પિરિયડ્સ મામલે બોલીવૂડ છે સેન્સિટીવ, હીરોઈનો શેર કરે છે પોતાના અનુભવ
વિદ્યા માલવડેને તમે અભિનેત્રી અથવા ફિટનેસ ફ્રીક તરીકે ઓળખો છે, પણ તેનો ચહેરો જૂઓ એટલે આજે પણ ચક દે ઈન્ડિયાની ગૉલ કિપર વિદ્યા શર્માની યાદ આવી જશે. વાત પણ આપણે શાહરૂખ ખાન અને 16 પ્લેયર્સની ટીમની કરવાની છે. ચક દે ઈન્ડિયા ભારતીય સ્પોર્ટ્સ ફિલ્મની સૌથી સુંદર ફિલ્મોમાંની એક છે. સાવ જ નવા ચહેરા અને એસઆરકેના સ્ટાટડમ પર ચાલેલી આ ફિલ્મ યશરાજ બેનરની હતી.
કોઈ ફિલ્મમાં એક કરતા વધારે હીરોઈનો હોય તો પણ નિર્માતા સહીતની ટીમને નાકે દમ આવી જાય છે તો અહીં તો 16 જેટલી યુવાન છોકરીઓ હતી, પરંતુ નિર્માતાને તકલીફ ન પડી હતી. વિદ્યા તે દિવસો યાદ કરતા કહે છે કે ફિલ્મની માગ હતી કે અમે રોજ ફિઝિકલ એક્ટિવિટી કરીએ કારણ કે અમારે હૉકી પ્લેયરની ભૂમિકા નિભાવવાની હતી.
આ શૂટિંગ મહિનાઓ સુધી ચાલ્યું હતું અને સ્વાભાવિકપણે આ દરમિયાન છોકરીઓને પિરિયડ્સ આવતા હતા. દરેક છોકરીને પિરિયડ સમયે અલગ અલગ તકલીફ થતી હોય પણ એક તકલીફ એ સામાન્ય હોય છે કે તે ફિઝિકલ એક્ટિવિટી કરવામાં ડિસ્કમ્ફર્ટ અનુભવતી હોય છે. દિવસ દરમિયાનની સામાન્ય એક્ટિવિટી કરવાનું પણ તેને ગમતું નથી. આથી યશરાજ બેનરે જ્યારે પણ જેના પિરિયડ્સ હોય તે હીરોઈનને આરામ કરવાની અને પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરવાની છૂટ આપી હતી.
જોકે માત્ર યશરાજ બેનર્સ નહીં બોલીવૂડમાં એવા ઘણા સેન્સિટીવ ડિરેક્ટર-પ્રોડ્યુસર છે જે હીરોઈનો કે ફીમેલ આર્ટિસ્ટના પિરિયડ્સનું ધ્યાન રાખે છે. ફિલ્મ સેક્રેડ ગેઈમ્સ-ટુની સ્ટાર અમૃતા સુભાષે કહ્યું હતું કે અનુરાગ કશ્યપે મને મારી ડેટ્સ વિશે પૂછ્યું હતું અને તે સમયે ઈન્ટિમેટ સિન શૂટ કર્યા ન હતા.