એકસ્ટ્રા અફેરઃ પુતિન-ટ્રમ્પ વચ્ચે સમાધાનથી ભારતને પણ રાહત થાય

ભરત ભારદ્વાજ
અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાતનો તખ્તો તૈયાર થઈ ગયો. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટેની ચર્ચા કરવા ટ્રમ્પ અને પુતિન અમેરિકાના અલાસ્કામાં 15 ઓગસ્ટે મળવાના છે. અલાસ્કાના સૌથી મોટા શહેર અથવા અન્ય કોઈ સ્થળે બંને મળશે. બંનેની મુલાકાત ક્યાં થશે એ જાહેર કરાયું નથી પણ મુલાકાતનો એજન્ડા યુક્રેન યુદ્ધની સમાપ્તિ હશે એ નક્કી છે. આ ચર્ચામાં યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી હાજર રહેશે કે નહીં એ પણ નક્કી નથી પણ મોટા ભાગે ઝેલેન્સ્કીને પણ નોંતરવામાં આવશે એવું લાગે છે.
ટ્રમ્પ અને પુતિનની સીધી મંત્રણાના કારણે લાંબા સમયથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધની સમાપ્તિનો આશાવાદ તો ઉભો થયો જ છે પણ રશિયા અને અમેરિકા વચ્ચે સમાધાન થાય તો દુનિયામાં પણ શાંતિ થાય. ટ્રમ્પ રશિયા સાથેના સંબંધોના બહાને દુનિયાની મેથી મારતા બંધ થાય એ મોટો ફાયદો હશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે દુનિયાનાં સમીકરણ બગાડી નાખ્યાં છે. આ સમીકરણો પણ સરખાં થવા માંડશે ને દુનિયામાં સ્થિરતા આવશે.
મીડિયાના એક વર્ગે એવું ટાઢા પહોરનું ગપ્પું ચલાવ્યું છે કે, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)ના કારણે પુતિને અલાસ્કાની પસંદગી કરી છે. આઈસીસીએ યુક્રેન પર આક્રમણ માટે પુતિનને વોર ક્રિમિનલ જાહેર કર્યા છે તેથી પુતિન અમેરિકામાં જાય તો તેમની ધરપકડ થઈ શકે છે. અલાસ્કા રશિયાથી નજીક હોવાથી રશિયન આર્મી ગમે ત્યારે અલાસ્કા પહોંચી જઈ શકે છે અને પુતિનની ધરપકડ ના થવા દે એટલે અલાસ્કાની પસંદગી કરાઈ છે.
અલાસ્કાનો રશિયા સાથેનો સંબંધ બે સદીઓથી વધુ જૂનો છે અને એક સમયે અલાસ્કા રશિયાનો જ ભાગ હતું એ સાચું છે. રશિયન સામ્રાજ્યે 18મી સદીમાં અલાસ્કા કેટલાક ભાગોમાં શોધખોળ શરૂ કરીને વસાહત સ્થાપી હતી અને ફરના બિઝનેસનું સેન્ટર બનાવીને બિઝનેસ સેન્ટર બનાવ્યાં હતાં. જો કે 30 માર્ચ, 1867ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયાએ સંધિ કરીને અલાસ્કા અમેરિકાને આપી દીધું હતું. તેના બદલામાં અમેરિકાએ રશિયાને 72 લાખ ડોલર ચૂકવ્યા હતા.
આ ઐતિહાસિક તથ્ય છે કે જેને કોઈ નકારી ના શકે પણ પુતિન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસથી ડરીને અલાસ્કામાં મળવા તૈયાર થયા છે એ વાત વાહિયાત છે. તેનું કારણ એ કે, અમેરિકા તો આઈસીજેનું સભ્ય જ નથી તેથી પુતિનની ધરપકડ કરવામાં તેને રસ જ નથી. આઈસીસી રોમ કરાર હેઠળ કામ કરે છે પણ ઘણા દેશો આઈસીસીના સભ્ય નથી તેથી તેની સત્તા બહુ મર્યાદિત છે. ભારત આઈસીસીનું સભ્ય નહીં હોવાથી ભારતમાં આઈસીસીની સત્તા નથી ચાલતી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ શિબુ સોરેન અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનો પર્યાય
અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ આઈસીસીના સભ્ય નથી તેથી ત્યાં પણ આઈસીસીની સત્તા ચાલતી નથી. યુકે સહિતના યુરોપના દેશો આઈસીસીના સભ્ય છે તેથી ત્યાં તેની સત્તા ચાલે પણ અમેરિકામાં તેના વોરંટની બજવણી કરવાનો સવાલ જ પેદા થતો નથી.
જો કે આમ પણ આઈસીસી કાગળ પરનો વાઘ છે. નામથી ભલે મોટું ને તાકાતવર સંગઠન લાગે પણ આઈસીસીની કોઈ હૈસિયત જ નથી. દુનિયાના દેશોએ ભેગા મળીને બનાવેલી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)નું હેડક્વાર્ટર કોર્ટને દુનિયાના 124 દેશો દ્વારા માન્યતા અપાઈ છે. રોમ સંધિ હેઠળ બધા દેશ તેના આધિપત્યને સ્વીકારે છે. આઈસીસીના સભ્ય દેશ દ્વારા આઈસીસીના વોરંટનો અમલ ના કરાય તો આઈસીસી સાથે સંકળાયેલા દેશો તેના પર આર્થિક પ્રતિબંધો લાદી શકે છે પણ એવા પ્રતિબંધોની કોઈ અસર હવે થતી નથી.
નેધરલેન્ડસના હેગમાં છે અને ત્યાંથી તેનું કામકાજ ચાલે છે પણ કોઈ તેને ગણકારતું નથી. 1998માં બનેલી આઈસીસી માનવતા વિરુદ્ધના અત્યાચારો, જીનોસાઈડ એટલે કે કોઈ સમાજનું નિકંદન કાઢી નાંખવા કરાતા હત્યાકાંડ, યુધ્ધ સમયના અપરાધો, આક્રમણ વગેરે અપરાધો કેસ કરે છે અને ધરપકડ વોરંટ બહાર પાડે છે. કોઈ પણ દેશના વડાઓ કે ઉચ્ચ અધિકારીઓ સામે કેસ ચલાવાતી દુનિયાની એક માત્ર કોર્ટ છે પણ હજુ સુધી કોઈ દેશના વડાને સજા કરી નથી.
આ કોર્ટ મોટી કંપનીઓ તથા સંગઠનો સામે પણ કેસ ચલાવી શકે છે પણ કોઈ તેને ગણકારતું નથી. આઈસીસીએ યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે બે વર્ષ પહેલાં ધરપકડ વોરંટ બહાર પાડેલું પણ પુતિન મજાથી ફરે છે ને અલાસ્કામાં પણ મોજથી આવશે. અમેરિકા પણ પુતિનને વાટાઘાટો માટે બોલાવીને ધરપકડ કરે એટલું મૂરખ નથી. ટ્રમ્પ બેવકૂફ છે પણ પુતિનની ધરપકડનાં શું પરિણામ આવે તેની સમજ ના હોય એટલા બેવકૂફ નથી તેથી આઈસીસીના કારણે અલાસ્કાની પસંદગી થઈ એ વાત બકવાસ છે.
ટ્રમ્પ અને પુતિનની વાટાઘાટો સફળ થાય અને અમેરિકા-રશિયા હાથ મિલાવે એ ભારતના પણ ફાયદામાં છે. ટ્રમ્પે અમેરિકામાં જતા ભારતના માલસામાન પર 25 ટકા ટેરિફ લાદ્યો છે ને ભારત રશિયા સાથે ક્રૂડ ઓઈલ સહિતની ચીજોનો વ્યાપાર કરે છે એ બહાને વધારાનો 25 ટકા ટૅરિફ ઠોકી દીધો છે. તેના કારણે ભારતની નિકાસને મોટો ફટકો પડવાનો જ છે. 25 ટકા ટૅરિફનો અમલ શરૂ થઈ ગયો છે પણ રશિયા સાથે વ્યાપાર બદલ લદાયેલી 25 ટકા પેનલ્ટી ટૅરિફનો અમલ 28 ઓગસ્ટથી શરૂ થવાનો છે. 15 ઓગસ્ટે પુતિન અને ટ્રમ્પની મુલાકાતનું હકારાત્મક પરિણામ આવે તો ટ્રમ્પ આ 25 ટકા વધારાની ટૅરિફનો અમલ ના કરાવે એવું શક્ય છે.
આશા રાખીએ કે એવું જ થાય, ટ્રમ્પના ટૅરિફ વૉરના કારણે ભારતને થનારું નુકસાન બહુ મોટું હશે પણ 25 ટકા ટૅરિફ ઘટે તો પણ થોડી ઘણી રાહત તો થશે જ. ટ્રમ્પ રશિયા સાથે વ્યાપાર બદલ ભારત પર સેક્ધડરી સેંક્શન્સ એટલે કે આડકતરા પ્રતિબંધો લાદવાની પણ વાતો કરી રહ્યા છે. આડકતરા પ્રતિબંધો લદાય એટલે ભારત અને રશિયાના વ્યાપારમાં મદદ કરતી અમેરિકા કે બીજા દેશોની કંપનીઓ, બૅન્કો વગેરે પણ ઝપટે ચડે. ટ્રમ્પની ધમકીના કારણે તેમનામાં ફફડાટ છે જ પણ સેક્ધડરી સેંક્શન્સ ના લદાય એટલે તેમને પણ રાહત થાય, ભારત સાથે ધંધો કરવામાં કે નાણાકીય વ્યવહારો કરવામાં વાંધો ના આવે.
ટ્રમ્પ ભારત પર લાદેલા ટેરિફના મુદ્દે લાંબું ખેંચી શકવાના નથી એ નક્કી છે પણ રશિયા સાથેના સંબંધો સુધરે તો તેના કારણે પણ ટ્રમ્પ પર દબાણ આવશે. પુતિન પણ ભારત સહિતના રશિયા સાથે વ્યાપાર કરતા દેશોને રાહત મળે એ માટે પ્રયત્ન કરશે તેથી અમેરિકા-રશિયા વચ્ચે સમાધાન થઈ જાય એ જરૂરી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ પ્રજ્વલ રેવન્નાને જનમટીપ, શિકારી ખુદ યહાં શિકાર હો