એવું તે શું થયું એરપોર્ટ પર કે Radhika Apteના ગુસ્સો આવ્યો અને કહ્યું…
Bollywood Actress Radhika Apte સામાન્યપણે કોઈ પણ કોન્ટ્રોવર્સીથી દૂર જ રહેવાનું પસંદ કરે છે, પણ હાલમાં જ એરપોર્ટ પર એની સાથે કંઈક એવું બન્યું હતું કે તે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકી નહોતી અને તે ગુસ્સે થઈ ગઈ હતી. રાધિકા આપ્ટેએ પોતાની આપવિતી સોશિયલ મીજિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
વાત જાણે એમ છે કે ફ્લાઈટમાં થયેલાં વિલંબને કારણે રાધિકા આપ્ટે બીજા પ્રવાસીઓ સાથે એરપોર્ટના એરોબ્રિજ પર ફસાઈ ગઈ હતી. જોકે, એક્ટ્રેસે એ વાત નથી જણાવી કે આખરે ઘટના ક્યાંની છે અને કઈ એર લાઈન્સની છે. સેક્રેડ ગેમ્સ ફેમ એક્ટ્રેસે ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અને ફોટો શેર કરીને પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે ફ્લાઈટમાં ડિલે થવાને કારણે પ્રવાસીઓ એરોબ્રિજમાં લોક થઈ ગયા હતા.
રાધિકાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે મારી સવારે 8.30 કલાકની ફ્લાઈટ હતી અને અત્યારે 10.50 વાગી ગયા છે અને હું હજી પણ ફ્લાઈટમાં બોર્ડ કરી શકી નથી. એરલાઈન્સવાળાઓએ કહ્યું કે બોર્ડિંગ ચાલું થયું છે અને પ્રવાસીઓને એરોબ્રિજમાં મોકલાવી દીધા અને એને લોક કરી દીધું હતું. જેને કારણે નાના બાળકો, વૃદ્ધો અને બીજા પ્રવાસીઓ એક કલાક કરતાં પણ લાંબા સમય સુધી બ્રિજની અંદર લોક થઈ ગયા છે.
38 વર્ષીય એક્ટ્રેસ આગળ જણાવ્યું હતું કે એરલાઈન્સવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજી એકાદ કલાક સુધી તેઓ આ જ રીતે ફસાયેલા રહેશે. અહીં અંદર ન તો પીવાના પાણીની વ્યવસ્થા છે કે ન તો વોશરૂમની વ્યવસ્થા છે. 12 વાગ્યા સુધી અમારે આ જ પરિસ્થિતિમાં રહેવું પડશે એવું એરલાઈવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. આટલી સરસ મુસાફરી માટે ધન્યવાદ…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ એક્ટ્રેસ ફિલ્મ મેરી ક્રિસમસમાં કેમિયો રોલમાં જોવા મળી હતી અને આ સિવાય તેણે સેક્રેડ ગેમ્સ, શોર ઈન ધ સિટી, બદલાપુર, અંધાધૂંધ, પેડમેન અને માંઝી ધ માઉન્ટમેન જેવી ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ પર રાજ કરી ચૂકી છે.