વાહઃ જેણે રેકોર્ડ તોડ્યો તે કલાકારને જ કમલ હાસને આપ્યા અભિનંદનઃ જુઓ ટ્વીટ…

લગભગ ઘણા સમય બાદ એમ બન્યું છે કે નેશનલ એવોર્ડ સેરેમની પૂરી થયાના ત્રણ-ચાર દિવસ બાદ પણ તેની ચર્ચા થઈ રહી છે. 71માં નેશનલ એવોર્ડમાં એવી ઘણી ઘટનાએ બની છે જેના વીડિયો-તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને રાની મુખર્જીને પહેલીવાર એવોર્ડ મળ્યા છે.
તેમની સાથે વિક્રાંત મેસીને પણ એવોર્ડ મળ્યો. એસઆરકે અને રાનીના ઘણા વીડિયો વાયરલ થયા. આ સાથે મલિયાલમ ફિલ્મના દિગ્ગજ અભિનેતા મોહનલાલને પણ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો. આ એવોર્ડ સ્વીકારતી વખતે મોહનલાલે આપેલી સ્પીચ ખૂબ જ વાયરલ થઈ છે અને લોકો અભિનેતાના ભરી ભરીને વખાણ કરી રહ્યા છે.
હવે એક આવા જ દિગ્ગજ સાઉથ એક્ટર કમલ હાસનની એક ટ્વીટ લોકોને ખૂબ ગમી રહી છે. કમલ હાસન સાઉથ ઈન્ડસ્ટ્રી જ નહીં સમગ્ર ફિલ્મજગતનું ખૂબ જ પ્રસિદ્ધ નામ છે, વિદેશોમાં પણ તેમની પ્રસિદ્ધિ છે. કમલ હાસને 65 વર્ષ ફિલ્મજગતને આપ્યા છે અને હજુ તેઓ એક્ટિવ છે.
તમને લગભગ જાણ નહીં હોય પણ કમલ હાસને બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને માત્ર છ વર્ષની ઉંમરે પહેલો નેશનલ એવોર્ડ જીત્યો હતો. આ એવોર્ડ તેમને ફિલ્મ કલાથુર કન્નમા ફિલ્મ માટે મળ્યો હતો. કમલ હાસનનો આ 65 વર્ષ જૂનો રેકોર્ડ કોઈએ તોડ્યો ન હતો.

તે હવે ચાર વર્ષની એક બાળકીએ તોડ્યો છે. હવે ત્રિશા થોસર નામની બાળ કલાકારે મરાઠી ફિલ્મ નાળ-2 માટે નેશનલ એવોર્ડ મેળવી ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની કલાકાર બની છે, જેને આવું સન્માન મળ્યું હોય.
આ બાળકીને કમલ હાસને ટ્વીટ કરી વધામણા આપ્યા છે. અભિનેતાએ લખ્યું છે કે

પ્યારી મિસ ત્રીશા થોસર, તમને મારા તરફથી ઘણી શુભકામનાઓ. તમે મારો રેકોર્ડ તોડી નાખ્યો. જ્યારે હું છ વર્ષનો હતો ત્યારે મને પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. હજુ તમારે એક લાંબી મજલ કાપવાની છે. તમે તમારી પ્રતીભાઓ પર કામ કરતા રહેજો. તમારા ઘરના લોકોને પણ મારા તરફથી પ્રશંસા.
લોકો પણ આ નાનકડી કાલાકરાને વધામણા આપી રહ્યા છે. ફિલ્મ નાળ-2માં ત્રિશાએ ચિન્ની નામની બાળકીની ભૂમિકા ભજવી આ એવોર્ડ પોતાને નામ કર્યો છે.