મનોરંજન

જેમ્સ કેમેરોનની ‘અવતાર: ફાયર એન્ડ એશ’માં ગોવિંદાનો કેમિયો છે? જાણો વીડિયોનું સત્ય

મુંબઈ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હંમેશા નવીનતા અને આશ્ચર્યથી ભરેલા હોય છે, પરંતુ આ વખતે જે વીડિયો વાયરલ થયા છે તેણે નેટીઝન્સને હસવા પર અને વિચારવા પર મજબૂર કરી દીધા છે. જેમ્સ કેમેરોનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અવતાર: ફાયર એન્ડ એશ’ સિનેમાઘરોમાં રિલીઝ થયાના ગણતરીના દિવસોમાં જ સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલીવુડના સુપરસ્ટાર ગોવિંદાએ આ ફિલ્મમાં ખાસ ભૂમિકા ભજવી છે. જોકે, આ દાવા પાછળનું સત્ય કંઈક અલગ જ છે.

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ક્લિપ્સ જોરશોરથી શેર થઈ રહી છે, જેમાં ગોવિંદા બ્લુ કલરના પેઇન્ટમાં પંડોરાના ગ્રહ પર ‘નાવી’ પાત્રમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ પોતાની આગવી શૈલીમાં સંવાદો બોલતા અને જેક સલી સાથે સ્ક્રીન શેર કરતા દેખાય છે. વાસ્તવમાં આ કોઈ ફિલ્મનો સીન નથી, પરંતુ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલી ક્લિપ્સ છે, જે એટલી વાસ્તવિક લાગે છે કે ઘણા લોકો તેને સાચું માની બેઠા છે.

આ મીમ્સ અને વીડિયો સામે આવ્યા બાદ ઇન્ટરનેટ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક યુઝર્સે આ મજાકની મજા માણી, તો કેટલાક ખરેખર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એક યુઝરે પૂછ્યું કે, “ગોવિંદાવાળી અવતાર ફિલ્મ ક્યાં જોવા મળશે?”, તો બીજાએ લખ્યું કે, “શું જેમ્સ કેમેરોને ખરેખર ગોવિંદાને કેમિયો માટે મનાવી લીધા?” સોશિયલ મીડિયા પર આ પ્રકારની રમુજી કોમેન્ટ્સનો પૂર આવ્યો છે અને લોકો આ અણધાર્યા ક્રોસઓવરને એન્જોય કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયોએ ગોવિંદાના એ જૂના નિવેદનની યાદ તાજી કરી દીધી છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમને ‘અવતાર’ ફિલ્મની મુખ્ય ભૂમિકાની ઓફર મળી હતી, પરંતુ બોડી પેઇન્ટના કારણે તેણે ના પાડી દીધી હતી. તે સમયે લોકોએ તેમની મજાક ઉડાવી હતી, પરંતુ હવે AI દ્વારા તેમને ખરેખર ‘અવતાર’ના લુકમાં જોઈને લોકો કહી રહ્યા છે કે આખરે ગોવિંદાનું ‘કમબેક’ થઈ ગયું! જોકે, સત્તાવાર રીતે ગોવિંદા આ ફિલ્મનો ભાગ નથી અને આ માત્ર ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલી મજાક છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button