ફરાહને છૂટાછેડા આપીને વિંદુ દારા સિંહે ફરી કોની સાથે કર્યા છે લગ્ન?

મુંબઈ: બોલીવૂડમાં ઘણા કલાકારો છે કે જે પોતાના લગ્નજીવનને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે. કેટલાક કલાકારોએ તો બે કે તેથી વધુ લગ્ન કર્યા છે. જેમાં ધર્મેન્દ્ર, આમિર ખાન, કિરણ ખેર અને અર્ચના પૂરન સિંહ જેવા નામો સામેલ છે.
આ યાદીમાં રામાનંદ સાગરની ‘રામાયણ’માં હનુમાનનું પાત્ર ભજવનાર દારા સિંહના પુત્ર વિંદુ દારા સિંહનું નામ પણ આવે છે. વિંદુની એક્ટિંગ સાથે તેમની અંગત જિંદગી પણ લાઈમલાઈટમાં રહે છે.
વિંદુ દારા સિંહે 1996માં બોલીવૂડની જાણીતી અભિનેત્રી ફરાહ નાઝ સાથે પહેલા લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનથી તેણે એક પુત્ર પણ છે. જોકે, ધીમે-ધીમે તેમના સંબંધોમાં તિરાડો પડવા લાગી અને 2002માં બંનેએ સંમતિથી છૂટાછેડા લઈને અલગ થવાનો નિર્ણય લીધો. ફરાહે આ પછી બોલીવૂડ અભિનેતા સુમીત સહગલ સાથે લગ્ન કરી અને પોતાનું જીવન આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.
મીડિયા ઈન્ટરવ્યૂમાં વાત કરતા વિંદુ દારા સિંહે કહ્યું હતું કે ફરાહ નાઝ સાથેના તેના સંબંધોના તૂટવાના કારણો પર ખૂલીને વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેના છૂટાછેડાનું કોઈ એક જ કારણ નહોતું, પરંતુ તેના સંબંધો ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા હતા. બંને વચ્ચે ઝઘડાઓ વધવા લાગ્યા હતા, જેના કારણે તેણે આ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો અને 2002માં છૂટાછેડા લીધા.
ફરાહ નાઝથી છૂટાછેડા બાદ વિંદુના જીવનમાં ફરી પ્રેમની એન્ટ્રી થઈ. આ વખતે તેનું દિલ રશિયન મોડલ ડીના ઉમરોવા પર આવ્યું. 2006માં વિંદુએ ડીના સાથે લગ્ન કર્યા. ડીના દેખાવમાં બોલીવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના પરિવારના ફોટા શેર કરે છે. વિંદુ અને ડીનાને એક પુત્રી છે, જેનું નામ અમેલિયા છે.
વિંદુ દારા સિંહ હાલમાં તેમની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ને લઈને ચર્ચામાં છે, જેમાં અજય દેવગન અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રવિ કિશન, કુબ્રા સૈત, સાહિલ મેહતા અને રોશની વાલિયા જેવા કલાકારો પણ છે. આ ફિલ્મ 1 ઓગસ્ટે રિલીઝ થઈ હતી, પરંતુ તેને દર્શકોનો ખાસ પ્રતિસાદ નથી મળ્યો. 150 કરોડથી વધુના બજેટની આ ફિલ્મે 10 દિવસમાં માત્ર 42 કરોડનું કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો…અયોધ્યાની રામલીલામાં આ મહત્ત્વનો રોલ નિભાવશે Vindu Dara Singh…