ભૂલભૂલૈયા-3માં ‘ઓરિજીનલ મંજુલિકા’ જોવા મળશે? વિદ્યાની એન્ટ્રી અંગે મળી આ બ્રેકિંગ ન્યુઝ..
વર્ષ 2022માં મોટા પડદે તથા OTT પર પણ ધમાલ મચાવનારી ‘ભૂલભૂલૈયા-2’ની સફળતા બાદ હવે તેના ત્રીજા ભાગના શૂટિંગની તૈયારી શરૂ થઇ ચુકી છે. આ વર્ષના માર્ચથી શૂટિંગ શરૂ કરીને તેને દિવાળીટાણે રિલીઝ કરવાની નિર્માતાઓની યોજના છે.
અનીસ બઝમીના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં પહેલા બંને ભાગ કરતા વધારે સસ્પેન્સ-ડ્રામા તથા ટ્વિસ્ટ જોવા મળશે. ત્રીજા ભાગમાં પણ હીરો તરીકે કાર્તિક આર્યન જ જોવા મળશે. મીડિયા અહેવાલોનું સાચુ માનીએ તો આ ફિલ્મમાં વિદ્યા બાલન પણ જોવા મળશે, અને આ દ્વારા ફિલ્મમાં ઓરિજીનલ મંજુલિકાનો તરખાટ જોવા મળશે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ફિલ્મમેકર્સ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે પહેલા બંને ભાગોની જેમ ત્રીજો ભાગ પણ સુપરડુપર હિટ થાય. વિદ્યા બાલન પણ ફરીએકવાર મંજુલિકા બનીને દર્શકોનું મનોરંજન કરવા માટે ઉત્સાહિત છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.
જો કે હિરોઇન તરીકે મુખ્ય ભૂમિકા કોણ ભજવશે એ બાબતે હજુ અટકળો લગાવાઇ રહી છે. અમુક રિપોર્ટ્ઝ મુજબ સારા અલી ખાન કાર્તિકની સામે હિરોઇન તરીકે દેખાઇ શકે છે. ‘ભૂલભૂલૈયા-2’માં કાર્તિક આર્યન સામે કિયારા અડવાણીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમાં તબ્બુએ મંજુલિકા અને અંજુલિકાનો રોલ ભજવ્યો હતો, ડબલ રોલમાં તે દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહી હતી.