‘વોર 2’ની નિષ્ફળતાનો મોટો ફટકો: YRFએ જુનિયર એનટીઆરની સ્પાય ફિલ્મ રદ કરી!

યશ રાજ ફિલ્મ્સ (YRF)ની મહત્વાકાંક્ષી સ્પાય યુનિવર્સ યોજનાને ‘વોર 2’ની નબળી કામગીરીથી મોટો ઝટકો લાગ્યો છે. હૃતિક રોશન અને જુનિયર એનટીઆર અભિનીત આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર મોટી સફળતાની અપેક્ષા હતી, પરંતુ તે વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાને પાર કરવામાં નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતાએ YRFને તેની ભવિષ્યની યોજનાઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યું છે, જેમાં એક મહત્વના પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય સામેલ છે.
એજન્ટ વિક્રમ ફિલ્મ રદ
સૂત્રોની જાણકારી પ્રમાણે ‘વોર 2’માં જુનિયર એનટીઆરના એજન્ટ વિક્રમના પાત્ર પર આધારિત એક અલગ ફિલ્મ બનાવવાની YRFની યોજના હતી. મીડિયા અહેવાલ મુજબ, YRF જુનિયર એનટીઆરની પેન-ઇન્ડિયા લોકપ્રિયતાનો લાભ લઈને આ સ્ટેન્ડ અલોન સ્પાઈ ફિલ્મનું આયોજન કર્યું હતું, અને તેની ક્રિયેટીવીટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, ‘વોર 2’ની નિષ્ફળતાને કારણે આ પ્રોજેક્ટને હવે રદ કરવામાં આવ્યો છે.
બોલીવૂડના સૂત્રોના જણાવ્યા મુજબ, YRFના આદિત્ય ચોપરાએ એજન્ટ વિક્રમની ફિલ્મને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે અને આ અંગે જુનિયર એનટીઆર સાથે સીધી વાતચીત કરી છે. એનટીઆરે આ નિર્ણય સાથે સંમતિ દર્શાવી અને YRF સાથે સૌહાર્દપૂર્ણ રીતે અલગ થયા હતા. આ ફિલ્મ એનટીઆરના ‘વોર 2’માં જોડાવા સાથેની એક મુખ્ય શરત હતી, જે આ ઘટનાને વધુ મહત્વની બનાવે છે. ચોપરા હવે સ્પાય યુનિવર્સની નવી દિશા નક્કી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
વોર 2નું બોક્સ ઓફિસ અને ભવિષ્ય
‘વોર 2’એ શરૂઆતમાં સારો પ્રતિસાદ મેળવ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં તેની કમાણી ઘટી ગઈ. ફિલ્મે 12મા દિવસે માત્ર 1.01 કરોડ રૂપિયાની કમાણી કરી, અને તેની ભારતમાં કુલ નેટ કલેક્શન 223.01 કરોડ રૂપિયા રહી. ફિલ્મ હવે થિયેટર પછી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે, જોકે તેની ઓટીટી રિલીઝની તારીખ હજુ જાહેર થઈ નથી. સામાન્ય રીતે બોલીવૂડ ફિલ્મો રિલીઝના છથી આઠ અઠવાડિયા પછી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર આવે છે.
સ્પાય યુનિવર્સનું ભવિષ્ય
YRF હવે આલિયા ભટ્ટ અને શરવરી અભિનીત ‘આલ્ફા’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે ડિસેમ્બર 2025ની આસપાસ રિલીઝ થવાની છે. ‘વોર 2’ની નિષ્ફળતા અને એજન્ટ વિક્રમના સ્ટેન્ડ અલોન સ્યાઈના રદ થવાથી સ્પાય યુનિવર્સની ભવિષ્યની યોજનાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. ઉદ્યોગની નજર હવે આદિત્ય ચોપરા આ ફ્રેન્ચાઇઝીને કઈ દિશામાં લઈ જાય છે તેના પર રહેશે.
આ પણ વાંચો…બૉક્સ ઓફિસ પર રજનીકાંતની આંધી! કુલી ફિલ્મે આટલા કરોડ કમાયા, ‘વોર 2’ પાછળ છૂટી…