એકસ્ટ્રા અફેર

કેજરીવાલ ફરતે નવા કેસનો ગાળિયો તૈયાર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હી લિકર સ્કેમમાં જેલની હવા ખાઈ રહેલા અરવિંદ કેજરીવાલ નવી મુસીબતમાં ફસાય એવાં એંધાણ છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ અરવિંદ કેજરીવાલે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘શિખ ફોર જસ્ટિસ’ પાસેથી ફંડ લીધું હોવાના આક્ષેપોની તપાસ નેશનલ ઈન્વેટિગેશન એજન્સી (NIA) દ્વારા કરાવવાની ભલામણ કરતાં કેજરીવાલ માટે નવો કાનૂની ટંટો ઊભો થવાનાં એંધાણ છે.

કેજરીવાલ સામે તપાસનો તખ્તો ભાજપના ઈશારે ગોઠવાયો છે એ કહેવાની જરૂર નથી કેમ કે આ તપાસની ભલામણ કોઈ સરકારી એજન્સી તપાસમાં બહાર આવેલાં તથ્યોના આધારે નથી કરાઈ પણ એક સંસ્થાની ફરિયાદના આધારે કરાઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને વર્લ્ડ હિંદુ ફેડરેશન નામની સંસ્થાના રાષ્ટ્રીય મહામંત્રી આશુ મોંગિયા તરફથી ફરિયાદ મળી હતી કે જેમાં આક્ષેપ કરાયો છે કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)એ ૨૦૧૪થી ૨૦૨૨ની વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી જૂથો પાસેથી ૧.૬૦ કરોડ ડૉલર એટલે કે લગભગ ૧૪૦ કરોડ રૂપિયા લીધા હતા.

ફાંસીની સજા થતાં જેલમાં બંધ ખાલિસ્તાનવાદી આતંકવાદી દેવિન્દર પાલ ભુલ્લરને મુક્ત કરાવવા માટે કેજરીવાલે આ નાણાં લીધાં હોવાની ફરિયાદના આધારે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ કેજરીવાલ સામે તપાસની ભલામણ કરી નાંખી છે. દેવિન્દર પાલ સિંહ ભુલ્લર ૧૯૯૩ના દિલ્હી બોમ્બ વિસ્ફોટનો દોષી છે અને અત્યારે અમૃતસર જેલમાં બંધ છે. કેજરીવાલે ૨૦૧૪માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પત્ર લખીને ભુલ્લરની દયાની અરજી સ્વીકારીને માફી આપવા વિનંતી
કરી હતી.

લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ તપાસની ભલામણ કરતા પત્રમાં લખ્યું છે કે એક મેના રોજ વર્લ્ડ હિન્દુ ફેડરેશન ઈન્ડિયાના રાષ્ટ્રીય મહામંત્રી આશુ મોંગિયા દ્વારા ફરિયાદ મોકલવામાં આવી હતી. આ પત્રમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(X) પર આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાર્યકર ડૉ. મુનીશ કુમાર રાયઝાદાએ મૂકેલી કેટલીક પોસ્ટની પ્રિન્ટઆઉટ, એક પત્ર અને પેનડ્રાઈવ હતી.
આશુ મોંગિયાએ તેમની ફરિયાદની સાથે મોકલેલી પેન ડ્રાઈવમાં રહેલા એક વીડિયોનો ઉલ્લેખ કર્યો છે. આ વીડિયોમાં ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુન દાવો કરે છે કે, અરવિંદ કેજરીવાલની પાર્ટીને ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે ખાલિસ્તાની જૂથો પાસેથી ૧.૬૦ કરોડ કરોડનું ફંડિંગ મળ્યું હતું.

પન્નુન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ૨૦૧૪માં કેજરીવાલ ન્યૂ યોર્કના ગુરુદ્વારા રિચમંડ હિલમાં ખાલિસ્તાનવાદી શીખોને મળ્યા ત્યારે વચન આપ્યું હતું કે ખાલિસ્તાનવાદીઓ તરફથી આમ આદમી પાર્ટીને ફંડ મળતું રહેશે તો દેવિન્દર પાલ ભુલ્લરને મુક્ત કરવામાં મદદ કરશે. મુનીશ કુમાર રાયઝાદા ૨૦૧૪માં આમ આદમી પાર્ટીના કાર્યકર હતા. તેમણે ટ્વિટર પર અરવિંદ કેજરીવાલ અને ન્યૂ યોર્કના રિચમંડ હિલ ગુરુદ્વારામાં શીખ નેતાઓ વચ્ચેની બેઠકોના ફોટા મૂક્યા હતા. મુનીશે પોતાના ટ્વીટમાં દાવો કરેલ કે, જાહેરસભાઓ સિવાય કેજરીવાલે આ ગુરુદ્વારામાં ખાલિસ્તાન તરફી શીખ નેતાઓ સાથે ખાનગીમાં મુલાકાત પણ કરી હતી.

કેજરીવાલ સામેની ફરિયાદમાં બીજી પણ ઘણી વાતો છે ને એ બધાની વિગતોમાં પડતા નથી કેમ કે આ વાતોમાં કશું નવું નથી. ગયા મહિને શીખ ફોર જસ્ટિસના ગુરપતવંતસિંહ પન્નુને વીડિયો બહાર પાડીને કેજરીવાલ સામે આક્ષેપો કર્યા ત્યારે આ મુદ્દો ચગેલો જ ને પછી શમી ગયેલો. આ વીડિયોના આધારે જ આશુ મોંગિયા નામના સજ્જને લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ કરી નાંખી ને લેફ્ટનન્ટ ગવર્નર તો અરવિંદ કેજરીવાલ સહિતના તમામ ભાજપ વિરોધી નેતાઓની બજાવવાનું પુણ્યકાર્ય કરવા બેઠા જ છે તેથી તેમણે તાત્કાલિક ગૃહ મંત્રાલયને પત્ર લખીને એનઆઈએ દ્વારા તપાસની ભલામણ કરી નાંખી.

લેફ્ટનન્ટ ગવર્નરને રોજ આવા સેંકડો પત્ર મળતા હશે પણ એ ખોલીને જોવાની તસદી પણ એ નહીં લેતા હોય. લોકો પત્ર લખ્યા પછી શું થયું એ જાણવા માટે ચપ્પલ ઘસી નાંખતા હોય છે છતાં કોઈ સાંભળતું નથી ત્યારે આશુ મોંગિયાએ એક મેના રોજ લખેલો પત્ર લેફ્ટનન્ટ ગવર્નરે વાંચી પણ લીધો ને છઠ્ઠી મેના રોજ લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે ગૃહ મંત્રાલયને સંબોધીને તપાસની ભલામણ કરતો પત્ર પણ લખી નાંખ્યો.

લેફ્ટનન્ટ ગવર્નરે ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી સામેના આ આક્ષેપોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. કેમ કે આ આક્ષેપો મુખ્ય પ્રધાન સામે લગાવવામાં આવ્યા છે. ભારતમાં પ્રતિબંધ આતંકવાદી સંગઠન પાસેથી રાજકીય પક્ષને મળતા ફંડ સાથે તેનો સંબંધ છે તેથી ફરિયાદીએ આપેલા પુરાવાની ફોરેન્સિક સહિત દરેક રીતે તપાસ થવી જોઈએ. ફરિયાદીએ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ આક્ષેપો મૂક્યો છે તેથી તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવે.

કેજરીવાલ સામેના આક્ષેપો સંવેદનશીલ અને ગંભીર છે તેમાં શંકા નથી પણ આક્ષેપોનો આધાર શું છે એ સવાલનો જવાબ મળતો નથી. આખી દુનિયા જોઈ શકે એવી ટ્વિટસ અને ગુરપંતવંત સિંહ પન્નુન જેવા આતંકવાદીનો વીડિયો આ આક્ષેપોનો આધાર છે. પન્નુનને તો ભારત સરકારે પોતે જ આતંકવાદી જાહેર કરેલો છે. મતલબ કે, પન્નુન ભારતનો દુશ્મન છે. હવે આ દેશનો દુશ્મન આ દેશના એક મુખ્ય પ્રધાન સામે આક્ષેપો કરે ને તેને આપણે ગંભીરતાથી લઈએ તેનાથી વધારે હાસ્યાસ્પદ વાત બીજી કોઈ ના કહેવાય.

આ આક્ષેપો આપણી એજન્સીઓ સાવ નકામી છે એવું સાબિત કરે છે. આશુ મોંગિયા નામના સજ્જનના દાવા પ્રમાણે, અરવિંદ કેજરીવાલની પાર્ટીને ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે ખાલિસ્તાની જૂથો પાસેથી ૧.૬૦ કરોડ કરોડનું ફંડ મળ્યું છે. આ સમયગાળા દરમિયાન કેજરીવાલ ખાલિસ્તાનવાદી શીખોને મળ્યા ને તેમની સાથે ખાનગીનાં બેઠકો કરી. આ બધી પ્રવૃત્તિઓ દેશ વિરોધી કહેવાય તેમાં શંકા નથી પણ સવાલ એ છે કે, કેજરીવાલ આણિ મંડળી આ બધી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતી હતી ત્યારે આપણી એજન્સીઓ શું કરતી હતી ? તેમને કેજરીવાલની દેશવિરોધી પ્રવૃત્તિઓની ગંધ સુદ્ધાં કેમ ના આવી? આશુ મોંગિયા કે મુનીશ રાયઝાદા જેવા લોકો કહે ને પછી આ બધી વાતની ખબર પડે તો એજન્સીમાં બેઠેલા લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.
ભુલ્લરની મુક્તિનો સવાલ છે તો તેની મુક્તિ માટે તો અકાલી દળ ખુલ્લેઆમ લડે છે. ભાજપ અને અકાલી દળની સરકાર હતી ત્યારે પણ અકાલી દળે ભુલ્લરની મુક્તિની તરફેણ કરી હતી. ભાજપે એ મુદ્દે અકાલી દળનો સાથ નહોતો છોડ્યો. અકાલી દળે પણ ખાલિસ્તાનવાદીઓ પાસેથી પૈસા લીધા છે? તેની પણ તપાસ કરાવો ને ભાઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button