Happy Birthday; Yash ડ્રાયવર બાપનો આ દીકરો એક ફિલ્મના કરોડો રૂપિયા લે છે
દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા અભિનેતા હવે પેન ઈન્ડિયા સ્ટાર બની ગયા છે. છેલ્લા થોડા સમયથી દક્ષિણની ફિલ્મોએ આખા ભારતના દર્શકોનું હૃદય જીત્યું છે અને તેમની ફિલ્મો ધૂમ કમાણી કરી રહી છે. આવા જ એક અભિનેતાનો આજે જન્મદિવસ છે, જેની એક ફિલ્મની બે સિક્વલ જ બોલીવૂડના દર્શકોએ જોઈ હશે પણ તેઓ તેમના ફેન બની ગયા છે. આ ફિલ્મ એટલે કેજીએફ (KGF) અને આ સ્ટાર એટલે યશ.
આજે યશનો જન્મદિવસ છે. 8 જાન્યુઆરી, 1986ના રોજ સામાન્ય પરિવારમાં જન્મેલા યશનું મૂળ નામ નવીનકુમાર ગૌડા છે. યશના પિતા બસ ડ્રાયવરનું કામ કરતા હતા અને પુત્રના કલા પ્રત્યેના પ્રેમને જોઈને પિતાએ બેંગલાોરમાં બદલી કરાવી હતી અને યશ ત્યાંથી અભિનયના પાઠ ભણ્યો. જોકે કેજીએફનો આ હીરો પહેલા તો સિરિયલમાં કામ કરતો હતો. તે બાદ તેને 2007માં કન્નડ ફિલ્મ જમ્બદા હુડુગી મળી અને તેનું ફિલ્મી કરિયર શરૂ થયું. તે બાદ તેની મિ. એન્ડ મિસિસ રામચારી ફિલ્મ આવી અને તેને બારે સફળતા મળી. આ સાથે ફિલ્મની હીરોઈન રાધિકા પંડિત સાથે યશને પ્રેમ થયો અને તેઓ પરણી ગયા. હાલમાં બે સંતાન સાથે પરિવારમાં ખુશ છે.
યશ વિશે એક એવી વાત છે જે તમે લગભગ નહીં જાણતા હો અને તે એ છે કે તે એક સારો સિંગર પણ છે. તે ખૂબ સારું ગાઈ છે. આ સાથે યશ ખેડૂતોને મદદ કરવા ખાસ યશોમાર્ગ કરીને એક એનજીઓ ચલાવે છે. કેજીએફ ફિલ્મ બાદ યશનું ફેન ફોલોઈંગ લાખોની સંખ્યામાં વધી ગયું છે. આ ફિલ્મમાં તેની સ્ટાઈલ અને સ્વેગ જોઈને યુવાનો ભારે ઈમ્પ્રેસ થયા હતા. 2018 બાદ યશ એક ફિલ્મ માટે રૂ. 15 કરોડ માગે છે. જોકે તેના પિતાએ હજુ પોતાનું ડ્રાયવર તરીકેનું કામ છોડ્યું નથી. પણ હા દીકરાની આટલી સફળતા જોઈ તેઓ ચોક્કસ ગર્વ અનુભવે છે.
યશ હજુ વધુ ને વધુ યશ મેળવે તેવી તેને જન્મદિવસે શુભેચ્છા…