‘ટોક્સિક’ની મિસ્ટ્રી ગર્લ પરથી ઉઠ્યો પડદો: જાણો કોણ છે યશની સાથે જોવા મળેલી આ વિદેશી અભિનેત્રી?

મુંબઈ: કેજીએફના રોકીભાઈ તરીકે જાણીતા બનેલા સાઉથના સુપરસ્ટાર યશનો 8 જાન્યુઆરીના રોજ જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસ પર યશે ફેન્સને સૌથી મોટું સરપ્રાઈઝ મળ્યું હતું. 8 જાન્યુઆરીના રોજ યશે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ટોક્સિક’નું ટિઝર લોન્ચ કર્યું હતું. જે ઘણું રોમાંચક હતું. આ ટિઝરમાં યશ એક અભિનેત્રી સાથે નજરે પડે છે. જેનો ચહેરો અજાણ્યો છે. ત્યારે આ અભિનેત્રી કોણ છે, એવી જાણવાની ઉત્કંઠા ઘણા લોકોમાં જાગી છે. જોકે, હવે ફિલ્મના ડિરેક્ટર ગીતુ મોહમ્મદ અશરફે અભિનેત્રીનો પરિચય આપ્યો છે.
યશ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ કોણ છે?
‘ટોક્સિક’નું ટિઝર થયા બાદ સોશિયલ મીડિયા પર તેમાં યશ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. કેટલાક લોકો તેને હોલીવુડ અભિનેત્રી નતાલી બાયર્ન ગણાવી હતાં, તો વળી કેટલાક તેને સાશા ગ્રે માની રહ્યા હતાં. પરંતુ જ્યારે ‘ટોક્સિક’ ફિલ્મના ડિરેક્ટર ગીતુ મોહમ્મદ અશરફે આ મિસ્ટ્રી ગર્લના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સત્ય કઈ જુદુ જ નીકળ્યું.

ડિરેક્ટર ગીતુ મોહમ્મદ અશરફે ‘ટોક્સિક’નું ટિઝરમાં જોવા મળેલી મિસ્ટ્રી ગર્લને ‘સેમેટ્રી ગર્લ’ એટલે કે કબ્રસ્તાનની છોકરી તરીકે ઓળખાવી છે. જેનું નામ બીટ્રિઝ તૌફેનબેક (Beatriz Taufenbach) છે. જોકે, આ ફિલ્મમાં યશ સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, રુક્મિણી વસંત અને અન્ય જાણીતા કલાકારો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, ‘ટોક્સિક’નું ટિઝર રિલીઝ થતાની સાથે એક તરફ ચાહકો યશના નવા અવતાર અને ગીતુ મોહમ્મદના ડાયરેક્શનના વખાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ટિઝરમાં દર્શાવેલા કેટલાક દૃશ્યોને જોતા એવી ચર્ચા શરૂ થઈ છે કે, આ ફિલ્મ બાળકોને બતાવવી જોઈએ કે નહીં.
આ પણ વાંચો…યશ બર્થડે સ્પેશિયલ: ફિલ્મ ‘ટોક્સિક’ના ટીઝરે મચાવ્યો તરખાટ, માર્ચમાં થશે યશ અને રણવીર સિંહની ટક્કર…



