શા માટે તૂટી હતી સુશાંત-અંકિતાની જોડી? એક્ટ્રેસે પહેલીવાર જણાવ્યું બ્રેકઅપનું કારણ
સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ટીવીજગતના સૌથી લોકપ્રિય કપલમાંના એક હતા. તેમની જોડીને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ટીવી ક્વીન એકતા કપૂરની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર મળ્યા હતા અને આ સિરિયલમાં સાથે કામ કરતાં કરતાં તેમની વચ્ચે નિકટતા વધી હતી. અંકિતા લોખંડેએ સીરિયલ ‘પવિત્ર રિશ્તા’માં ‘અર્ચના’ અને અને સુશાંત સિંહ રાજપૂતે ‘માનવ’ની ભૂમિકા ભજવી હતી. વર્ષો સુધી સાથે કામ કરતી વખતે આ ઓનસ્ક્રીન કપલનો રોમાંસ ક્યારે ઓફસ્ક્રીનમાં ફેરવાઈ ગયો તેની કોઈને ખબર પણ ન પડી.
અંકિતા અને સુશાંત વચ્ચેનો સંબંધ એટલો ઉંડો હતો કે આ કપલ ટૂંક જ સમયમાં લગ્ન કરી લેશે તેવી અટકળો વહેતી થઈ હતી. બંને સાથે લીવ ઇનમાં પણ રહેવા લાગ્યા હતા. વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ જ્યારે અંકિતા અને સુશાંત અચાનક અલગ થઈ ગયા ત્યારે ચાહકોનું દિલ તૂટી ગયું હતું. દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક હતી કે આ કપલ વચ્ચે અચાનક એવું તો શું બન્યું હતું કે વર્ષો સુધી એકબીજાની સાથે રહ્યા બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું.
એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં અંકિતાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે આ સંબંધ તૂટવા પાછળ કોઈની ભૂલ નહોતી. તે અને સુશાંત બંને એક રીતે એકબીજાની જગ્યાએ સાચા જ હતા. કારણ એટલું જ હતું કે સંજોગો ખરાબ હતા અને તેમનું અલગ થવું કદાચ લખાયેલું પણ હશે, તેથી તેઓ અલગ થયા. જો કે, બ્રેકઅપ પછી અંકિતા સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની હતી. એ વિશે વાત કરતા અંકિતાએ કહ્યું હતું કે તે સમયે સુશાંત તેની કારકિર્દીમાં ઉચ્ચ સ્થાને હતો અને તે કારકિર્દીમાં નીચા સ્થાને હતી, જેના કારણે લોકો માટે તેને નિશાન બનાવવું સરળ હતું.