વરૂણ ધવને અમિત શાહને કહ્યા હનુમાન, પૂછ્યું રામ અને રાવણમાં અંતર શું?

મુંબઇઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવનની વેબસિરીઝ ‘સિટાડેલ: હનીબન્ની’ હાલમાં જ રિલીઝ થઈ હતી. આમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. હાલમાં તે તેની ફિલ્મ ‘બેબી જોન’ને લઈને ચર્ચામાં છે. વરુણ ધવન પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વરુણે ફિલ્મની રિલીઝ પહેલા એક મીડિયા ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ સમયે તેણે ગૃહ પ્રધાન અમિત શાહને દેશના હનુમાન ગણાવ્યા હતા.
ગૃહ પ્રધાન અમિત શાહ સ્ટેજ પર હતા જ્યારે વરુણ ધવન નીચે બેઠો હતો. એક પત્રકારની જેમ વરુણે અમિત શાહને કેટલાક સવાલો પૂછ્યા હતા. ત્યારે અમિત શાહે પણ તેના સવાલોના પરફેક્ટ જવાબો આપ્યા હતા. વરુણે કહ્યું હતું કે, “તમે જે કહો છો તેનાથી હું પ્રભાવિત થયો છું. મારો તમારા માટે એક પ્રશ્ન છે, ‘ભગવાન રામ અને રાવણ વચ્ચે સૌથી મોટો તફાવત શું છે?’ આના પર અમિત શાહે જણાવ્યું હતું કે, “કેટલાક લોકો ધર્મને પોતાની ફરજ માનીને જવાબદારીપૂર્વક કામ કરે છે, જ્યારે અન્ય લોકો પોતાના ફાયદા માટે ધર્મનો ઉપયોગ કરે છે. શ્રીરામ અને રાવણમાં આ જ ફરક છે. જો શ્રીરામ ધર્મ પ્રમાણે જીવતા હતા, તો રાવણે તેની ઈચ્છા પ્રમાણે ધર્મને બદલવાનો પ્રયાસ કર્યો હતો.”
Also read:અગસ્ત્ય ‘ઇન’, વરૂણ ‘આઉટ’! બોલીવુડમાં હવે નેપોકિડ્સ આમને સામને થયા
આ પછી વરુણ કહે છે કે એકવાર તમે અહંકાર વિશે વાત કરી હતી ત્યારે મારા મગજમાં એક વાત આવી કે ‘રાવણને જ્ઞાનનો અહંકાર હતો અને ભગવાન રામને અહંકારનું જ્ઞાન હતું.’ તેના પર અમિત શાહ કહે છે કે, ‘બંને અહંકારની વ્યાખ્યા છે.’ ફરી વરુણ કહે છે કે, ‘મેં તમને ટીવી પર જોયા છે. આજે પહેલીવાર તમને લાઈવ જોઈ રહ્યો છું. કેટલાક લોકો તમારો ઉલ્લેખ કરે છે કે તમે રાજકારણના ચાણક્ય છો, પરંતુ હું કહેવા માંગુ છું કે તમે દેશના હનુમાન છો જે કોઈ પણ સ્વાર્થ વગર દેશની સેવા કરી રહ્યા છે. અમે કલાકારો પણ સ્ક્રિપ્ટમાંથી એટલી સ્પષ્ટ રીતે બોલી શકતા નથી જેટલી સ્પષ્ટ રીતે તમે તમારા વિચારો વ્યક્ત કરો છે.”