30 વર્ષ સુધી બોક્સ ઓફિસ પર રાજ કરવા છતાં ધર્મેન્દ્રને ‘સુપરસ્ટાર’ કેમ ગણવામાં ન આવ્યા?

નવી દિલ્હી: ધર્મેન્દ્રની વાત કરતી વખતે લોકો તેમને મળેલી જબરદસ્ત સફળતા ભૂલી જાય છે. એ યાદ રાખવું જરૂરી છે કે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને જીતેન્દ્ર જેવા સુપરસ્ટાર્સ ધર્મેન્દ્ર સામે ટક્કર લેવા આવ્યા હતા. આ એક્ટરો ટોચ પર હતા ત્યારે ધરમજી પણ બોક્સ ઓફિસના સુપરસ્ટાર હતા અને જ્યારે ઉપર જણાવેલ ત્રણ સ્ટારના વળતા પાણી થાય ત્યારે પણ ધરમજી અત્યંત સફળ હતા.
ધર્મેન્દ્રનો ઉલ્લેખ થાય ત્યારે લોકો તેમના વ્યક્તિત્વની ચર્ચા કરે તેમની ‘હી-મેન’ પર્સનાલિટીની પણ ચર્ચા થાય. ‘શોલે’ની વાત સુધ્ધાં થાય, પરંતુ ત્રણ દાયકાથી છવાઈ રહેલા ધરમજીના સુપરસ્ટારડમની બહુ ઓછી ચર્ચા થઇ છે. ‘સુપરસ્ટાર’ શબ્દનો ઉપયોગ ગંભીરતાથી કરવામાં આવે છે. આની પાછળ માત્ર સ્ટારની લોકપ્રિયતા જ નથી. એની બોક્સ ઓફિસ સક્સેસ, ધૂંઆધાર કલેક્શન અને હિટ ફ્લોપની વાત હોય છે.
આ પણ વાંચો: ધર્મેન્દ્ર માટે 1987નું વર્ષ નસીબદાર રહ્યું હતું, કારણ શું હતું?
રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન કે રાજેન્દ્ર કુમાર જેવા હીરો સાથે ‘સુપરસ્ટાર’ શબ્દનો ખૂબ ઉપયોગ બંધબેસતો લાગે, પરંતુ બોક્સ ઓફિસ પર ઘણી સફળતા મેળવનાર ધર્મેન્દ્ર સાથે લોકો ઘણીવાર ‘સુપરસ્ટાર’ શબ્દ મૂકવાનું ભૂલી જાય છે.
ધર્મેન્દ્ર જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપ કુમાર પણ ટોચ પર હતા. ત્યાર બાદ તેમણે બોક્સ ઑફિસ પર રાજેશ ખન્ના, મનોજ કુમાર, અમિતાભ બચ્ચન અને જીતેન્દ્રનો સામનો કર્યો હતો. એક સમય હતો જ્યારે તે પોતાના જ પુત્રની સામે બોક્સ ઓફિસના સુપરપાવર તરીકે સામે ઊભા હતા.
આ પણ વાંચો: 51 રૂપિયાની ફીથી 500 કરોડના સામ્રાજ્ય કઈ રીતે ઊભું કર્યું હી-મેન ધર્મેન્દ્રએ?
ધર્મેન્દ્રએ બોક્સ ઑફિસ પર રાજ કર્યું હતું તે યુગમાં ફિલ્મોની સફળતા જ્યુબિલી દ્વારા માપવામાં આવતી હતી. 25 અઠવાડિયા સુધી બોક્સઓફિસ પર ચાલતી વખતે ‘સિલ્વર જ્યુબિલી’ ઉજવવામાં આવતી હતી.
બોક્સઑફિસ ઇન્ડિયાના એક જૂના અહેવાલમાં જણાવાયું છે કે ધર્મેન્દ્રની કારકિર્દીના 30 વર્ષની ટોચ પર તેણે 60 જ્યુબિલી હિટ ફિલ્મ આપી હતી, જ્યારે તેમની એકંદર સફળ ફિલ્મોની સંખ્યા 100થી વધુ હતી.



