Vedaa Review 3.5/5 :ફ્રેશ સ્ટોરી, દમદાર એક્ટિંગ અને સોશિયલ મેસેજનું કૉમ્બિનેશન જોવું ગમે તેવું છે
પહેલેથી હિન્દી ફિલ્મો સમાજનો અરીસો બની છે અને ઘણા એવા મુદ્દાઓને વાર્તામાં વણી લેવાઈ છે જે સમાજમાં સમસ્યા બનીને ઊભા છે. આ સમસ્યા ક્યારેક એકાદ વર્ગ પૂરતી હોય તો એકાદ વિસ્તાર પૂરતી, પણ સમાજની પ્રગતિને અસર કરતી હોય છે અને આવા સંઘર્ષ સામે બાથ ભીડનારા લોકોને હીરો કે હીરોઈન બનાવાતા હોય છે. જ્હોન અબ્રાહમની આજે રિલીઝ થયેલી વેદા પણ આવી જ છે. જોકે આ ફિલ્મની સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ આ ઘટના ને આવી માનસિકતા વિશે ઓછી જાણકારી હોવાથી ફિલ્મ એકદમ ફ્રેશ લાગે છે. આ સાથે જ્હોનની એક્શન અને ફિલ્મએ આપેલો સોશિયલ મેસેજ ફિલ્મને જોવા લાયક બનાવે છે.
ફિલ્મની સ્ટોરી વધારે નહીં કહીએ પણ રાજસ્થાનના એક ગામની વેદા નામની છોકરીની વાત છે, જેને બૉક્સર બનવું છે, પણ તેનો સૌથી મોટો સ્પર્ધક છે જાતપાતના વાડા. આ વેદા નામની છોકરીના પાત્રમાં શરવરી વાઘ અને તેનાં સંઘર્ષમાં તેનો સાથ આપનાર હીરો એટલે આર્મી મેન જ્હોન અબ્રાહમ. બન્નેના સંઘર્ષની વાર્તા છે વેદા.
| Also Read: Stree 2 Gujarati Reviewઃ રાજકુમાર અને શ્રદ્ધાની ફિલ્મ ફૂલ ટુ ધમાલ, પૈસા વસૂલ
કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેક્શન
એક્શનપેક મુવી છે અને જ્હોન હીરો છે એટલે કહેવાની જરૂર નથી કે જ્હોને બાજી મારી જ છે. પોતાના પાત્રમાં જ્હોન એકદમ એકરૂપ થયો છે અને તેના એક્શન સિક્વન્સ પણ એકદમ ફ્રેશ અને બિલિવેબલ છે. શરવરીએ બૉક્સર તરીકેની ભૂમિકા સારી રીતે નિભાવી છે અને તેની મહેનત દેખાઈ છે. ફિલ્મનો વિલન એટલે કે ગામનો પ્રધાન જિતેન્દ્ર સિંહના રોલમાં અભિષેક બેનરજીએ મજાનું કામ કર્યું છે.
ડિરેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ આ એક મહત્વના પાસમાં જ માર ખાઈ ગઈ છે. નિખિલ અડવાણી જેવા મંજાયેલા ડિરેક્ટરે કહાની કહી છે તો સારી રીતે, પણ ખૂબ જ ધીમે ધીમે. ફસ્ટ હાફમાં ફિલ્મનો માહોલ બંધાતા બંધાતા અટકી જતો હોય તેમ લાગે છે. ફિલ્મમાં ઘણા એવા સિન્સ છે જે ન હોત તો ચાલ્યું જાત અથવા તો ફિલ્મને ખેંચવા ઉમેર્યા હોય તેમ લાગે છે. ફિલ્મનો વિષય સારો હોવાથી બોરિંગ બનતી નથી, પણ દર્શકોનું ઈન્વોલ્વમેન્ટ ઓછું વધતું થયા કરે છે. જોકે સેકન્ડ હાફમાં ફિલ્મ સારી એવી પકક્ડ જમાવે છે. ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ સારા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક જબરજસ્ત છે.
આજની રજા અથવા તો શનિ-રવિની રજામાં ફિલ્મ જોવાની ઈચ્છા થાય તો વેદા ચોક્કસ જોઈ શકાય, એક તાજી ફિલ્મ જોયાનો અહેસાસ ચોક્કસ થશે.