જ્યારે સાસુએ નેશનલ ટેલિવિઝન પર અંકિતા લોખંડેને કહ્યું…

સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ હોય છે પછી એ કન્ટેસ્ટન્ટ વચ્ચેના ઈન્ટિમેટ સીનને કારણે હોય કે બહારની કોઈ વાતનો ખુલાસો કરતાં ઘરમાં ફાટી નીકળેલી રામાયણને કારણે હોય… હવે આ શોના મેકર્સ દ્વારા શોનો એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે અને આ પ્રોમોને કારણે ઘરના ખટરાગ નેશનલ ટેલિવિઝન પર છતાં થઈ ગયા હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.
મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલા વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે શોના કન્ટેસ્ટન્ટ અને પતિ-પત્ની વિકી જૈન અને અંકિતા લોખંડેની મમ્મી શો પર આવે છે. બંને માતાઓ પોતાના સંતાનોને સંબંધને લઈને અલગ અલગ શિખામણો આપતી જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શો પર અંકિતા અને વિકી વચ્ચે સતત વધી રહેલાં મતભેદોને જોતાં બંનેની રિલેશનશિપ કોઈ અલગ જ દિશામાં જતી જોવા મળી રહી છે. આ જોતાં જ મેકર્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. મમ્મીને સામે જોઈને વિકી જૈન એકદમ ઈમોશનલ થઈ જાય છે અને તે રડી પડે છે. રડતાં રડતાં તે તેની માતાને એવી ફરિયાદ કરતો જોવા મળે છે કે અહીંયા લોકોને મારા વિશે ખૂબ ગેરસમજણો છે….
દરમિયાન અંકિતાની માતા અંકિતાને સ્ટ્રોન્ગ રહેવાની સલાહ આપે છે તો વિકીની માતા ગુસ્સામાં અંકિતા પર વરસી પડે છે. પહેલાં તો વિકીની માતા એને રડવાનું બંધ કરવા જણાવે છે અને બાદમાં અંકિતાનો ઉધડો લેતી જોવા મળી રહી છે કે ઘરમાં તો ક્યારેય તમારા ઝઘડા નથી થતા. અહીંયા અંકિતા તને ચંપલ મારી રહી છે, એલફેલ બોલી રહી છે…. આટલું સાંભળીને વિકી ફરી રડવા લાગે છે અને એની માતા પણ રડવા લાગે છે. પરિસ્થિતિને સંભાળવા માટે અંકિતા કહે છે કે મમ્મી તમે ના રડશો, હું એને સંભાળી લઈશ… પણ આ વાત સાંભળીને વિકીની મમ્મી વધુ ગુસ્સે થઈ જાય છે અને અંકિતા એવું સંભળાવી દે છે કે ના, તું નથી સંભાળી રહી…
શોનો પ્રોમો જોઈને જ લોકોની ઉત્સુકતા વધી રહી છે અને લોકો એ જાણવા ઉત્સુક છે કે આખરે આખો માંઝરો છે શું? દરમિયાન શોમાં વાઈલ્ડ કાર્ડની એન્ટ્રી પણ થઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે અને આ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી બીજું કોઈ નહીં પણ ઓરહાન અવત્રમણિ એટલે કે ઓરી છે. સલમાન સાથે ઓરીની મુલાકાત ખૂબ જ રસપ્રદ લાગી રહી મેકર્સ દ્વારા આનો પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે.