Vash Level-2 movie Review: શરૂઆત જબરજસ્ત, ક્લાઈમેક્સમાં માર ખાઈ ગઈ, પણ… | મુંબઈ સમાચાર
મનોરંજન

Vash Level-2 movie Review: શરૂઆત જબરજસ્ત, ક્લાઈમેક્સમાં માર ખાઈ ગઈ, પણ…

ગુજરાતી ફિલ્મોમાં એક્પરિમેન્ટ થઈ રહ્યા છે અને તે સફળ થઈ રહ્યા છે તે ખરેખર વધાવવા જેવી વાત છે. તાજેતરમાં જે ફિલ્મે નેશનલ એવોર્ડ મેળવ્યો તે વશ આમાંની એક છે. 2024માં વશ ફિલ્મની હિન્દી રિમેક શૈતાન પણ આવી હતી. હવે આ વશની સિક્વલ વશ લેવલ-2ના નામે આજે ગણેશ ચતુર્થીની રજાના દિવસે રિલિઝ થઈ છે. આ ફિલ્મ મેકર્સ ફિલ્મ હિન્દી અને ગુજરાતી બન્નેમાં રિલિઝ કરી છે, તો આવો જાણીએ લેવલ-2એ દર્શકોને આ ફિલ્મ પહોંચાડે છે કે નહીં

કેવી છે વાર્તા

વશ ફિલ્મમાં વાત એક પરિવારની હતી. પરિવાર પર અચાનક આવેલો કાળો પડછાયો એટલે કે પ્રતાપ ઘરની યુવાન દીકરી જાનકીને વશ કરી લે છે અને પછી જાનકી પર કાળો જાદુ કરી તે પોતાના કામ કરાવે છે. ફિલ્મના અંતમાં જાનકીનો બાપ અથર્વ તેને બંધ કરવામાં સફળ થાય છે, પરંતુ દીકરી જાનકી પરથી તેનો પ્રભાવ ઓછો કરી શકતો નથી, જાનકી વેજિટેટિવ સ્ટેટમાં પોતાનો અલગ જ સંઘર્ષ કરી રહી છે.



લેવલ-2માં ડરનું લેવલ વધારવાની જવાબદારી લેખક-દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક પર છે. અહીં એક સ્કૂલ બતાવવામાં આવી છે. 15-16 વર્ષની છોકરીઓ અહીં ભણે છે. પણ કોઈ કાળો પડછાયો તેમનું એકસાથે વશીકરણ કરે છે. પ્રતાપ અંકલે છોડાવવાનું કામ આ છોકરીઓને સોંપાયું છે અને તે રીતે સ્ટોરી આગળ વધે છે. શરૂઆતની 50 મિનિટ તો તમારે હૃદયને મજબૂત રાખવું પડે તેવા દશ્યો છે. છોકરીઓનો ડર, તેમનો ઉત્પાત, સ્કૂલની આ સ્થિતિને પહોંચી વળવાના પ્રયાસો, પોલીસ ઈન્વેસ્ટિગેશન વગેરે તમને સતત જકડી રાખે છે, પણ ફિલ્મ જેમ જેમ ઈન્ટરવલ તરફ આગળ વધે છે તેમ પ્રેડિક્ટિવ બનતી જાય છે. અથર્વનું આખી વાર્તામાં ઘુસવું, પ્રતાપનો આંતક વગેરે ઠંડા પડતા જાય છે.

ફિલ્મનો ક્લાઈમેક્સ નિરાશ કરી શકે તેમ છે. જે રીતે બિરયાનીમાં બેસ્ટ ક્વોલિટીના મસાલા નાખ્યા, તેની ખુશ્બુ સરસ આવી, પરંતુ તેને બરાબર પકાવ્યા વિના જ સર્વ કરી દીધી તેવું ક્લાઈમેક્સ જોઈને લાગે છે. એક આખી સ્કૂલની છોકરીઓ પર આ રીતનું વશીકરણ થયેલું હોય અને તેમણે આખા શહેરમાં ધમાલ મચાવી હોય ત્યારે માત્ર એકાદ બે પોલીસ અધિકારી જ ઈન્વેસ્ટિગેટ કરે તે કઈ રીતે ચાલે. સ્કૂલની બહાર એમ્બ્યુલન્સનો ધમધમાટ નથી, પોલીસના કાફલા જોઈએ તે નથી, કોઈ મનોચિકિત્સકોની ટીમ નથી અને ખાસ તો રાજ્ય સરકાર સ્તરે જે ગિતિવિધિ હોય, એકાદ બે મિનિસ્ટર સ્કૂલ બહાર આવે, મીડિયાની વિશાળ હાજરી હોય તેવું કંઈ જ ખાસ બતવવામાં આવ્યું નથી. આમ થવાથી જે ભયાનકતા ફીલ થવી જોઈએ તે ફીલ થતી નથી. ફિલ્મમાં લાર્જ સ્કેલમાં વશીકરણ થયેલું બતાવવામાં આવ્યું છે પણ એ છોકરીઓના બિહેવિયર પર જે ફોક્સ કરવાનું હતું તે થયું નથી. ફિલ્મનો વિષય સારો લીધો પણ માવજતમાં ક્યાંક કચાશ રહી ગઈ તેમ લાગે છે.

કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેક્શન

વશ-1 અને શૈતાન માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિગ એક્ટ્રેસનો એવોઈર્ડ મળ્યો. જોકે આ ફિલ્મમાં જાનકીનો રોલ ઘણો જ નાનો છે. તેનાં રોલને લોજિકલ બનાવવાના ચક્કરમાં તેની સ્ક્રીન સ્પેસ ઘણી ઓછી છે અને એટલી ઈમ્પ્રેસિવ નથી. અથર્વ તરીકે હિતુ કનોડિયાએ સારો રંગ જમાવ્યો છે, પરંતુ હિતેન કુમારનાં પર્ફોમન્સમાં કોઈ તાજગી નથી. તે વશ-1ના રોલમાં જેવા છે તેવા જ લાગે છે. ચેતન દહીયા, મોનલ ગજ્જર, પ્રેમ ગઢવીએ પોતાના રોલને ન્યાય આપવાની કોશિશ કરી છે, પરંતુ તેમના પાત્રો એટલા ઊંડાણપૂર્વક લખાયા નથી, આથી એક મર્યાદા આવી જાય છે.

રહી વાત ડિરેક્શનની તો કૃષ્ણદેવ પોતાના કમ્ફર્ટ ઝોનમાં હતા આથી 143 મિનિટની ફિલ્મમાંથી 100 મિનિટ તો તેમણે સારું કામ કર્યું છે. ફિલ્મની હોરર થીમ છેલ્લે સુધી જળવાઈ રહે છે, બીજા કોઈ પાટે ફિલ્મ જતી નથી. સાઉન્ડ ઈફેક્ટ વશ-1 કરતા પણ સારા છે. જો ક્લાઈમેક્સ પર વધારે કામ કર્યું હોત, વિષયના સાઈકોલોજિકલ પાર્ટને વધારે હાઈલાઈટ કર્યો હોત તો ફિલ્મ માસ્ટરપિસ બની શકી હોત.

ખૈર, તેમ છતાં પ્રયાસ ઘણો સારો છો. જો તમે હોરર ફિલ્મ જોવાના શોખિન હોવ તો વન ટાઈમવૉચ ફિલ્મ છે.

મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3/5

આ પણ વાંચો…‘Coolie’ film review: રજનીકાંત સાથે ઉદયનિધિ સ્ટાલિને નિહાળી ફિલ્મ, શું આપી પ્રતિક્રિયા?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button