ભારતને so-called આઝાદી મળી છે! વિક્રાંત મેસીએ આવું કેમ કહ્યું
મુંબઈ: વિક્રાંત મેસી (Vikrant Massey) સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. વિક્રાંત મેસી સહીત ફિલ્મના અન્ય કલાકારો હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વિક્રાંત મેસી અલગ-અલગ પ્લેટફોર્મ પર ઈન્ટરવ્યુ આપી રહ્યો છે. વિક્રાંત મેસીએ આપેલા એક ઈન્ટરવ્યુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે વિક્રાંત મેસી ટીકાનો સામનો કરી રહ્યો છે.
આ વીડિયો ક્લિપમાં વિક્રાંત મેસીએ એવું નિવેદન આપ્યું હતું કે આપણને કહેવાતી સ્વતંત્રતા મળી છે. આ નિવેદન બદલ વિક્રાંત મેસી ટ્રોલ થઇ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે વિક્રાંત ફિલ્મના પ્રમોશન માટે કંઈ પણ બોલી રહ્યો છે.
વિક્રાંત મેસીએ આ નિવેદન સુશાંત સિન્હાના પોડકાસ્ટ દરમિયાન આપ્યું હતું. વાયરલ વીડિયોમાં વિક્રાંત કહી રહ્યો છે કે, સૌથી પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે આપણે ખૂબ જ યુવા દેશ છીએ, ભારતની આઝાદીને 76-77 વર્ષ થયા હશે. પહેલા મુઘલો આવ્યા, પછી ડચ આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, પછી અંગ્રેજો આવ્યા, સેંકડો, સેંકડો, સેંકડો વર્ષોના જુલમ પછી આપણને કહેવાતી આઝાદી મળી.
તેણે કહ્યું કે પરંતુ શું તે ખરેખર સ્વતંત્રતા હતી? તેઓ જે કોલોનિયલ હેંગઓવર છોડીને ગયા આપણે તેમાં જ રહ્યા, હિંદુઓને પોતાના દેશમાં જ પોતાની ઓળખની માંગ કરી રહ્યા છે.
આ નિવેદન પર વિક્રાંત ટ્રોલ થઇ રહ્યો છે. એક એક્સ યુઝરે લખ્યું કે વિક્રાંત મેસી બહુ બોલે છે. જો ફિલ્મ ફ્લોપ જશે તો સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થશે. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે કેમ ભાઈ, અત્યાર સુધી બધું બરાબર હતું, હવે શું થયું? ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે વિક્રાંતના આ નિવેદનને બકવાસ ગણાવ્યું છે.