એકસ્ટ્રા અફેર : કોલકાત્તાની કોલેજમાં ગેંગ રેપ, તૃણમૂલ હાથ ના ખંખેરી શકે

-ભરત ભારદ્વાજ
પશ્ચિમ બંગાળના કોલકાતાની લો કોલેજમાં વિદ્યાર્થિની પર થયેલી ગેંગ રેપની ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવ્યો છે. કોલેજમાં કામચલાઉ ફેકલ્ટી તરીકે કામ કરતો મોનોજિત મિશ્રા ઉર્ફે મોનોજિત અને બીજા બે વિદ્યાર્થી આ ગેંગ રેપમાં સામેલ છે. આ ત્રણેય પીડિતાને 25 જૂને કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાર્ડ રૂમમાં ઢસડીને લઈ ગયા અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો.
આ ઘટનામાં મુખ્ય આરોપી મનોજીત મિશ્રા 31 વર્ષનો છે અને કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જ્યારે હાલમાં ફેકલ્ટી મેમ્બર છે. મોનોજિત બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ સાથે સંકળલાયેલો હોવાથી રાજકીય રીતે પણ આ મુદ્દો ગરમ છે. જૈબ અને પ્રમિત 20 વર્ષના છે અને હાલમાં કોલેજના વિદ્યાર્થીઓ છે.
કોલકાત્તાની આરજી કાર હોસ્પિટલમાં ગયા વરસે 8 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે એક ટ્રેઈની ડોક્ટર પર રેપ કરીને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ સવારે સેમિનાર હોલમાં ડોક્ટરનો મૃતદેહ મળ્યો પછી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 10 ઓગસ્ટે સંજય રોય નામના સિવિક વોલંટિયરની ધરપકડ કરી હતી.
આ ઘટનાને પગલે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને પશ્ચિમ બંગાળમાં 2 મહિનાથી વધુ સમય સુધી આરોગ્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. અત્યારે બંગાળમાં એવો જ માહોલ છે પણ ફરક એટલો છે કે, રેપનો ભોગ બનેલી વિદ્યાર્થિનીની હત્યા થઈ નથી. વાસ્તવમાં વિદ્યાર્થિનીએ કરેલ લેખિત ફરિયાદના કારણે જ આ ઘટના બહાર આવી અને 4 આરોપીની ધરપકડ થઈ.
કાર હોસ્પિટલની ઘટનામાંથી બોધપાઠ લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા. કોલેજના સીસીટીવીમાં 25 જૂને બપોરે 3:30 વાગ્યે વિદ્યાર્થિનીને ઢસડીને લઈ જવાઈ ત્યાંથી માંડીને રાત્રે 10:50 વાગ્યે તેને જવા દેવાઈ એ બધું દેખાય છે. પીડિત વિદ્યાર્થિનીનો મેડિકલ રિપોર્ટ આવ્યો તેમાં ગેગ રેપ સાબિત થયો છે. પીડિતાના શરીર પર બળજબરી, બચકા ભરવાના અને નખથી ઉઝરડાના નિશાન જોવા મળ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે તેને માર મારવામાં આવ્યો હતો અને બળાત્કાર કરાયો હતો.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી
ભારતમાં મોટા ભાગના રાજકીય પક્ષો પોતાના નેતા કે કાર્યકરોનાં અનૈતિક કૃત્યોની જવાબદારી લેવાના બદલે હાથ ખંખેરીને ઊભા થઈ જાય છે. નેતા કે કાર્યકરની કોઈ ગુનામાં સંડોવણી બહાર આવે કે તરત જ એ પ્રકારનાં નિવેદનો શરૂ થઈ જાય છે કે, અમારે તેની સાથે કંઈ લેવાદેવા નથી. આ પલાયનવાદી માનસિકતા છે કેમ કે નેતાઓને એવું લાગે છે કે, અપરાધ સાથે આપણી પાર્ટીના કાર્યકર કે નેતાનું નામ જોડાશે તો ઈમેજને ફટકો પડશે અને ચૂંટણીમાં માઠાં પરિણામ ભોગવવાં પડશે.
નૈતિક જવાબદારીથી દૂર ભાગવાની આ માનસિકતા આઘાતજનક છે. ખરેખર તો રાજકીય પક્ષોએ આવા કાર્યકર કે નેતાને તેનાં અપકૃત્ય કે કુકર્મોની સજા અપાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, સાબિત કરવું જોઈએ કે પોતે કોઈ પણ પ્રકારના અપરાધ કે ગેરકાનૂની કૃત્યને સમર્થન પણ નથી આપતા કે એવું કરનારને છાવરતા પણ નથી. પોતાના નામનો દુરુપયોગ કરનારને સજા કરાવીને દાખલો બેસાડવો જોઈએ પણ આપણા રાજકીય પક્ષો કરોડરજજુ વિનાના છે એટલે નૈતિક જવાબદારી લેવાની તેમની તાકાત નથી.
તૃણમૂલ કૉંગ્રેસ પણ અત્યારે એ જ કરી રહી છે. લો કોલેજની વિદ્યાર્થિની પર ગેંગ રેપનો આરોપી મોનોજિત મિશ્રાનાં કુકર્મ છાપરે ચડીને પોકાર્યાં પછી તૃણમૂલ કૉંગ્રેસે દાવો કર્યો છે કે તેનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી અને તેણે કડક સજા ભોગવવી પડશે. મોનોજિતનો સોશિયલ મીડિયા પ્રોફાઈલ અલગ જ વાત કરે છે. મોનોજિતના પ્રોફાઇલ મુજબ, મોનોજિત 2017થી પશ્ર્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ, તૃણમૂલ કોલેજ છાત્ર પરિષદના કોલેજ યુનિટનું નેતૃત્વ કરી રહ્યો છે.
વરસોથી આ પ્રોફાઈલ બનાવેલો છે ને તૃણમૂલ કૉંગ્રેસના ધ્યાન પર ના આવ્યો હોય એ શક્ય નથી જ. મોનોજિતને તૃણમૂલ કૉંગ્રેસ સાથે કંઈ લેવાદેવા ના હોય તો અત્યાર લગી પાર્ટીએ કેમ તેની સામે કોઈ પગલાં ના લીધાં ? ભૂતકાળમાં પણ મોનોજિત સામે શારીરિક ઉત્પીડન અને છેડતીની અનેક ફરિયાદો નોંધાઈ હતી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કોની મહેરબાનીથી મોનોજિત અત્યાર સુધી બચતો રહ્યો ? ‘મેંગો’ તરીકે જાણિતા મોનાજિતનો કેજ કેમ્પસમાં ભારે પ્રભાવ હતો અને શિક્ષકો અને ઓફિસ સ્ટાફ પણ તેનાથી ડરતા હતા. આ ડર શાના કારણે હતો ?
મોનોજિત મિશ્રા આ કોલેજમાં સ્ટાફ મેમ્બર તરીકે કામ કરતો હતો અને છોકરાંને ભણાવતો હતો. કોલેજ મેનેજમેન્ટે સ્વીકાર્યું છે કે, મનોજિત મિશ્રાને થોડા મહિના પહેલા કામચલાઉ ફેકલ્ટી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. કાયમી સ્ટાફની અછતને કારણે આ ભરતી કરવામાં આવી હતી એવો મેનેજમેન્ટનો બચાવ છે. સવાલ એ છે કે જેની સામે છેડતી અને શારીરિક ઉત્પીડનની ફરિયાદો થયેલી છે એવી છાપેલા કાટલા જેવી વ્યક્તિને કોના કહેવાથી નોકરી પર રખાયો ?
આ સવાલોના જવાબ સૌને ખબર છે. મોનોજિત તૃણમૂલ કૉંગ્રેસનું પાપ છે તેમાં બેમત નથી. તૃણમૂલના સાંસદ કલ્યાણ બેનર્જીનું નિવેદન તેનો પુરાવો છે. બેનર્જીએ એવું કહેલું કે, કોઈ મિત્ર તેની મિત્ર પર બળાત્કાર કરે તો શું કઈ રીતે સુરક્ષા આપી શકાય ? હવે સ્કૂલોમાં પોલીસ પણ રાખવી પડશે ? બળાત્કાર એક વિદ્યાર્થીએ બીજી વિદ્યાર્થીની પર કર્યો છે. આ સંજોગોમાં પીડિતાની સુરક્ષા કોણ કરી શકે ?
બેનર્જીનું નિવેદન નીચ માનસિકતાની પરાકાષ્ઠા જેવું છે. પહેલી વાત એ કે, મોનોજિત વિદ્યાર્થી નથી ને પીડિતા તેની ફ્રેન્ડ હોય તો પણ કોઈ પણ વ્યક્તિને મિત્ર પર પણ રેપ કરવાનો અધિકાર નથી જ. કોઈ એવી હરકત કરે તો તેને આકરામાં આકરી સજા કરવાની હોય, શું કરી શકાય એમ કહીને હાથ ના ખંખેરી નાખવાના હોય.
સૌથી મહત્ત્વની વાત એ કે, પોલીસ મુકાય તો જ અપરાધ રોકાય એવું હોય તો પછી સરકારની કે બીજા કોઈની જરૂર જ નથી. રાજ્ય સરકારનું કામ જ સુરક્ષાનો માહોલ ઊભો કરવાનું છે. તૃણમૂલ સરકાર એ માહોલ ના ઊભી કરી શકતી હોય તો તેને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર જ નથી.
બેનર્જી જેવો જ બકવાસ બીજા એક ધારાસભ્ય મદન મિત્રાએ કર્યો છે. મિત્રા અને બેનર્જીના બકવાસની તૃણમૂલ કૉંગ્રેસને પણ ખબર પડી જ ગઈ તેથી આ નિવેદનોને અંગત ગણાવીને તૃણમૂલે હાથ ખંખેરી નાખ્યા પણ એ પૂરતું નથી. મોનોજિતને તો આકરામાં આકરી સજા થવી જ જોઈએ પણ બેનર્જી અને મદન જેવા ગમે તેવો બકવાસ કરનારા નેતાઓને પણ લાત મારીને તગેડી મૂકવા જોઈએ. જેમને બહેન-દીકરીઓની સુરક્ષા કે આબરૂના મુદ્દે બોલતાં પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ એ સેન્સ નથી એવા નેતા ના ચાલે. તૃણમૂલ કૉંગ્રેસે આ વાત સાબિત કરવી જોઈએ.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ઈરાન હોરમુઝ ખાડી બંધ કરે તો યુદ્ધ ભીષણ બને…