લક્ષ્ય ફિલ્મનો ડાયલોગ કેમ થઈ રહ્યો છે વાઈરલ, અભિનેતા ઓમ પુરીએ એવું શું કહ્યું હતું?

શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ જ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું હતું. 10મી મેની સાંજે ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી અને રાત્રે જ શ્રીનગર, વૈષ્ણોદેવી સહિત અન્ય સ્થળો પર પાકિસ્તાની સેનાએ ડ્રોનથી હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું. પાડોશી દેશની નાપાક હરકતનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેના તેમની સરકારની વાત માની રહી નથી.
ફિલ્મ ‘લક્ષ્ય’ની યાદો થઈ તાજી
ભારત પાકિસ્તાન વચ્ચેનાં તણાવની વચ્ચે સોશિયલ મીડિયા પર પણ અનેક કન્ટેન્ટ શેર થઈ રહ્યું છે. આ દરમિયાન ઇન્ટરનેટ પર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીની યાદો તાજી થઈ ગઈ છે. પોતાના લાંબા કરિયરમાં ઓમ પુરીએ ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાંથી એક ફિલ્મ ‘લક્ષ્ય’ હતી. ઋત્વિક રોશન, પ્રીતિ ઝિંટા અને અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મમાં ઓમ પુરીએ સૂબેદાર મેજર પ્રીતમ સિંહનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મના એક મહત્વપૂર્ણ સીનમાં સૂબેદાર પ્રીતમ ફિલ્મના હીરો કરણ શેરગિલને કહે છે, “મુજે ઉન લોગો કા તર્જુબા હૈ. પાકિસ્તાની હારે તો એક બાર પલટકર ફીર આતા હૈ. અગર જીત જાઓ તો લાપરવાહ મત હો જાના. મેરી બાત યાદ રખના.”
પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન થતાં જ ફિલ્મ ‘લક્ષ્ય’નો ઓમ પુરી અને ઋત્વિક રોશનનો આ સીન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલ તો ઓમ પુરી ટ્વિટર ( X) પર ટ્રેન્ડ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ફિલ્મની સાથે સાથે વાસ્તવિક જીવનમાં પણ ઓમ પુરીની પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ વિશેની આ વાત એકદમ સાચી સાબિત થઈ રહી છે. ઘણા યુઝર્સે કમેન્ટ કરી છે કે ઓમ પુરીનું આ ડાયલોગ પાકિસ્તાનની વર્તમાન કાર્યવાહીને એકદમ યોગ્ય છે.