મનોરંજન

ધનશ્રી સાથેના છૂટાછેડા અને ડેટિંગની અફવાઓ પર યુઝવેન્દ્ર ચહલે તોડ્યું મૌન

મુંબઈ: ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક સમયથી મેદાન પરના પ્રદર્શન કરતા પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ સમાચારોમાં રહ્યો છે. ખાસ કરીને અભિનેત્રી ધનશ્રી વર્મા સાથેના તેના છૂટાછેડાએ સોશિયલ મીડિયા પર અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. લગ્નના ચાર વર્ષ બાદ આ જોડીએ અલગ થવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. તાજેતરમાં ચહલે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના અંગત જીવન અને ટ્રોલિંગ અંગે મોકળા મને વાત કરી છે.

ચહલે એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે તે હવે ધનશ્રી સાથેના છૂટાછેડાના મામલે અટવાયેલો રહેવા માંગતો નથી. તેણે જણાવ્યું કે, “મારી જિંદગીનો એ એક ચેપ્ટર હતું જે હવે પૂરુ થઈ ગયું છે અને હું તેમાંથી બહાર નીકળી ગયો છું. મારે એ બાબતે કોઈ પ્રતિક્રિયા આપીને જૂની વાતોમાં અટવાઈ રહેવું નથી.” ચહલે વધુમાં ઉમેર્યું કે તે અને ધનશ્રી બંને પોતપોતાની જિંદગીમાં ખુશ રહે તે જ સૌથી મહત્વનું છે.

છૂટાછેડા બાદ ચહલનું નામ આરજે અને એક્ટ્રેસ મહવશ સાથે પણ જોડાયું હતું, ખાસ કરીને લંડનનો એક વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેમના રિલેશનશિપની વાતો શરૂ કરી હતી. જોકે, ચહલે આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા કહ્યું કે તે અત્યારે ‘હેપ્પી સિંગલ’ છે અને મહવશ માત્ર તેની મિત્ર છે. સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ અને બોડી શેમિંગ અંગે તેણે કહ્યું કે શરૂઆતમાં આ વાતો તેને અસર કરતી હતી, પણ હવે તેને કોઈ ફરક પડતો નથી. તે ઈન્ટરનેટ પરની નફરતને ગંભીરતાથી લેતો નથી.

રસપ્રદ વાત એ છે કે, અલગ થયા હોવા છતાં આ જોડી ફરી એકવાર સ્ક્રીન પર સાથે જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, ચહલ અને ધનશ્રી નવા રિયાલિટી શો ‘ધ 50’ (The 50) માં સાથે કામ કરી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જો આમ થશે તો ચાહકો માટે આ એક મોટી સરપ્રાઈઝ હશે. અગાઉ ધનશ્રીએ પણ એક રિયાલિટી શોમાં ચહલ પર કેટલાક આરોપો લગાવ્યા હતા, જેની સામે ચહલે અત્યંત સંયમપૂર્વક જવાબ આપ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button