
હૈદરાબાદ: તેલુગુ સિનેમાથી દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. ટોલીવુડના દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે નિધન થયું છે. હૈદરાબાદના જુબલી હિલ્સમાં તેમના નિવાસસ્થાને લાંબી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા. બે દિવસ પહેલાં જ તેમણે 83મો જન્મદિવસ ઉજવ્યો હતો, અને હવે તેમના નિધનથી ચાહકો અને સિનેમા જગતમાં શોક છવાયો છે.
નિધનનું કારણ
મીડિયા અહેવાલો અનુસાર, કોટા શ્રીનિવાસ રાવ થોડા સમયથી ઉંમરને લગતી બીમારીઓથી પીડાતા હતા. રવિવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે તેમણે હૈદરાબાદના ફિલ્મનગરમાં આવેલા નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો. આ ખબરે તેલુગુ ફિલ્મ ઉદ્યોગ સહિત સમગ્ર ભારતીય સિનેમા જગતને ઝટકો આપ્યો છે.
ચાર દાયકાની શાનદાર કારકિર્દી
કોટા શ્રીનિવાસ રાવનો જન્મ 1942માં આંધ્રપ્રદેશના કાંકીપાડુમાં થયો હતો. તેમણે 1978માં ‘પ્રણમ ખરીદુ’ ફિલ્મથી તેલુગુ સિનેમામાં પદાર્પણ કર્યું હતું. ચાર દાયકાની કારકિર્દીમાં તેમણે તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમ સહિત 750થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. ‘આહા ના પેલ્લાંતા’, ‘પ્રતિઘટના’, ‘શિવા’, ‘ખૈદી નંબર 786’ અને ‘યમલીલા’ જેવી ફિલ્મોમાં તેમને અભિનય કર્યો છે.

પદ્મશ્રી અને રાજકીય યોગદાન
ભારતીય સિનેમામાં યોગદાન બદલ 2015માં કોટા શ્રીનિવાસ રાવને પદ્મશ્રી એનાયત થયો હતો. તેમણે નવ નંદી એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા. અભિનય ઉપરાંત તેઓ રાજકારણમાં પણ સક્રિય હતા અને 1999થી 2004 સુધી વિજયવાડા પૂર્વ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહ્યા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું, “તેમનું નિધન તેલુગુ સિનેમા માટે અપૂરણીય ક્ષતિ છે.”
સિનેમા જગતની શ્રદ્ધાંજલિ
કોટા શ્રીનિવાસના નિધનથી સિનેમા જગતમાં શોકની લાગણી વ્યાપી છે. ચિરંજીવી, રવિ તેજા, એસએસ રાજમૌલી, વિષ્ણુ મંચુ સહિત અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ X પર શોક વ્યક્ત કરતાં કહ્યું, “તેમની અભિનય કળા અને સામાજિક સેવા હંમેશાં યાદ રહેશે.”