વહીદા રહેમાનની મદહોશ આંખો પર સેન્સર બોર્ડે ચલાવી હતી કાતરઃ જાણો રસપ્રદ કિસ્સો

આજની હિન્દી ફિલ્મોમાં ઘણા ગીતો તમને પરિવાર સાથે જોવામાં તકલીફ પડશે. લિપ કિસિંગથી માંડી બેડરૂમ્સ સિન્સ પર હિન્દી ફિલ્મોમાં બતાવાય છે. 1990 બાદ હિન્દી ફિલ્મોના ગીતોનું પિક્ચરાઈઝેશન અને શબ્દો મામલે ઘણીવાર વિવાદો પણ થયા છે, આથી વર્ષો પહેલાની ફિલ્મમાં સેન્સર બોર્ડની કાતર ચાલ્યાની જે વાતો આપણે સાંભળીયે તે આપણી માટે માનવી અઘરી બની જાય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો વહીદા રહેમાન અને ગુરુદત્તની હીટ ફિલ્મ ચૌદવી કા ચાંદનો છે.
આ ફિલ્મનું ટાઈટલ સૉંગ આજે પણ એટલું લોકપ્રિય છે. ગુરુદત્ત જેવા બેનમૂન કલાકાર અને વહીદા જેવી નખશિખ સુંદર અભિનેત્રી પર ફિલ્માવવામાં આવેલું આ ગીત ચૌદવી કા ચાંદ હો, યા આફતાબ હો, જો તમે ન સાંભળ્યું હોય તો તમે કંઈક મિસ કર્યું છે.

આ ગીત પાછળ પણ એક વાર્તા છે. આ ફિલ્મ ગુરુદત્તે આખી શૂટ કરી લીધી હતી. સેન્સર બોર્ડે ફિલ્મ પાસ પણ કરી દીધી. ત્યારબાદ ગુરુદત્તને મન થયું કે ફિલ્મનું ટાઈટલ સૉંગ રંગીન બનાવવામાં આવે, તેથી તેમણે ફરી તેને કલરમાં શૂટ કર્યું, પણ આ વખતે એ ગીત સામે સેન્સર બોર્ડે વાંધો ઉઠાવ્યો.

આ ગીતમાં સેન્સર વહીદા રહેમાન અને ગુરુદત્ત પલંગ પર બેઠા છે અને ગુરુદત્ત વહીદાના રૂપના વખાણ કરી રહ્યા છે. એક સિનમાં વહીદાએ માત્ર પ્રેમભરી નજરે ગુરુદત્તને જોવાના છે. લાઈટ્સને લીધે આ સિનમાં વહીદાની આંખો લાલ, મદભરી દેખાય છે, આથી તેમણે આ સિન કાપવાનું ફરમાન કર્યું હતું. ગુરુદત્તે ઘણી દલીલો કરી કે આ લાઈટ્સની ઈફેક્ટને લીધે છે. આ ગીત પતિ-પત્ની પર પિક્ચરાઈઝ્ડ છે અને બન્ને એકબીજાને અડકતા પણ નથી, છતાં સેન્સર બોર્ડ ન માન્યું અને આ સિન કાપવાની ફરજ ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને અભિનેતા ગુરુદત્તને પડી હતી.
આ વાત ખુદ વહીદાએ એક રિયાલિટી શૉમાં કરી હતી. જુલાઈ 1961માં આવેલી આ ફિલ્મ હીટ સાબિત થઈ હતી. આ ફિલ્મના હીરો-હીરઈન ગુરુદત્ત અને વહીદાના સંબંધોના કિસ્સા પણ ભારે મશહૂર છે. બન્નેએ પ્યાસા, કાગઝ કે ફૂલ જેવી ઘણી ઉમદા ફિલ્મો હિન્દી ફિલ્મજગતને આપી છે.