એકસ્ટ્રા અફેર : ઉપરાષ્ટ્રપતિપદે નાયડુ જેવા તટસ્થ માણસની પસંદગી થવી જોઈએ | મુંબઈ સમાચાર

એકસ્ટ્રા અફેર : ઉપરાષ્ટ્રપતિપદે નાયડુ જેવા તટસ્થ માણસની પસંદગી થવી જોઈએ

-ભરત ભારદ્વાજ

જગદીપ ધનખડે દેશના ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું ધરી દીધું એ મુદ્દે ભરપૂર ચોવટ ચાલી રહી છે અને મીડિયા, સોશ્યલ મીડિયા વગેરેના કહેવાતા નિષ્ણાતો પોતપોતાની રીતે પતંગ ચગાવી રહ્યા છે. કોઈનું કહેવું છે કે, ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ રાજ્યસભામાં ધનખડને અપમાનિત કરી નાખ્યા તેના કારણે લાગી આવતાં ધનખડે રાજીનામું ધરી દીધું તો કોઈ વળી જસ્ટિસ યશવંત વર્મા સામેની ઈમ્પીચમેન્ટ મોશનના મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર સાથે ડખો પડી ગયો તેમાં ધનખડનો વારો પડી ગયો એવા દાવા કરે છે.

ધનખડે સત્તાવાર રીતે તો આરોગ્યના કારણે પોતે સામેથી રાજીનામું ધરી દીધું હોવાનો જ દાવો કર્યો છે પણ બિનસત્તાવાર રીતે ધનખડ પાસે રાજીનામું લખાવી લેવાયું હોવાની વાતો પુરજોશમાં ચાલી રહી છે. જેમના ઘરે આગ લાગી તેમાં ચલણી નોટો બળી ગયેલી એ જસ્ટિસ યશવંત વર્મા સામે મોદી સરકારે લોકસભામાં ઈમ્પીચમેન્ટ મોશન રજૂ કરેલી. મોદી સરકાર રાજ્યસભામાં પણ જસ્ટિસ વર્મા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવવા માગતી હતી પણ સરકાર દ્વારા ઈમ્પીચમેન્ટ મોશન રજૂ કરાય એ પહેલાં વિપક્ષોએ રાજ્યસભામાં રજૂ કરેલી મોશનને ધનખડે સ્વીકારી લીધી.

જસ્ટિસ વર્મા સામે સંસદનાં બંને ગૃહોમાં ઈમ્પીચમેન્ટ મોશન લાવીને નરેન્દ્ર મોદી સરકાર ન્યાયતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને પોતે ચલાવી લેવા તૈયાર નથી એવો સ્પષ્ટ ને કડક મેસેજ આપવા માગતી હતી પણ ધનખડે વિપક્ષની મોશન સ્વીકારીને ભાજપના પ્લાનની હવા કાઢી નાખી તેમાં ભાજપના નેતા ભડક્યા અને ધનખડનું પત્તું કપાઈ ગયું એવી વાતો પણ ચાલી છે. આ વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ ધનખડને સરકાર સાથે કશુંક તો વાંકું પડ્યું જ છે એ નક્કી છે.

ધનખડે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કામ કરેલું ને ઉપરાષ્ટ્રપતિની ઓફિસે ધનખડનો આખા અઠવાડિયાનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધેલો. તેના પરથી સ્પષ્ટ છે કે, ધનખડે રાજીનામું આપવાનું પહેલેથી નક્કી નહોતું કર્યું. ધનખડ રાત્રે અચાનક સવા 9 વાગે રાષ્ટ્રપતિભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાજીનામું આપ્યું એ પણ પહેલેથી કશું નક્કી નહોતું તેનો સંકેત જ છે. આ બધાં કારણોસર ધનખડની વિદાય રહસ્યમય બનેલી છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ધનખડના રાજીનામાનો બહુ વસવસો કરવા જેવો નથી…

ધનખડે આપેલા રાજીનામાને સ્વીકારાયું કે નહીં તેનો ફોડ નહોતો પડાયો તેથી ભાજપ સરકાર તેમને મનાવી લેશે ને ઘીના ઠામમાં ઘી પડી જશે એવી વાતો પણ ચાલી હતી. આ વાતો વચ્ચે ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ કરી દેતાં ધનખડની વિદાય પાકી થઈ ગઈ છે અને હવે તેમને કોઈ મનાવવા નહીં જાય એ પણ નક્કી થઈ ગયું છે. તેના કારણે હવે ભાજપ ધનખડના કારણે ઉપરાષ્ટ્રપતિપદે કોને બેસાડશે તેની અટકળો વહેતી થઈ ગઈ છે. નીતિશ કુમારથી માંડીને શશિ થરૂર સુધીનાં નામો અત્યારે ચાલી રહ્યાં છે પણ આ નામોનો અર્થ નથી.

નરેન્દ્ર મોદી કોથળામાંથી બિલાડું કાઢીને મીડિયાને ભોંઠું પાડવા માટે જાણીતા છે. ભાજપના મુખ્યમંત્રીઓની પસંદગી હોય કે ચૂંટણીમાં ટિકિટો આપવાની વાત હોય, મીડિયા જેમનાં નામ ચલાવે તેમની મોટા ભાગે પસંદગી થતી નથી એ જોતાં મીડિયામાં ચાલતાં નામ પર ચર્ચાનો મતલબ નથી. આમ પણ 60 દિવસમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પતાવવાની હોય છે તેથી ભાજપ કોના પર કળશ ઢોળે છે એ સસ્પેન્સ લાંબો સમય રહેવાનું નથી. ચૂંટણી પંચ મતદાનનો કાર્યક્રમ જાહેર કરશે એટલે ભાજપે નામ નક્કી કરી જ નાખવું પડશે એ જોતાં બહુ રાહ જોવાની નહીં થાય.

ઉપરાષ્ટ્રપતિપદ દેશમાં બીજો સર્વોચ્ચ બંધારણીય હોદ્દો છે એ જોતાં નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતા ભાજપના કોઈ નેતાને જ ઉપરાષ્ટ્રપતિપદે બેસાડવા માગે પણ સંસદનાં સમીકરણોને જોતાં તેમણે નમતું જોખીને સાથી પક્ષના કોઈ નેતાને બેસાડવો પડે એવું બની શકે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો સીધું મતદાન કરતા હોય છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પાસે રાજ્યસભા અને લોકસભાના સભ્યોની કુલ સંખ્યાને ધ્યાનમાં લેવાય તો સ્પષ્ટ બહુમતી છે પણ ભાજપ પાસે લોકસભા અને રાજ્યસભા બંનેમાં સ્પષ્ટ બહુમતી નથી. નીતિશકુમારની જેડીયુ અને ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીના ટેકે આ સરકાર ચાલે છે તેથી બંનેમાંથી કોઈ નાક દબાવીને પોતાના માણસને ઉપરાષ્ટ્રપતિપદે બેસાડવામાં સફળ થઈ જાય એવું બને.

જે થશે એ વાગતું વાગતું સામે આવવાનું જ છે તેથી નામો પર વાત કરવાનો મતલબ નથી પણ કોઈ ગૌરવશાળી વ્યક્તિત્વને આ હોદ્દા પર બેસાડાય તો સારું કેમ કે ધનખડ સાવ નબળા ઉપરાષ્ટ્રપતિ સાબિત થયા હતા. બલ્કે ધનખડે ઉપરાષ્ટ્રપતિપદની ગરિમાને સાવ ઓછી કરી નાખેલી. વિવાદાસ્પદ નિવેદનો અને ખુલ્લેઆમ સરકારની ચાપલૂસી દ્વારા ધનખડે આ હોદ્દાના ગૌરવને ખાસ્સું નુકસાન કરેલું. ધનખડ કોઈ પણ મુદ્દે બોલવા માટે કૂદી પડતા અને પોતે બોલે છે તેની શું અસર પડે છે તેનું તેમને ભાન નહોતું.

ધનખડ સર્વજ્ઞાતા હોય ને પોતે કહેલી વાત સવા વીસ હોય એ રીતે કોઈ પણ મુદ્દે જ્ઞાન વહેંચતા રહેતા. કોઈ રાજ્યના મુખ્યમંત્રી કે સુપ્રીમ કોર્ટની વિરૂધ્ધ બોલવું કોઈ રાજકીય પાર્ટીના નેતાને શોભે પણ ઉપરાષ્ટ્રપતિને ના શોભે એ વાત જ સમજવાની તેમની તૈયારી નહોતી. પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે મમતા બેનરજીની ટીકા કરતા એ રીતે જ ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ ટીકા કરતા. સુપ્રીમ કોર્ટ બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરીને પોતાની ફરજ બજાવી રહી છે એટલી સાદી વાતને પણ ધનખડે રાજકીય રંગ આપીને જે લવારા કર્યા એવા લવારા ભારતના ઈતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિએ નથી કર્યા.

ધનખડના પુરોગામી વેંકૈયાહ નાયડુએ ઉપરાષ્ટ્રપતિપદે ગૌરવ સાથે કામ કરેલું એ સ્વીકારવું પડે. નાયડુએ પાંચ વર્ષ દરમિયાન કોઈ વિવાદ ઊભા નહોતા કર્યા કે આંગળી ચીંધાય એવું કશું નહોતું કર્યું જ્યારે ધનખડને તો સતત ચર્ચામાં રહેવાની ખંજવાળ હતી એટલે ડખા જ કર્યા કરતા. ધનખડ તો મૂળ જનતા દળના હતા ને સત્તા માટે ભાજપના પડખામાં ભરાયેલા જ્યારે નાયડુ ભાજપના પાયાના પથ્થરોમાંથી એક હતા. એ છતાં નાયડુ રાજ્યસભાના ચેરપર્સન તરીકે તટસ્થ રહીને વર્તતા હતા જ્યારે ધનખડ તો પોતે ભાજપને વફાદાર છે એવું સાબિત કરવા સતત મથ્યા કરતા એટલે બિલકુલ પક્ષપાતી વલણ અપનાવતા. ધનખડે કૉંગ્રેસ શાસનમાં 10 વર્ષ સુધી ઉપરાષ્ટ્રપતિ રહેલા હમીદ અંસારીની યાદ અપાવી દીધેલી.

આશા રાખીએ કે, ભાજપ બીજા ધનખડને આ દેશના માથે ના મારે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ભાગવત ગમે તે કહે, ભાજપ પાસે મોદીનો વિકલ્પ જ ક્યાં છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button