કે, ભારત એવો ‘વિશ્ર્વગુરુ’ છે કે જેનો કોઈ શિષ્ય નથી.
મહત્ત્વની વાત પાછી એ છે કે, ટ્રમ્પ ચીનને કશું કરતા નથી ને ભારતની જ બજાવ્યા કરે છે. ચીન પણ રશિયા સાથે વ્યાપાર કરે જ છે ને અમેરિકાની ધમકીને ઘોળીને પી ગયું છે પણ ટ્રમ્પે ચીન સામે કમ સે કમ અત્યાર લગી કોઈ પગલાં લેવાની જાહેરાત કરી નથી ને ભારતને લપેટી લીધું છે. ટ્રમ્પે પહેલાં ચીન પર ટૅરિફના વાર કરીને દબાવવા માટે મથામણ કરી જોઈ પણ ચીન ગાંઠ્યું નહીં એટલે ટ્રમ્પ ચીન સામે હથિયાર હેઠાં મૂકીને ભારતની બજાવીને દુનિયા પર પોતાની દાદાગીરી હજુય ચાલે છે એ સાબિત કરવા નીકળી પડ્યા છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ શિબુ સોરેન અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનો પર્યાય
ટ્રમ્પને પાછો ભારત પર 50 ટકા ટૅરિફથી ધરવ નથી એટલે હજુ બીજાં પગલાંની પણ ધમકી આપીને કહ્યું છે કે, રશિયા સાથે વેપાર સંબંધો રાખનારા ભારત સહિતના દેશો સામે હજુ ‘સેક્ધડરી સેંક્શન’ લાદવામાં આવશે. સેક્ધડરી સેંક્શનનો મતલબ એ થયો કે, અમેરિકા ભારત પર સીધા કોઈ પ્રતિબંધ નહીં લાદે પણ રશિયા સાથેના વ્યાપારમાં સામેલ અમેરિકાની કંપનીઓ અને બૅંકો સામે કડક કાર્યવાહી કરશે. તેના કારણે અમેરિકાની કંપનીઓ અને બૅંકો ભારતથી અંતર રાખતી થઈ જાય એટલે ભારતને ફટકો પડે. ટૂંકમાં ભારત પર સીધા પ્રતિબંધો નહીં લાદીને ‘સેક્ધડરી સેંક્શન’ લાદીને ટ્રમ્પ આપણું નાક દબાવવા માગે છે, આપણને આર્થિક ફટકો મારવા માગે છે.
ટ્રમ્પના ટૅરિફ વાર પછી આપણા ભારત સરકારે સત્તાવાર રીતે સાવચેતીભર્યો સૂર કાઢીને આ ટેરિફને અન્યાયી, અયોગ્ય અને અતાર્કિક ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે ટ્રમ્પની એકને ગોળ ને એકને ખોળની નીતિની વાત કરીને રશિયા સાથે વ્યાપાર કરનારા બીજા દેશોને અમેરિકા કશું કહેતું નથી ને ભારત પર ટૅરિફ લાદે છે એ વાત પર ભાર મૂક્યો છે. આ વાત બરાબર છે પણ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાવ કોમિક વાત કરી નાખી છે.
મોદીનું કહેવું છે કે, ભારત પોતાના માછીમારો અને ખેડૂતોનાં હિતો મુદ્દે કોઈ સમાધાન નહીં કરે. મોદીના કહેવા પ્રમાણે, મને ખબર છે કે, મારે આ ટૅરિફના કારણે અંગત રીતે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે પણ હું તૈયાર છું. મોદીની વાત હાસ્યાસ્પદ છે. ટ્રમ્પના ટૅરિફની કિંમત દેશ ચૂકવશે, મોદીએ અંગત રીતે શું કિંમત ચૂકવવાની છે કે જેના માટે મોદી તૈયાર છે? મોદી આડકતરી રીતે ટ્રમ્પ સાથેની દોસ્તીનું બલિદાન આપવા પોતે તૈયાર છે એવો ઈશારો કરી રહ્યા છે કે બીજું કંઈ કહી રહ્યા છે? ખબર નથી પડતી કેમ કે અમેરિકા સાથેના વ્યાપાર સંબંધોમાં અંગત રીતે મોદીનું શું દાવ પર લાગેલું છે એ આપણને ખબર નથી.
મોદી ટ્રમ્પ સાથેની દોસ્તીની દુહાઈ આપી રહ્યા હોય તો વાત સાવ હાસ્યાસ્પદ કહેવાય કેમ કે ટ્રમ્પે તો વારંવાર સાબિત કર્યું છે કે, પોતે કોઈના દોસ્ત નથી. જેના નાણાંથી ચૂંટણી લડ્યા ને પ્રમુખપદે બેઠા પછી જેને વાઈટ હાઉસમાં રાખેલો, જેનાં છોકરાંને ટ્રમ્પ રમાડતા એ એલન મસ્કને ટ્રમ્પે છ મહિના થતાં પહેલાં ખંખેરી નાખ્યો તો મોદી સાથે તો એવી ગાઢ મિત્રતા કદી હતી જ નહીં. મોદી સાથેના જે પણ સંબંધો હતા એ બે દેશના વડાના હતા. બાકી ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી હાર્યા પછી ચાર વરસ લગી બેસી રહ્યા ત્યારે એ દોસ્તી કદી દેખાયેલી ખરી?
ખેર, ભારત માટે મહત્ત્વની વાત મોદીએ શું કહ્યું એ નથી પણ હવે પછી શું કરવું એ છે. ટ્રમ્પના 50 ટકા ટૅરિફના કારણે ભારતને આર્થિક રીતે ફટકો પડશે તેમાં બેમત નથી. આ નુકસાન કઈ રીતે સરભર કરી શકાય એ હવે વિચારવું પડે. ભારત માટે નાકનો પણ સવાલ છે. આપણે અમેરિકાના ઓશિયાળા નથી, ટ્રમ્પની ખૈરાત પર નથી જીવતા એ સાબિત કરવું પણ ભારત માટે જરૂરી છે. તેના માટે નક્કર વ્યૂહરચના બનાવવી પડે, જોરદાર ટીમ ઊભી કરવી પડે કેમ કે કોઈ રેંજીપેંજી દેશ સામે નથી લડવાનું પણ અમેરિકા સામે લડવાનું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન કે વિદેશ મંત્રી એસ. જયશંકર જેવા સૂંઠના ગાંગડે ગાંંધી થયેલા ના ચાલે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ પ્રજ્વલ રેવન્નાને જનમટીપ, શિકારી ખુદ યહાં શિકાર હો