કોંગ્રેસમાંથી કંગનાને મંડીમાં કોણ પડકારશે? બોલ હાઈકમાન્ડની કોર્ટમાં
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે. કોંગ્રેસ પાર્ટીના રાજ્ય પ્રભારી રાજીવ શુક્લાએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. રાજીવ શુક્લા હિમાચલ પ્રદેશ સરકાર અને રાજ્યમાં પાર્ટી સંગઠન વચ્ચે બહેતર સંકલન સુનિશ્ચિત કરવા કોંગ્રેસ દ્વારા રચવામાં આવેલી છ સભ્યોની સમિતિમાં સામેલ છે. તેમણે શિમલામાં બેઠક બાદ પત્રકારો સાથે વાત કરી હતી. મંડીના વર્તમાન સાંસદ પ્રતિભા સિંહે તાજેતરમાં કહ્યું હતું કે તેમણે આગામી લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે કારણ કે તેમનું માનવું છે કે પરિસ્થિતિ ‘કૉંગ્રેસની તરફેણમાં નથી’ અને પક્ષના કાર્યકરો નિરાશ છે. હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચાર બેઠકો અને વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે 1 જૂને મતદાન થવાનું છે.
આ પણ વાંચો: સારા અલી ખાનને રાજકારણમાં જવાની ઈચ્છા, તેને કહ્યું, ‘મે હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે’
મીટિંગ પછી, જ્યારે લોકસભાની ચૂંટણી ન લડવાના તેમના અગાઉના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે, ‘મેં હાઈકમાન્ડને આ વાત જણાવી છે. હવે જોઈએ કે તેઓ શું નિર્ણય લે છે. મીટિંગ પહેલા એક પત્રકાર દ્વારા જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તેઓ મંડીથી ચૂંટણી લડશે? ત્યારે પ્રતિભા સિંહે કહ્યું હતું કે, ‘બિલકુલ નહીં… મેં હાઈકમાન્ડને આ વાત જણાવી છે. હવે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે તેના પર નિર્ભર છે. રાજીવ શુક્લાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પ્રતિભા સિંહ ઉપરાંત હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ, નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રી તેમ જ અન્ય કોંગ્રેસી નેતાઓ પણ હાજર હતા. બેઠક બાદ પ્રતિભા સિંહે પત્રકારોને કહ્યું હતું કે, ‘અમે સાથે મળીને કામ કરીશું. અમારે લોકસભાની ચૂંટણી જીતવી છે. તેમણે ઉમેર્યું હતું કે પાર્ટીનું રાજ્ય એકમ પાંચ-છ દિવસમાં નામોને અંતિમ રૂપ આપશે અને તેના નિર્ણયો હાઈકમાન્ડ સુધી પહોંચાડશે, ત્યારબાદ બીજી બેઠક યોજવામાં આવશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વડાએ જણાવ્યું હતું કે બેઠકમાં તેમણે કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા જેના પર રાજ્ય સરકારનું ધ્યાન જરૂરી હતું અને તેમને તેમના પર ખાતરી આપવામાં આવી હતી.
જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે હિમાચલ પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના તમામ છ બળવાખોરોને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે મુખ્ય પ્રધાન સુખુએ કહ્યું હતું કે કોંગ્રેસ તમામ છ બેઠકો જીતવા માટે તૈયાર છે. ભાજપે મંડીમાંથી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે અભિનેતામાંથી રાજનેતા બનેલી કંગના રનૌત મંડીથી કોંગ્રેસ માટે કેટલો મોટો પડકાર ઉભો કરશે, ત્યારે તેમણે કહ્યું, ‘અમે લડીશું અને કોંગ્રેસને વિજયી બનાવીશું.’
આ પણ વાંચો: સુપ્રિયા શ્રીનેત બાદ ગુજરાત કોંગ્રેસના નેતાની વિવાદાસ્પદ પોસ્ટથી રાજકારણ ગરમાયું, કંગનાએ આપ્યો આ જવાબ
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ભાજપે છ બળવાખોરોને ટિકિટ આપી છે અને હિમાચલ પ્રદેશના લોકો 1 જૂને તેમના ભાગ્યનો નિર્ણય કરશે. બેઠક પહેલા એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, ‘અમારી સરકારને કોઈ ખતરો નથી.’ તેમણે દાવો કર્યો હતો કે છ વિધાનસભ્યો બહાર નીકળ્યા છતાં પણ કોંગ્રેસ આરામદાયક સ્થિતિમાં છે. જ્યારે અગ્નિહોત્રીને પત્રકારો દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસના વધુ વિધાન સભ્યો ભાજપના સંપર્કમાં છે, ત્યારે તેમણે તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં અને કહ્યું, ‘જે થયું તે થયું… દિલ કો બહેલાને કે લિયે ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.’
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા પહાડી રાજ્યમાં કોંગ્રેસ સરકારને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ભાજપે તમામ યુક્તિઓ અપનાવી, પરંતુ નિષ્ફળ રહી. નાયબ મુખ્ય પ્રધાને હિમાચલ પ્રદેશ સરકાર સ્થિર હોવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે 4 જૂને પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે તેને વધુ સ્થિરતા મળશે. તેમણે કહ્યું, ‘હાલના 62 ધારાસભ્યોના ગૃહમાં અમારી પાસે 34 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 25 ધારાસભ્યો છે.’