‘જો મારા સંતાનો રણબીર કપૂર-આલિયા ભટ્ટ જેવા ટેલેન્ટેડ હોત તો…’ પરેશ રાવલે આ શું કહ્યું?

નીરજ વોરા દિગ્દર્શિત ‘ફિર હેરા ફેરી’માં બાબુરાવની ભૂમિકા ભજવનાર અભિનેતા પરેશ રાવલને કોણ નથી જાણતું. પોતાની 40 વર્ષની એક્ટિંગ કારકિર્દીમાં પરેશ રાવલે ઘણી નામના મેળવી છે. તેમની દરેક ફિલ્મમાં તેઓ અલગ અલગ પાત્રમાં દેખાય છે અને તેઓ જે પણ પાત્ર ભજવે છે તેમાં સંપૂર્ણ રીતે પ્રવેશી જાય છે.
હવે તો તેમના બંને પુત્રો આદિત્ય અને અનિરુદ્ધ પણ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. હાલમાં જ તેણે પોતાના બે પુત્રો વિશે એક મોટું નિવેદન આપ્યું હતું. જેની ચારેકોર ચર્ચા થઇ રહી છે.
પરેશ રાવલે એક ઈન્ટરવ્યુમાં નેપોટિઝમ વિશે વાત કરી હતી. તેમણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રશંસા કરી હતી, કે જેઓ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. આલિયા અને રણબીરના વખાણ કરતાં પરેશ રાવલે આદિત્ય અને અનિરુદ્ધને કહ્યું હતું કે, “જો મારા સંતાનો આલિયા અને રણબીર જેટલા જ પ્રતિભાશાળી હોત, તો મેં મારા બધા પૈસા તેમના પર લગાવી દીધા હોત.”
જો કે આ પછી તેમણે તેમના પુત્રોના વખાણ પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે “મારા બંને પુત્રો તેમની કારકિર્દીના નિર્ણયો જાતે જ લે છે. “જ્યાં સુધી તેઓ ભૂલો ન કરે ત્યાં સુધી તેઓ શીખશે નહીં.” એમ કહેતાં પરેશ રાવલે જણાવ્યું હતું કે બંને પુત્રો ખૂબ જ મહેનતુ અને પ્રતિભાશાળી છે. તેમણે બોલિવૂડમાં આવવા માટે ક્યારેય મારા નામનો ઉપયોગ કર્યો નથી.
પરેશ રાવલનો દીકરો આદિત્ય એક્ટિંગના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે તૈયાર છે. આદિત્ય રાવલે 2020માં ‘બમફાડ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તો બીજા પુત્ર અનિરુદ્ધ રાવલે 2016માં રિલીઝ થયેલી ‘સુલતાન’થી બોલિવૂડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે 2017માં રિલીઝ થયેલી ‘ટાઈગર ઝિંદા હૈ’ અને 2023માં રિલીઝ થયેલી ‘સ્કૂપ’ વેબસિરીઝમાં પણ નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો.