National Crush Rashmikaએ ક્યાં સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, તસવીરો વાઈરલ…

મુંબઈ: સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આ વર્ષે ઑગસ્ટમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં રશ્મિકા મંદાનાએ તેના બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાઉથની ફિલ્મો સાથે બૉલીવૂડમાં પણ પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પોતાનો 28મો બર્થ-ડે ઉજવ્યો હતો, જેની તસવીર હવે જોરદાર વાઇરલ થઈ રહી છે.

નેશનલ ક્રશ તરીકે પણ ઓળખાતી અભિનેત્રી રશ્મિકા મંદાના આજે 28 વર્ષની થઈ છે. પોતાના 28માં બર્થ-ડેની ઉજવણી કરવા માટે રશ્મિકા દુબઈ પહોંચી હતી. આ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી હતી. આ સ્ટોરીમાં જોવા મળી રહ્યું છે કે દુબઈની કડકડતી ઠંડીમાં રશ્મિકાએ શૉલ ઓઢીને અડધી રાતે પોતાનો બર્થ-ડે ઉજવ્યો હતો.

રશ્મિકાએ શેર કરેલી એક સ્ટોરીની તસવીરમાં તેણે ઠંડીથી બચવા સફેદ રંગની શૉલ ઓઢી છે અને ટેબલ પર એક કેક પણ મૂકવામાં આવ્યો છે. આ સાથે રશ્મિકાએ તેના બર્થ-ડે કેકની સિંગલ તસવીર પર સ્ટોરી પર મૂકી હતી. તો એક તસવીર પર રશ્મિકાએ લખ્યું હતું કે અહીં ઠંડી છે, પણ અહીં કેક પણ છે, આ સાથે રશ્મિકાએ તેના કેક અને બર્થ-ડેની શુભેચ્છાઓ માટે દરેકનો આભાર માન્યો હતો.

એક અહેવાલ મુજબ રશ્મિકા મંદાના હાલમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. આ પહેલા રશ્મિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આર્ચરી (તિરંદાજી) કરતી હોવાનો વીડિયો શેર કર્યો હતો. રશ્મિકાએ દુબઈના એક પોર્ટ પર પણ પોઝ આપ્યો હતો, રશ્મિકાના ઇન્સ્ટાગ્રામ પર 42 મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર્સ છે, જેથી તેની પોસ્ટ પર લાખો લાઈક્સ અને લાખો કમેન્ટ્સ પણ લોકો કરીને તેને વધાવી હતી.