
મુંબઈ: ચાહકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, એ ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ વોર-2 નું ટ્રેલર આજે શુક્રવારે લોન્ચ કરી દેવામાં (War-2 film trailer launch) આવ્યું છે. યશરાજ ફિલ્મ નિર્મિત અને અયાન મુખર્જી (Ayaan Mukharji) દિગ્દર્શિત વોર-2 ફિલ્મનું ધામકેદાર ટ્રેઇલર જોઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.
નોંધનીય છે કે વોર-2 ફિલ્મ YRF સ્પાય યુનિવર્સ(YRF Spy Universe)નો ભાગ છે, વર્ષ 2019માં રિલીઝ થયેલી વોર ફિલ્મને દર્શકોનું ખુબ પસંદ પડી હતી, ફિલ્મ બોક્સ ઓફીસ પર બ્લોકબસ્ટર રહી હતી. હવે છ વર્ષ બાદ આ ફિલ્મની સિકવલ રિલીઝ થવા જઈ રહી છે.
ચાહકો ફિલ્મ જોવા આતુર:
વોર-2 ફિલ્મમાં બોલીવુડ સુપરસ્ટાર ઋતિક રોશન (Hritik Roshan) અને દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જુનિયર એનટીઆર (Junior NTR) મુખ્ય ભૂમિકામાં છે, આ ઉપરાંત કિયારા અડવાણી (Kiara Advani) ફિમેલ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું સંગીત પ્રીતમે આપ્યું છે, જ્યારે ફિલ્મની વાર્તા આદિત્ય ચોપરા, શ્રીધર રાઘવન અને અબ્બાસ ટાયરવાલાએ લખી છે.
વોર-2ના ટ્રેલરને દર્શકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. યુટ્યુબ પર ફિલ્મના હિન્દી ટ્રેલરને માત્ર 30 મિનિટમાં 5 લાખથી વધુ વ્યુઝ મળ્યા હતાં, જ્યારે 2 કલાકમાં વ્યુઝ 20 લાખથી વધી ગયા હતાં. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ફિલ્મ અંગે ચર્ચા જામી છે. લોકો ફિલ્મની આતુરતાથી રાજ જોઈ રહ્યા છે.
ઋતિક રોશન અને એનટીઆર આમને-સામને:
ટ્રેલરની શરૂઆત ફિલ્મના બંને લીડ કેરેક્ટરસ ઇન્ડિયન સોલ્જર્સ અને એજન્ટ્સ તરીકેના શપથ લે છે. ઋતિકનું પાત્ર તેનું નામ અને ઓળખ છોડીને ‘એક પડછાયો’ બનવાનું વચન આપે છે, જ્યારે NTR દેશ માટે જે કોઈ ના કરી શકે, એ કરવાનું વચન આપે છે.
બંને બોલે છે કે ‘ઇન્ડિયા ફર્સ્ટ’, ત્યાર બાદ બંને એક બીજા સામે જોરદાર રીતે લડતા જોવા મળે છે. કિયારા અડવાણી ટ્રેઇલરની શરૂઆતમાં ઋતિક સાથે રોમાન્સ કરતી જોવા મળે છે, ત્યાર બાદ તેની સામે ફાઈટ કરતી પણ જોવા મળે છે. ઋતિકના કેરેક્ટર કબીરના હેન્ડલર આશુતોષ રાણાની એક ઝલક પણ ટ્રેઇલરમાં છે, જેમાં તે કબિરના ચહેરા પર થૂંકતો જોવા મળે છે. ટાઈગર શ્રોફના કેરેક્ટરનો ફોટો પણ જોવા મળે છે. ટ્રેઇલરમાં જોવા મળતા એક્શન સિક્વન્સ હોલિવૂડ ફિલ્મને ટક્કર મારે એવા છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના આગળના દિવસે 14 ઓગસ્ટના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે, રજનીકાંતની આગામી ફિલ્મ ‘કુલી’ પણ 14 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે, ત્યારે બે મોટી ફિલ્મોની ટક્કર રસપ્રદ રહેશે.